પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના એ જૈન કુળમાં જન્મ પામેલ પ્રત્યેક આત્મા માટે તન, મન, ધન, વચન, જીવન અને જીવન વ્યવહારને પૂર્ણ પવિત્ર બનાવવાનો સુવર્ણ અવસર છે કારણ કે, પર્યુષણ પર્વ એ તો આત્મ શુદ્ધિનું પર્વ છે માટે દરેક આરાધકે સાધક બનીને 8 દિવસની આરાધના દ્વારા પોતાની જાતને શુદ્ધ-વિશુદ્ધ બનાવવાનો પુરૂષાર્થ પ્રારંભ કરવાનો છે.
પર્યુષણ પર્વ એટલે અંદર જવાની સાધના છે. કોઈ પણ વસ્તુ બહાર મેળવવી હોય તો ભટકવું પડે અને કાંઈ પણ અંદર મેળવવું હોય તો અટકવું પડે. આવી નવ વિશેષતા સાથેનું પર્યુષણ પર્વ જો ખરેખર આપણે સફળ બનાવી લઈએ તો વિતરાગ માર્ગનાં લક્ષ્યને જરુર પ્રાપ્ત કરી શકીએ.
જેમ જીવનમાં તનને પવિત્ર રાખવાનું ચૂકતા નથી તેમ મનને પણ સદૈવ પવિત્ર રાખવાનું ભૂલવાનું નથી તથા ધનને પવિત્ર બનાવવાનું અવશ્ય યાદ રાખવાનું છે. તન પવિત્ર થાય સ્નાનથી, મન પવિત્ર થાય ધ્યાનથી ને ધન પવિત્ર થાય દાનથી.
જેમ જેમ પર્યુષણ પર્વની આરાધના મૌનપૂર્વક કરતા જઈશું તેમ આત્માને ઓળખવાનું આસાન બની જશે કારણ કે જ્યાં આપણે બોલવાનું જ નથી ત્યાં આપણા બધા જ વૈચારિક વિકલ્પોના તોફાનો શાંત થતાં જશે. જો અતિ પવિત્ર આઠ દિવસ પણ આપણે મૌન ન રહી શકીએ તો અનેક પ્રકારના વાણી-વ્યવહારમાં જાણતા-અજાણતા નવા ક્રોધ-કષાય કર્મ બંધનમાં જકડાતા જઈશું.
પર્યુષણ પર્વ આપણને એ શીખડાવે કે, જીવનને પ્રામાણિકતાનાં માર્ગે વિકસીત કરવાનું છે કારણ કે જગતમાં પ્રામાણિકતાથી મોટો બીજો કોઈ ધર્મ જ નથી અને અધિકાંશ લોકો અનેકગણો ધર્મ કરવા છતાં વચનથી કે વિચારથી, વ્યવહારમાં કે વ્યાપારમાં પ્રામાણિકતા દાખવી શકતા નથી માટે જ જીવનમાં સર્વત્ર આટલો બધો તપ-જપ-દાન કરવા છતાંય ધર્મની જોઈએ તેવી અસર દેખાતી નથી.
જૈન ધર્મનાં સર્વ ગ્રંથોમાં શિરોમણી ગ્રંથ સમાન શ્રી કલ્પસૂત્રનાં વાંચન/શ્રવણ થકી આપણે જ્ઞાનનાં દિવ્ય પ્રકાશને પ્રાપ્ત કરી અંતરના અજવાળાને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરવા જેવો છે.
સર્વ તીર્થંકર પરમાત્માના દીક્ષા પછીના સમયને તમે જોશો તો એ સમયને મૌન સાધના કાળ તરીકે વર્ણવવામાં આવ્યો છે એનો સીધો મતલબ જ એ છે કે મૌન ધ્યાન સાધના એ જ તીર્થંકર પ્રભુની ઓળખાણ છે.
સાધના થકી જ એમણે પૂર્વકાલીન કર્મોને ખપાવ્યા અને સર્વ વિષય/કષાય જડ-મૂળથી નષ્ટ થતાં, નવા કર્મ બંધનનો માર્ગ બંધ થયો અને પરિણામ સ્વરુપ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ને એ દિવ્ય આત્મા મોક્ષ તરફ અગ્રેસર થયો માટે આપણે પણ અધ્યાત્મ તરફ પ્રયાણ કરી ખરેખર પર્યુષણ પર્વથી સાધનાનો માર્ગ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય કેળવવા જેવું છે.
આ આઠ દિવસ દરમ્યાન માત્ર દેરાસર,ઉપાશ્રય,ધર્મ સ્થાનકમાં માત્ર તપશ્ચર્યાઓ અને ક્રિયાઓ જ કરવાને બદલે તેની સાથે સાથે સ્વ અભ્યાસનું લક્ષ્ય પણ નિશ્ચિત કરી આપણા જીવન વ્યવહારમાં-નિત્ય સ્વભાવમાં આમૂલચૂલ પરિવર્તન લાવવાનો પ્રયત્ન પ્રારંભ કરીએ. આ કળિયુગમાં પણ એનાથી જ જીવનમાં રાગ-દ્વેષ ઓછા થઈ શકશે, આપસમાં વૈર-ઝેર સમાપ્ત થઇ શકશે અને બધા જ પ્રકારનાં વ્યવહારમાં પારદર્શિતા નિર્મિત થઈ શકશે.
જાતને જીતવા માટે મળેલ આ પરમ પાવન દિવસોમાં દુન્યવી બધા જ કાર્યોને-સંબંધોને-વ્યવહારને- પરિચયને-ઓળખાણને સીમિત કરી સ્વભાવને સરળ-મનને પવિત્ર-વિચારને ઉદાર-આત્માને નિર્મળ-ભવિષ્યને ઉજ્જવળ બનાવવા દ્વારા જીવનને સફળ બનાવવાનો દૃઢ નિશ્ર્ચય-મજબૂત સંકલ્પ કરવા જેવો છે.
પર્વાધિરાજનાં આગમને અંતર જાગૃતિનાં માધ્યમે પાપ નિવૃત્તિ તરફ આગળ વધો અને પુણ્ય પ્રવૃત્તિમાં અભિવૃદ્ધિ કરો એ જ શુભ મંગલ પ્રેરણા.
પર્યુષણ પર્વની નવ વિશેષતા જાણવા જેવી ને સમજવા જેવી છે.
1, આ પર્વ પવિત્રતા નિર્માણ કરવાનું પર્વ છે.
2, આ પર્વ આત્માને ઓળખવાનું પર્વ છે.
3, આ પર્વ જીવનને વિકસીત કરવાનું પર્વ છે.
4, આ પર્વ દિવ્ય જ્ઞાનનું પર્વ છે.
5, આ પર્વ ભવ્ય અંતર પ્રકાશનું પર્વ છે.
6, આ પર્વ મહાન સાધનાનું પર્વ છે.
7, આ પર્વ સ્વ અભ્યાસનું પર્વ છે.
8, આ પર્વ જાતને જીતવાનું પર્વ છે.
9, આ પર્વ અંતર જાગૃતિનું પર્વ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy