રાજકોટ, તા.14
પર્વાધિરાજ પર્યુષણ પર્વ કાલે સંવત્સરી પ્રતિક્રમણ સાથે પૂર્ણ થશે. રાજકોટના સમસ્ત જૈન સમાજમાં ‘તપ, ધર્મ આરાધના ભવ્ય રીતે ચાલી રહી છે. જાગનાથ સંઘમાં પૂ.પં. શ્રી ગાતર્થરત્ન વિ.મ. તથા પં. શ્રી હિતાર્થરત્ન વિ.મ.આદિની નિશ્રામાં તપ, ધર્મ આરાધના સુંદર રીતે ચાલી રહી છે. અજરામર સ્થા. જૈન સંઘમાં ગચ્છાધિપતિ આ. શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ભવ્ય આરાધના થઇ રહી છે.’ દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન સંઘોમાં આ વખતે તપ, ધર્મ આરાધનાનો ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે. જિનાલયોમાં પરમાત્માની ભવ્ય અંગરચના જોવા તથા ભાવના (ભક્તિ સંગીત)માં જૈનો ઉમટી રહ્યા છે.
કલ્પ સૂત્ર
આજે કલ્પસૂત્રના સાતમા અને આઠમા વ્યાખ્યાનમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના સાતમા દિવસે ભગવાન પાર્શ્ર્વનાથ, નેમિનાથ તથા ઋષભદેવનું ચરિત્ર તથા 21 તીર્થકરોના આંતરા તથા જંબૂસ્વામી આદિ મહાપુરુષોના ચરિત્ર પર પ્રવચનો થયા હતા.
આજે વ્યાખ્યાનમાં બારસા સૂત્રની ઉછામણી કરવામાં આવી હતી તથા સ્થાનકવાસી જૈન સંઘોમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. આજના કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં અજ્ઞાત તપથી જે વ્યક્તિ અનિષ્ઠાન કરે છે તે મોક્ષને લાયક બનતા નથી. કમઠ પંચાગ્નિ તપ કરતો હતો, પાર્શ્ર્વકુમાર પ્રત્યે દ્વેષ થયો અને તેણે મેઘમાળી બની પ્રભુને ઉપસર્ગ કર્યો. કષ્ટ સહન કરતાં પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. નેમિનાથ વિકરત હોવા છતાં કૃષ્ણની પત્નીઓએ લગ્ન માટે તૈયાર કર્યા.
પ્રભુ મૌન રહ્યાં આથી હા સમજી લીધી. પશુનો પોકાર સાંભળી પ્રભુએ રથ પાછો વાળ્યો, ગિરનાર ઉપર જઇને દીક્ષા લીધી. કેવળ જ્ઞાન પામીને મોક્ષે પધાર્યા. ત્યારબાદ ઋષભદેવ ભગવાનનું વર્ણન આવે છે. ખેડૂતને બળદના મોઢે બાંધવાનું કહ્યું પરંતુ છોડવાનું ન કહ્યું આથી 400 દિવસ ઉપવાસ થયા તે પરંપરા લોકો આજે ભાવિકો વરસી તપની આરાધના કરે છે.ત્યારબાદ પ્રભુ વીરની પાટ પરંપરાનું વર્ણન કરવામાં આવ્યું હતું. જંબુ સ્વામી, ભદ્રબાહુ સ્વામી, સ્થૂલિ ભદ્ર સ્વામી, આચાર્ય સુહસ્તિસ સૂરિ, વજ્ર સ્વામી વગેરેનું વર્ણન કરવામાં આવેલ. આજે ત્રીજ હોવાથી સાંજે માંગલિક પ્રતિક્રમણ કરાશે.
સંવત્સરી પર્વ
આવતીકાલે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આઠમો દિવસ સંવત્સરી મહાપર્વ છે. સર્વોત્તમ આરાધનાનો આ દિવસ છે. વ્યાપાર, નોકરીના કારણે સાત દિવસ ન આવનાર અચૂક આવે છે. આવતીકાલે ગુરુ ભગવંતો વ્યાખ્યાનમાં બારસા સૂત્રનું વાંચન કરશે. આ બારસા સૂત્ર અર્ધ માગધી ભાષામાં છે. તે કલ્પસૂત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે. કાલે સંવત્સરી પ્રતિક્રમણ સાથે પર્યુષણ પર્વનું સમાપન થશે. બુધવારે તપસ્વીઓના પારણા થશે.
આવતીકાલે ક્ષમાના અમૃત ઘટનો દિવસ છે. કાલે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા દરેક જીવને ખમાવી લેવા એક પણ વ્યક્તિ સાથે મતભેદ રહી જાય તો સાધના સફળ થાય નથી. ક્રોધ કરીશું તો દુર્ગતિમાં જ જવું પડે.
આવતીકાલે તમામ ઉપાશ્રયોમાં લગભગ બપોરના ત્રણ વાગે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવામાં આવશે. લગભગ ત્રણ કલાકની વિધિ હોય છે. તમામ જૈનો પૂરા ઉલ્લાસથી આ વિધિમાં ભાગ લે છે. 84 લાખ જીવ યોનિ પ્રત્યે મિત્રતા નિર્માણ કરવી. સાંવત્સરિક મહાપર્વના દિવસે ‘મિચ્છામિ દુક્કડમ્’ માગી સાચુ ભાવ-પ્રતિક્રમણ કરીને ક્ષમા પર્વની આરાધના કરાશે.
સાંવત્સરિક મહાપર્વમાં ત્રણ વાતનો સંકલ્પ લેવામાં આવે છે. પ્રથમ કોઇ ક્રોધ કરશે તો હું ક્ષમા રાખીશ, બીજું, ક્રોધ થઇ જશે તો ક્ષમા માગીશ. ત્રીજુ, કોઇ ક્ષમા માગશે તો હું ક્ષમા આપીશ. બાર મહિના ભલે પાનખરના હોય પણ પર્યુષણ તો વસંત ઋતુ છે. હૈયાથી ક્ષમા માગીને જીવનને સફળ બનાવવાનું સંવત્સરી મહાપર્વ છે.
અજરામર સંઘ
ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી...ના જયઘોષ સાથે પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાંચન અને 14 સુપનની ઉછામણીમાં લગભગ 11 લાખ રુપિયા જેવી ઉછામણી થઇ હતી, જેમાં પારણાનો લાભ સરલાબેન શાંતિલાલ શાહ પરિવારે લીધો હતો. સાથે આ પરિવારમાં પાંચ તપસ્વી સિદ્ધિતપમાં પણ જોડાયા છે.
તેમજ રત્ન રાશીનો લાભ શ્રીમતી રેખાબેન હરેશભાઇ દફતરી અને પદ્મ સરોવરનો લાભ શ્રીમતી સુધાબેન મધુકાન્ત ખંધાર પરિવારે મોટી બોલી બોલીને લાભ લીધો હતો. કલ્પસૂત્રની પોથી વહોરાવવાનો લાભ કંકુ મહિલા મંડળે લીધો હતો.કાર્યક્રમમાં અનેક દાતા પરિવારો જોડાયા હતા, આ પ્રસંગે સંઘના ટ્રસ્ટી કમલેશભાઇ શાહ, કીરીટભાઇ સંઘવી, નરેશભાઇ ખંધાર તથા અન્ય પદાધિકારીઓ જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy