નવી દિલ્લી,
ભારતીય મહિલા જૂનિયર હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સતત ત્રીજી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ભારતે રવિવારે રમાયેલી ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવીને ખિતાબી હેટ્રિક લગાવી હતી.
આ જીત સાથે જ ભારતીય ટીમે જૂનિયર મહિલા હોકી વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ભારત માટે સાનિકા ચંદ્રકાંત માનેએ મેચનો એકમાત્ર અને નિર્ણાયક ગોલ નોંધાવ્યો હતો.
સાનિકાએ મેચની 17મી મિનિટે ગોલ કરીને ભારતીય ટીમને સરસાઇ અપાવી હતી. વર્તમાન ચેમ્પિયન ટીમે આ રીતે એશિયા કપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને સફળતાપૂર્વક ખિતાબનો બચાવ કર્યો.
શરૂઆતમાં મુકાબલો ખૂબ જ કાંટાની ટક્કર વાળો હતો અને બંને ટીમો સરસાઇ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. ચીન પાસે મોટા ભાગના સમયે બોલ પોઝિશન રહ્યું અને ભારતીય ટીમ દબાણમાં દેખાઈ, પરંતુ ચેમ્પિયન ટીમે યોગ્ય સમયે રમતનો મિજાજ બદલીને પુનરાગમન કર્યું હતું.
ભારતીય ટીમ આખી ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ભારત પોતાના ગ્રુપમાં ત્રણ જીત અને એક ડ્રો સાથે ટોચ પર રહ્યું હતું. ફાઇનલમાં ચીનને હરાવતા પહેલા ભારતીય ટીમે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 5-1 થી માત આપી હતી. હોકી ઇન્ડિયાએ આ ઐતિહાસિક જીત બદલ ટીમના પ્રત્યેક ખેલાડી માટે રૂ. 3 લાખ અને સપોર્ટ સ્ટાફના દરેક સભ્ય માટે રૂ. 1.5 લાખના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.
પહેલા ક્વાર્ટર બાદ ભારતની ડિફેન્સ લાઇન વધુ મજબૂત બની ગઈ હતી, જેના કારણે યજમાન ટીમ ભારતીય સર્કલમાં કોઈ તક બનાવી શકી નહોતી. બીજા ક્વાર્ટરની શરૂઆતની બીજી જ મિનિટે ભારતે પોતાની પ્રથમ મોટી તકને ગોલમાં ફેરવી દીધી હતી.
સાનિકાએ શાનદાર સૂઝબૂઝ દર્શાવતા ચીનની ડિફેન્ડર પાછળ જગ્યા બનાવી અને ગોલ પોસ્ટથી માત્ર 5 મીટર દૂર પહોંચી ગઈ. સર્કલમાં આવેલા લાંબા સ્લેપ-પુશ પર તેણે પોતાની સ્ટીક વડે સુંદર ડિફ્લેક્શન કર્યું, જેથી બોલ ચીનની ગોલકીપર શૂ મેંગજિયાઓને છકાવીને સીધો નેટમાં જતો રહ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy