(દિપક કનૈયા) બાબરા, તા.14
બાબરા શહેરમાં નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતા ભાદરવી અમાસના ચાર દિવસીય લોકમેળામાં દૂરદૂરથી નાના અને ગરીબ વેપારીઓ રોજગારીની આશા સાથે આવી પાથરણા પાથરી વેપાર કરે છે. આવા વેપારીઓને ભોજન મળી રહે તેવા સેવાભાવી હેતુથી બાબરા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાદરવી અમાસના દિવસે બપોરના સમયે રામાનંદી સાધુ સમાજના કાર્યકરો દ્વારા મેળામાં વેપાર માટે બેઠેલા આશરે જેટલા નાના-ગરીબ વેપારીઓને તેમના સ્થળ પર જ જઈને પૂરી-બટેટાનું શાક તથા પુલાવ-ભાતની ડીસ આપી ભોજન કરાવવામાં આવ્યું હતું. વેપારીઓને સ્થળ પર જ ભોજન પહોંચાડી કરવામાં આવેલી આ સેવા કામગીરીને સૌએ આવકારી હતી.
આ સેવાકાર્ય બાબરા તાલુકા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ પ્રતાપભાઈ દેવમુરારીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. આ પ્રસંગે તાલુકા મંડળના ખજાનચી રસીકભાઈ અગ્રાવત, બાબરા-અમરાપરા યુવાપાંખના પ્રમુખ કનુભાઈ દેવમુરારી, ઉપપ્રમુખ કિશનભાઈ વિષ્ણુ તેમજ સભ્ય પ્રવિણભાઈ કુબાવત સહિતના આગેવાનો ઉપસ્થિત રહી વેપારીઓને સ્થળ પર ભોજન પીરસ્યું હતું.
બાબરાની કૃષ્ણનગર સોસાયટી દ્વારા પણ છેલ્લા છ વર્ષથી ભાદરવી અમાસની આગલી રાત્રે મેળામાં આવેલા નાના વેપારીઓ માટે પૂરી-શાક અને ખીચડીના ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ સેવાકીય કાર્યમાં પ્રકાશભાઈ જોગી, મનોજભાઈ કનૈયા, નરેશભાઈ દેસાઈ, બળવંતભાઈ ચાવડા, ધર્મેન્દ્રભાઈ વાવડીયા, ભાવેશભાઈ મિસ્ત્રી, સુનીલ વાસુદેવભાઈ તથા વૈદ્યભાઈ સહિતના સેવાભાવી આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy