વૈજ્ઞાનિકાએ અંતરિક્ષમાં ઉગાડ્યા ચોખા

હવે ચંદ્ર અને મંગળ પર બની શકશે `બિરયાની'!

World, Off-beat | 13 August, 2026 | 11:43 AM
સાંજ સમાચાર

જરા વિચારો, એક અંતરિક્ષ યાત્રી બ્રહ્માંડનાં ઊંડાણમાં તરતાં તરતાં પોતાનાં લંચમાં એ જ તાજા ચોખા ખાતો હોય, જે તેણે પોતાની આંખો સામે સ્પેસ સ્ટેશનની લેબમાં ઉગાડ્યા છે. આ કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મનું દ્રશ્ય લાગી શકે છે, પરંતુ ચીનના વૈજ્ઞાનિકો અને અંતરિક્ષ યાત્રીઓએ આને વાસ્તવિકતામાં બદલી નાખ્યું છે.

ચીનનાં 'તિયાંગોંગ' સ્પેસ સ્ટેશન પરથી એક એવા સમાચાર આવ્યાં છે જેણે વિશ્વભરનાં કૃષિ નિષ્ણાતો અને સ્પેસ એજન્સીઓને ચોંકાવી દીધાં છે. ચીને માત્ર અંતરિક્ષમાં ડાંગર ઉગાડ્યા જ નથી, પરંતુ તેનો સફળતાપૂર્વક પાક લણીને તેનો સ્વાદ ચાખવાની તૈયારી પણ કરી લીધી છે.

`માઇક્રોવેવ' જેવા બોક્સમાં ઊગ્યા ચોખા 
આ ચમત્કાર કોઈ ખુલ્લા ખેતરમાં નહીં, પરંતુ એક નાના લેબ મોડ્યુલમાં થયો છે. વૈજ્ઞાનિકોએ તિયાંગોંગ સ્પેસ સ્ટેશનની અંદર એક ખાસ ચેમ્બર તૈયાર કરી, જેની સાઇઝ લગભગ ઘરના `માઇક્રોવેવ ઓવન' જેટલી છે.

આ નાનકડા `ખેતર'માં ડાંગરની એક વામન જાત (Dwarf Variety) ના બીજ વાવવામાં આવ્યા હતા. નાની/વામન જાત એટલા માટે પસંદ કરવામાં આવી કારણ કે અંતરિક્ષમાં જગ્યાની ભારે અછત હોય છે અને આ છોડ ઓછા સમયમાં ઝડપથી વધે છે. આ નાનું બોક્સ જ ભવિષ્યના મોટા 'સ્પેસ ફામ્ર્સ'નું પ્રોટોટાઇપ (નમૂનો) છે.

અંતરિક્ષમાં ખેતી : શોખ નહીં, મજબૂરી છે! 
અવારનવાર લોકો પૂછે છે કે જ્યારે પૃથ્વી પર આટલું અનાજ છે, તો કરોડો રૂપિયા ખર્ચીને અંતરિક્ષમાં ડાંગર ઉગાડવાની શું જરૂર છે? આનો જવાબ ભવિષ્યનાં 'મિશન માર્સ' અને `મૂન વિલેજ'માં છુપાયેલો છે. પૃથ્વી પરથી અંતરિક્ષમાં એક કિલો સામાન મોકલવાનો ખર્ચ લાખો-કરોડો રૂપિયા થાય છે.

જેમ-જેમ માણસ ચંદ્ર અને મંગળ ગ્રહ પર વસાહતો સ્થાપવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યાં સુધી દર અઠવાડિયે રાશનનું પેકેટ મોકલવું અશક્ય બનશે. મંગળની યાત્રામાં મહિનાઓ લાગે છે.

એવામાં જો અંતરિક્ષ યાત્રીઓએ જીવતાં રહેવું હોય, તો તેમણે `આત્મનિર્ભર' બનવું પડશે. તેમણે પોતાનો ખોરાક જાતે ઉગાડતા શીખવું પડશે, અને ચીનની આ સફળતા આ જ દિશામાં પહેલું અને સૌથી મજબૂત કદમ છે.

`ટૂ-જનરેશન કલ્ટિવેશન' : આગામી પેઢીની તૈયારી 
ચીન માત્ર એક વાર પાક લણીને અટકી જવા માંગતું નથી. અસલી રોમાંચ હવે શરૂ થયો છે. અંતરિક્ષ યાત્રીઓ હવે 'ટૂ-જનરેશન કલ્ટિવેશન' પર કામ કરી રહ્યાં છે. એટલે કે, અંતરિક્ષમાં ઊગેલાં ડાંગરમાંથી જે બીજ મળ્યાં છે, તેમને ફરીથી ત્યાં જ વાવવામાં આવી રહ્યાં છે.

વૈજ્ઞાનિકો એ જોવા માંગે છે કે, શું 'સ્પેસ-બોર્ન' (અંતરિક્ષમાં જન્મેલા) બીજ પણ એટલાં જ સ્વસ્થ હશે? શું અંતરિક્ષના રેડિયેશન અને વાતાવરણથી તેમના ડીએનએમાં એવો કોઈ ફેરફાર આવશે જે આવનારી પેઢીઓ માટે ખતરનાક કે લાભદાયી હોઈ શકે? જો ચીન અંતરિક્ષમાં બીજોનું જીવનચક્ર પૂરૂં કરવામાં સફળ રહે છે, તો આ બ્રહ્માંડનાં ઇતિહાસમાં માનવીની સૌથી મોટી જીત હશે.

ઝીરો ગ્રેવિટીનો પડકાર : જ્યારે પાણી ઉપર તરફ જાય છે 
પૃથ્વી પર ખેતી કરવી આસાન છે-તમે બીજ વાવો છો, પાણી નાખો છો અને ગુરુતાકર્ષણ બાકીનું કામ કરી દે છે. પરંતુ અંતરિક્ષમાં `ઝીરો ગ્રેવિટી' અથવા `માઇક્રોગ્રેવિટી' સૌથી મોટો દુશ્મન છે.
પાણીની સમસ્યા : અહીં પાણી પાંદડાંમાંથી નીતરીને મૂળ સુધી નથી જતું, પરંતુ હવામાં ગોળાની જેમ તરવા લાગે છે.
♦ પરાગરજ (Pollen) નો ભ્રમ : ફૂલો ખીલે છે ત્યારે તેની પરાગરજ હવામાં ભટકી જાય છે, જેનાથી બીજ બનવાની પ્રક્રિયા ખોરવાય છે.
મૂળની દિશા : ગુરુતાકર્ષણ વગર છોડનાં મૂળને સમજ નથી પડતી કે તેમણે નીચે જવાનું છે કે ઉપર.

આ પડકારો સામે લડવા માટે ચીની વૈજ્ઞાનિકોએ 'બાયોલોજિકલ એડહેસિવ' (એક પ્રકારનો જૈવિક ગુંદર) નો ઉપયોગ કર્યો, જેણે બીજને માટી અથવા માધ્યમ સાથે ચોંટાડી રાખ્યા. સાથે જ, એક હાઇ-ટેક સિસ્ટમ દ્વારા હવા અને પાણીના દબાણને નિયંત્રિત કરવામાં આવ્યું જેથી છોડને બિલકુલ પૃથ્વીની જેમ જ પોષક તત્વો મળી રહે.

શું બદલાશે ભવિષ્ય? 
2022 માં લાવવામાં આવેલાં બીજ અને તાજેતરનાં લણણીના નમૂનાઓની સરખામણી હવે પૃથ્વી પર મોજુદ સામાન્ય ડાંગર સાથે કરવામાં આવી રહી છે. પ્રારંભિક પરિણામો પરથી જાણવા મળ્યું છે કે અંતરિક્ષમાં ઉગાડવામાં આવેલા ડાંગરના પ્રકાંડ (થડ) થોડા લાંબા હોઈ શકે છે અને તેમનાં જીનમાં કેટલાક સૂક્ષ્મ ફેરફારો આવે છે.

ચીનનો લક્ષ્યાંક સ્પષ્ટ છે
તે વિશ્વનો એવો પહેલો દેશ બનવા માંગે છે જેની પાસે પોતાની 'સ્પેસ ફૂડ સિસ્ટમ' હોય. આ શોધ માત્ર ચીન માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે `ગેમ-ચેન્જર' છે. કાલે જ્યારે માનવી મંગળ ગ્રહની લાલ માટી પર પોતાનો પહેલો કદમ મૂકશે, તો કદાચ `પૂર્વજ' ચોખા તિયાંગોંગ સ્પેસ સ્ટેશનના એ નાનકડા બોક્સમાં ઊગ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj