નવી દિલ્હી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા 12 સપ્ટેમ્બરે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમના કાફલામાં સામેલ વિશેષ લિમોઝિન `હોંગકી N701' દિલ્હીમાં કાળા કવરથી ઢાંકેલી હાલતમાં જોવા મળતાં તેની ચર્ચા શરૂ થઈ હતી. જોકે, આ પ્રકારનું કવર કરવું અસામાન્ય નથી અને તેનો મુખ્ય હેતુ સુરક્ષા, ગોપનીયતા તથા વાહનને નુકસાનથી બચાવવાનો હોય છે.
વિદેશ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રાધ્યક્ષોની સત્તાવાર કારને ઘણી વખત પરિવહન દરમિયાન કવરથી ઢાંકવામાં આવે છે. કારને ધૂળ, વરસાદ અને આકસ્મિક સ્ક્રેચથી બચાવવા ઉપરાંત તેની ઓળખ અને વિશિષ્ટ સુરક્ષા વ્યવસ્થાને જાહેર નજરથી દૂર રાખવા માટે પણ આવું કરવામાં આવે છે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ જિનપિંગ કારમાં સવાર થાય તે પહેલાં કવર હટાવી દેવામાં આવ્યું હતું.
ચીનની `રેડ ફ્લેગ' કાર
`હોંગકી'નો અર્થ ચીની ભાષામાં `લાલ ઝંડો' થાય છે. 1958માં શરૂ થયેલી આ બ્રાન્ડ લાંબા સમયથી ચીનના ટોચના સરકારી અધિકારીઓ અને સત્તાવાર કાર્યક્રમો સાથે સંકળાયેલી રહી છે. N701 સામાન્ય બજારમાં વેચાતી કાર નથી, પરંતુ ખાસ સરકારી ઉપયોગ માટે તૈયાર કરાયેલી લિમોઝિન છે.
કારની સુરક્ષા અને ટેક્નિકલ ક્ષમતાઓની મોટાભાગની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. તેથી તેને બુલેટપ્રૂફ, બોમ્બપ્રૂફ કે પરમાણુ હુમલાથી સંપૂર્ણ સુરક્ષિત હોવાના સોશિયલ મીડિયા પરના દાવાઓને સત્તાવાર તથ્ય માનવા યોગ્ય નથી.
`ધ બીસ્ટ' સાથે થાય છે સરખામણી
શી જિનપિંગની N701ની સરખામણી ઘણીવાર અમેરિકી રાષ્ટ્રપતિની સત્તાવાર બખ્તરબંધ કાર `ધ બીસ્ટ' સાથે કરવામાં આવે છે. બંને વાહનોમાં રાષ્ટ્રાધ્યક્ષની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે. N701ની ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા અને એન્જિન અંગેની માહિતી જોકે ગોપનીય રાખવામાં આવી છે.
અર્થાત, દિલ્હીમાં કારને કાળા કવરથી ઢાંકવાનું કારણ કોઈ રહસ્યમય બાબત નહીં, પરંતુ રાષ્ટ્રાધ્યક્ષની સુરક્ષા, ગોપનીયતા અને સત્તાવાર પ્રોટોકોલનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy