◙ ઈરાન પરના આક્રમણને રશિયાએ ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યુ : પેજેશ્કિયને ઈઝરાયેલ - અમેરિકાને સાચા આતંકવાદી ગણાવ્યા
નવી દિલ્હી તા.12
આજથી શરુ થયેલી બ્રિકસ શિખર પરિષદ પુર્વે જ જબરો ડિપ્લોમેટીક માહોલ બની ગયો છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન સાથે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન એ ગઈકાલે ઓચિંતા જ બ્રિકસ ફોરમમાં મુલાકાત સમયે અમેરિકા પર સીધુ આક્રમણ કરતા જ આ મંચ અમેરિકા અને પશ્ચિમ વિરોધી બની જાય તેવી ચિંતા ભારતને છે.
હવે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ ભારત આવી ગયા છે અને તેઓ તથા રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિ ફરી એક વખત મળશે તે સમયે અમેરિકા વિરોધી ઉચ્ચારણો ન થાય તે જોવા ભારત સક્રીય બની ગયું છે.
ઈરાન પરના અમેરિકાના આક્રમણને રશિયા અને ઈરાને ઉશ્કેરણીનું કૃત્ય ગણાવ્યું હતું અને તેની સાથે બ્રિકસ દેશોના સભ્યોને આ પ્રકારના પડકારો અને દબાણો સામે સંયુક્ત રીતે કામ લેવુ જોઈએ તેવું મંતવ્ય બંને દેશોએ વ્યક્ત કર્યુ હતું.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનએ ગઈકાલે અમેરિકા તથા ઈઝરાયેલને સીધો સંદેશ આપતા કહ્યું કે તેમની દાદાગીરી અને અહંકાર સામે ઈરાન કદી ઝુકશે નહી. તેઓએ દિલ્હીમાં ધાર્મિક નેતાઓ, બુદ્ધિજીવીઓ અને શિક્ષણશાસ્ત્રીઓને સંબોધતા આ વિધાનો કર્યા હતા અને સાથોસાથ કહ્યું કે અમે જુલ્મ સામે ઝુકીશુ નહી. ઈઝરાયેલ અને ઈરાનનો મજબૂત સામનો કરીશું.
તેઓએ આ બંને દેશોને અસલી આતંકી ગણાવી દીધા તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીને પણ અમેરિકા પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે તે દરેક શકય માર્ગે પોતાનું વર્ચસ્વ સ્થાપવા માંગે છે અને સીધો સૈન્યનો ઉપયોગ કરે છે તથા ઔદ્યોગીક અને લોજીસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રકચરનો નાશ કરવા પ્રયત્ન કરે છે તથા આંતરરાષ્ટ્રીય વ્યવહારોના માર્ગોને પણ રોકવા પ્રયત્ન કરે છે તથા ગેરકાનુની રીતે પ્રતિબંધ લાદે છે.
આમ રશિયાએ પણ જે રીતે અમેરિકા પર પ્રહારો કર્યા તેથી ભારત ચોંકી ઉઠયુ છે એટલું જ નહી તેઓએ તેમાં બ્રિકસને પણ સાંકળવાની કોશીશ કરી હતી અને આ પ્રકારના પડકારોને સામનો કરવા બ્રિકસ દેશોએ સંયુક્ત રીતે આવવું જોઈએ તેવી માંગણી કરી હતી.
આમ દિલ્હીનું સંમેલન અમેરિકા અને પશ્ચિમ દેશો વિરોધી બની જાય છે તેવો સંકેત મળતા જ ભારતની ચિંતા વધી ગઈ છે. ભારત અમેરિકા સાથે પણ મજબૂત સંબંધો ઈચ્છે છે. પરંતુ તેની જ ભૂમિ પરથી થયેલા પશ્ચિમી દેશો વિરુદ્ધના પ્રહારોને કારણે આગામી દિવસમાં અમેરિકા સાથેની સમજુતીઓમાં પણ તેનો પડઘો પડશે.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતીન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન હાથમાં હાથ નાંખીને ચાલતા હતા તે દ્રશ્ય જબરુ વાયરલ થયુ છે અને હવે ચીનના રાષ્ટ્રપતિના આગમનથી તેમની જે અમેરિકા સામેની ટેકનોલોજી અને ડોલરનો પ્રભાવ ઓછો કરવાની લડાઈ છે તેમાં જ તેમના વિધાનો પર ભારતની નજર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy