નવી દિલ્હી
બ્રિક્સમાં સામેલ થવા માટે પાકિસ્તાને વર્ષ 2023માં ઔપચારિક અરજી કરી હતી, પરંતુ લગભગ ત્રણ વર્ષ બાદ પણ તેને સંગઠનમાં પ્રવેશ મળ્યો નથી. ભારતના વિરોધને પાકિસ્તાનની સભ્યતા સામેનો સૌથી મોટો અવરોધ માનવામાં આવી રહ્યો છે. બ્રિક્સમાં નવા સભ્યના પ્રવેશ માટે તમામ સભ્ય દેશોની સંમતિ જરૂરી હોવાથી ભારતની મંજૂરી વિના પાકિસ્તાનની દાવેદારી આગળ વધી શકતી નથી.
પાકિસ્તાને બ્રિક્સને વૈશ્વિક દક્ષિણના મહત્વપૂર્ણ મંચ તરીકે ગણાવીને તેમાં સામેલ થવાથી આંતરરાષ્ટ્રીય સહયોગ અને બહુપક્ષીય વ્યવસ્થામાં પોતાનું યોગદાન વધારી શકાશે એવો દાવો કર્યો છે. પાકિસ્તાનને ચીન અને રશિયાના સમર્થનની પણ અપેક્ષા છે અને તેણે અન્ય સભ્ય દેશોનો ટેકો મેળવવાના પ્રયાસો કર્યા છે.
આર્થિક મુશ્કેલીઓ વચ્ચે બ્રિક્સમાં પ્રવેશની આશા
પાકિસ્તાનની બ્રિક્સમાં જોડાવાની ઇચ્છા પાછળ આર્થિક કારણો પણ મહત્વપૂર્ણ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિનો દર 3.7 ટકા રહ્યો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાને બ્રિક્સ સાથે સંકળાયેલી ન્યૂ ડેવલપમેન્ટ બેન્કમાં 58 કરોડ ડોલરનો હિસ્સો ખરીદ્યો છે, જેથી વિશ્વ બેન્ક અને આઈએમએફ પરની નિર્ભરતા ઘટાડીને વૈકલ્પિક નાણાકીય સ્ત્રોતો મેળવી શકાય.
બ્રિક્સના વિસ્તરણ બાદ હવે સંગઠનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઇજિપ્ત, ઇથિઓપિયા, ઈરાન અને યુએઈનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની અરજી હજુ વિચારાધીન છે અને સર્વસંમતિની જરૂરિયાતને કારણે ભારતનું વલણ તેના પ્રવેશ માટે નિર્ણાયક બની રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy