> ભારત મંડપમમાં મોદી - પુટીન - જીનપીંગ સહિત વિશ્વના 26 દેશોના રાષ્ટ્રવડાઓ દ્વારા મંથન શરૂ
નવી દિલ્હીઃ દેશના સૌથી ખ્યાતનામ સભાગૃહ ભારત મંડપમમાં શરૂ થયેલી બ્રિકસ દેશોની શિખર પરિષદમાં હવે આજે સભ્ય દેશો વચ્ચે 50 ઐતિહાસિક સમજુતીઓ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન આજે જ ભારત પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ સહિતના મહાનુભાવો ભારત મંડપમ પહોંચી ગયા છે.
આ ઐતિહાસિક શિખર પરિષદમાં હવે સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરવા સંમતી બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છેલ્લા 24થી વધુ કલાકમાં એક બાદ એક રાષ્ટ્રવડાઓ સાથે દ્વીપક્ષી બેઠકો યોજી રહ્યા છે. તે વચ્ચે હવે બ્રિકસના સંયુક્ત ઘોષણાપત્ર માટે સંમત થયા છે.
ઈરાન-અમેરિકા તથા યુક્રેન રશિયા વચ્ચેના ચાલી રહેલા યુદ્ધમાં હવે કોઈ દેશનું નામ લીધા વગર યુદ્ધ વિરોધી પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. આજે બપોરે 4 વાગ્યે આ સંયુક્ત ઘોષણાપત્ર જારી થઈ શકે છે.
આ સહમતને ભારતની મોટી જીત માનવામાં આવે છે. સર્વપ્રથમ આ સંયુક્ત ઘોષણાપત્ર સામે ઈરાન-યુએઈને વાંધા હતો તેમાં સમજાવવામાં ભારતને સફળતા મળી છે. ઘોષણાપત્રમાં એક તરફી યુદ્ધ છેડવાની ટીકા કરવાનો પ્રસ્તાવ છે.
આ અગાઉ વિશ્વના ત્રણ ટોચના રાષ્ટ્રો ભારત-ચીન-રશિયા તથા અન્ય 20 જેટલા દેશોના સામુહિક સંગઠન `બ્રીકસ'ની શિખર બેઠકમાં વૈશ્વિક નેતાઓ આતંકવાદ સામે સામુહિક સંકલ્પ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતને કાયમી સભ્યપદ સહિતના 50 જેટલા મુદાઓ પર ઐતિહાસિક સમજુતી કરે તેવા સંકેત છે.
આજે બપોર બાદ પાટનગરના ભારત મંડપમમાં બ્રિકસની પ્રથમ ઔપચારીક બેઠક થશે અને કાલે ઓપન સેશન યોજાશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન ગઈકાલે જ ભારત આવી ગયા છે તે જ રીતે ઈરાન સહિતના દેશોના રાષ્ટ્રવડાઓ પણ દિલ્હી પહોંચી ગયા છે.
હાલ દ્વીપક્ષી મંત્રણાનો દૌર ચાલે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ બપોરે દિલ્હી પહોંચી ગયા હતા. તે વચ્ચે ભારતની અધ્યક્ષતાવાળા આ મંચ જે વિશ્વની 40% વસ્તી અને બહુમતી જીડીપીનું સર્જન કરે છે તેના એજન્ડામાં આતંકવાદ સામે આકરી ટીકાનો તથા રાષ્ટ્રસંઘ સલામતી સમીતીમાં ભારતને કાયમી સભ્યપદનો પ્રસ્તાવ પસાર થાય તેવા સંકેત છે તથા બ્રિકસ દેશો વ્યાપાર, ટેકનોલોજી માનવ સંસાધન તથા પ્રાદેશિક સ્થિરતા પર ભાર મુકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ કાલે ઓપન સેસનમાં સમાધાન કરે તેવા સંકેત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત ગ્લોબલ સાઉથનો એક મજબૂત અવાજ બનીને ઉભા રહે તેવો પ્રયાસ છે. આજે ચીનના રાષ્ટ્રપતિના આગમન સાથે દ્વીપક્ષી બેઠક પણ યોજાશે. ચીન-રશિયાના રાષ્ટ્રવડાઓ પણ બેઠકને સમાંતર અલગથી મળી શકે છે.
તો સાંજે તમામ મહેમાન દેશોના રાષ્ટ્રવડાઓના સન્માનમાં એક રાત્રી ભોજનનું પણ આયોજન કર્યુ છે. કાલે સવારથી ઓપન સેશન શરૂ થશે અને કાલે સાંજે બ્રિકસ સંમેલનની પુર્ણાહુતી થશે.
કયા કયા ક્ષેત્રમાં સહયોગ!
* આતંકવાદ સામે લડાઈ
* ટેકનોલોજી-જ્ઞાન ક્ષેત્રમાં જોડાણ
* સભ્ય દેશોના નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ
* વ્યાપાર વિધ્નો દુર કરવા
* એઆઈના જોખમો સામે સંયુક્ત કદમ
* વૈશ્વિક સંસ્થાઓને ફરી મજબૂત કરવી
* પ્રાદેશિક સ્થિરતા પર ભાર
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy