આદિદેવ મહાદેવને આપણે શિવ કહીએ, શંકર કહીએ, મહાકાળ કહીએ કે પ્રલયંકર! શાસ્ત્રોનું માનીએ તો ભગવાન આશુતોષના 1008 (એક હજાર આઠ) નામ છે, પરંતુ સાધારણ લોકમાનસ માટે તો તેઓ 'ભોલેનાથ' છે. શ્રાવણ મહિનામાં મહાદેવના વિવિધ રૂપોની ચર્ચા થાય છે. તેઓ પોતાનાં વિવિધ રૂપો દ્વારા જનમાનસને પ્રેરણા આપે છે. આ લેખમાં આપણે મહાદેવના એ જ વિવિધ રૂપો વિશે ચર્ચા કરી રહ્યા છીએ...
ભોલેનાથ અને આશુતોષ રૂપ
શિવને હંમેશાં એક શક્તિશાળી ભગવાન તરીકે જોવામાં આવ્યાં છે. સાથે જ એક એવા રૂપમાં પણ જોવામાં આવ્યાં છે, જે દુનિયાનાં ઊંચ-નીચ કે છળ-કપટથી સાવ અજાણ છે; એટલા માટે શિવનું એક રૂપ 'ભોલેનાથ' કહેવાય છે.
ભોલેનાથનો અર્થ છે - સાવ સીધા અને ભોળા! એટલા સરળ કે કોઈ જે પણ માગે, તરત જ આપી દે. દેવ હોય, દાનવ હોય કે સામાન્ય મનુષ્ય, તેમની નજરમાં કોઈ ભેદભાવ નથી. તેઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે, તેથી તેમને 'આશુતોષ' કહેવાય છે. આવા ભોળા શિવનાં અનેક રૂપો છે.
નટરાજ રૂપમાં નૃત્યના દેવતા
નટરાજ - નૃત્યના દેવતા તરીકે શિવનું આ રૂપ અત્યંત મહત્વપૂર્ણ છે. નટરાજ રૂપ ઉલ્લાસ અને સર્જનનું નૃત્ય રજૂ કરે છે, જે અનંત નિશ્ચલતા (શાંતિ) માંથી આપોઆપ પ્રગટ થયું છે. ચિદંબરમ મંદિરમાં સ્થિત નટરાજની મૂર્તિ ખૂબ જ પ્રતીકાત્મક છે. જેને આપણે 'ચિદંબરમ' કહીએ છીએ, તે વાસ્તવમાં પૂર્ણ નિશ્ચલતા અને શૂન્યતાનું જ પ્રતીક છે.
અર્ધનારીશ્વર સ્વરૂપ
સામાન્ય રીતે શિવને પૂર્ણ પુરુષ કહેવામાં આવે છે, પરંતુ તેમના 'અર્ધનારીશ્વર' રૂપમાં તેમનો અડધો ભાગ એક પૂર્ણ વિકસિત નારી છે. આ રૂપ દર્શાવે છે કે જ્યારે તમારી અંદર રહેલું પૌરુષ (પુષ તત્વ) અને સ્ત્રીત્વ (નારી તત્વ) એક થઈ જાય છે, ત્યારે તમે સતત પરમાનંદની સ્થિતિમાં રહો છો. જો તમે આ બહારથી કરવાનો પ્રયાસ કરશો, તો તે ક્યારેય નહીં ટકે.
પુરુષત્વ અને સ્ત્રીત્વનો અર્થ માત્ર પુરુષ કે સ્ત્રી શરીર નથી, પરંતુ આ ગુણો છે. વાસ્તવમાં આ બે વ્યક્તિઓના મિલનની ઈચ્છા નથી, પરંતુ જીવનના બે પરિમાણોના મિલનની આંતરિક ઈચ્છા છે. જો તમે આ આંતરિક મિલન ભીતર પ્રાપ્ત કરી લો છો, તો બહાર પણ તે તમારી ઈચ્છા મુજબ 100 ટકા સંતુલિત રહેશે; નહીંતર બહાર તે એક ભયાનક મજબૂરી કે બંધન બનીને રહી જશે.
આ પ્રતીક એ દર્શાવે છે કે જો તમે પૂર્ણ વિકસિત થઈ જાવ છો અને તમારી સર્વોચ્ચ સંભાવનાને પામી લો છો, તો તમે અડધા પુરુષ અને અડધી સ્ત્રી (નપુંસક નહીં), પરંતુ એક પૂર્ણ વિકસિત પુરુષ અને પૂર્ણ વિકસિત સ્ત્રી બંને હશો. ત્યારે જ તમે એક પૂર્ણ મનુષ્ય બની શકશો.
અંતથી થાય છે એક નવો પ્રારંભ (કાલભૈરવ)
'કાલભૈરવ' શિવનું એ વિનાશક રૂપ છે, જ્યારે તેઓ સમયનો નાશ કરવાના ભાવમાં આવી ગયા હતા. ભૌતિક વાસ્તવિકતા સમયની સીમામાં જ રહે છે. જો તમારો સમય જ સમાપ્ત કરી દેવામાં આવે, તો બધું જ સમાપ્ત થઈ જાય છે.
શિવ 'ભૈરવી યાતના'નું નિર્માણ કરવા માટે યોગ્ય વેશ ધારણ કરીને 'કાલભૈરવ' બન્યા. 'યાતના' એટલે કે પરમ પીડા! જ્યારે મૃત્યુની ક્ષણ આવે છે, ત્યારે અનેક જન્મોની પીડા કે કષ્ટ ખૂબ તીવ્રતા સાથે સક્રિય થઈ જાય છે. જેટલું પણ કષ્ટ ભોગવવાનું હોય છે, તે ક્ષણભરમાં ભોગવાઈ જાય છે અને ત્યારબાદ અતીત (ભૂતકાળ)નું કશું જ બાકી રહેતું નથી.
પોતાના સંચિત કર્મોને નષ્ટ કરવું તકલીફદાયક છે, પરંતુ આવું મૃત્યુની ક્ષણે થાય છે, જેથી તમારી પાસે અન્ય કોઈ ઉપાય રહેતો નથી. આ યાતનાને જેટલી ટૂંકી કરવાનો પ્રયત્ન કરાય, તેટલી તે ઝડપથી પૂરી થાય છે. એવું ત્યારે જ બને જ્યારે આ પ્રક્રિયા ખૂબ તીવ્ર હોય. જો તે હળવી હોય તો લાંબા સમય સુધી ચાલ્યાં કરે છે.
આદિ ગુરૂ જ આદિયોગી
યોગ પરંપરામાં શિવને માત્ર ઈશ્વર તરીકે નથી પૂજવામાં આવતાં. તેઓ 'આદિયોગી' એટલે કે પ્રથમ યોગી અને 'આદિ ગુરુ' એટલે કે પ્રથમ ગુરુ છે, જેમની પાસેથી યોગ વિજ્ઞાનની શરૂઆત થઈ. દક્ષિણાયનની પહેલી પૂર્ણિમા એટલે 'ગુ પૂર્ણિમા'. આ જ સમયે આદિયોગીએ પોતાના પ્રથમ સાત શિષ્યો - સપ્તર્ષિઓમાં આ યોગ વિજ્ઞાનનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું.
આ વાત દુનિયાનાં તમામ ધર્મોની સ્થાપના પહેલાની છે. માનવતાને નુકસાન પહોંચાડતા વિચારો આવે તે પહેલાં જ માનવ ચેતનાના ઉત્થાન માટેના સૌથી મહત્વપૂર્ણ સાધનોનું જ્ઞાન પ્રસારિત થઈ ચૂક્યું હતું. એવો પ્રશ્ન પૂછવો જ નકામો છે કે તે જમાનાના લોકો આટલા કાર્યકુશળ હતા કે નહીં, કારણ કે આ વિજ્ઞાન કોઈ ચોક્કસ સભ્યતા કે વિચારધારામાંથી નથી આવ્યું; પણ તે આંતરિક જાગૃતિમાંથી પ્રગટ થયું છે. આજે પણ આપણે તેમાંનો એક પણ ફેરફાર કરી શકતા નથી, કારણ કે જે કંઈ પણ કહેવા જેવું હતું તે તેમણે અત્યંત સુંદરતા અને બુદ્ધિમત્તા સાથે કહી દીધું છે.
જ્ઞાનનું ત્ર્યંબક રૂપ
શિવને હંમેશાં 'ત્ર્યંબક' તરીકે સંબોધિત કરવામાં આવ્યા છે, કારણ કે તેમની પાસે ત્રીજું નેત્ર (ત્રીજી આંખ) છે. ત્રીજી આંખનો અર્થ માથા પર કોઈ તિરાડ હોવી એવો નથી! તેનો સાચો અર્થ એ છે કે તેમનું જ્ઞાન પોતાની સર્વોચ્ચ સંભાવના સુધી પહોંચી ગયું છે. આપણી ભૌતિક આંખો તો માત્ર એક ઇન્દ્રિય છે. તમે જે આંખોથી જુઓ છો તે સંપૂર્ણ સત્ય નથી. તમે કોઈ વ્યક્તિને જુઓ છો અને તેના વિશે કંઈક વિચારો છો, પરંતુ તેની અંદર રહેલા શિવ (તત્વ)ને જોઈ શકતા નથી. એટલા માટે એક ઊંડી દ્રષ્ટિ આપતી ત્રીજી આંખ ખુલવી જરૂરી છે.
તમારો કોઈ પણ વિચાર કે તર્ક તમારા મગજમાં સંપૂર્ણ સ્પષ્ટતા લાવી શકતો નથી. તર્ક પર આધારિત સ્પષ્ટતાને કોઈ પણ વ્યક્તિ દલીલોથી કાપી શકે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓ તેને ડગમગાવી શકે છે. જ્યારે તમારી પાસે અંતર્દ્રષ્ટિ (ઈનસાઈટ) હશે, ત્યારે જ પૂર્ણ સ્પષ્ટતા આવી શકશે. આપણે જેને 'શિવ' કહીએ છીએ, તે આ પરમ અનુભૂતિનું જ સાક્ષાત સાકાર રૂપ છે.
`શિવને હંમેશાં ત્ર્યંબક તરીકે સંબોધવામાં આવ્યા છે, કારણ કે તેમની પાસે ત્રીજું નેત્ર છે. ત્રીજા નેત્રનો અર્થ એ છે કે તેમનું જ્ઞાન પોતાની ચરમ સંભાવના સુધી પહોંચી ગયું છે. ત્રીજું નેત્ર એ જ્ઞાનનું નેત્ર છે.'
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy