રાજકોટ,તા.15
હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે.
જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે, જયારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે.
અષાઢ મહિનામાં ગૌરીવ્રત, અલુણા જેવા તહેવારો આવે છે. ભારતના કચ્છ જીલ્લાના કચ્છી લોકોના નુતન વર્ષનો આરંભ અષાઢી બીજથી થાય છે. ખેંગારજી પહેલાએ ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાની સ્થાપના સંવત 1605માં માગસર સુદ-5ના કરી હતી. લાખો ફૂલાણી જે વિચારવંત રાજવી હતા. અસંખ્ય નવાનવા વિચારો તેમના મનમાં જાગતા હતા.
જ્યાં સુધી મનને શાંતિ ન થાય ત્યાં સુધી વિચારો કર્યા કરતા એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં આવ્યો અને પૃથ્વીના છેડા માટે પોતાના જાત પ્રયત્નો થવા જોઈએ એવું વિચારી થોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળ્યા હતા. લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજન’ ના નામથી ઓળખે છે.
અંતે તેમને વિજય પ્રાપ્ત ન થયો અને પાછા ફર્યા તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને ધોધમાર વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેમનો આત્મા બહુ પ્રસન્ન થયો અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આથી છેલ્લા આઠસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે.
સનાતન પર્વ અનુસાર ભગવાનની રથયાત્રાનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે. કથાનુસાર જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ વિશ્વકર્માને સોંપ્યું ત્યારે તેમણે શરત મુકી કે દરવાજો ખુલશે નહીં ત્યાં સુધી તેઓ બહાર નહીં આવે. એક દિવસ અવાજ બંધ થતાં રાજાએ દરવાજો ખોલી દીધો અને વિશ્વકર્મા ભગવાન ગાયબ થઈ ગયા.
પરિણામે, દેવતાઓની મૂર્તિઓ અધૂરી રહી ગઈ અને આજ સુધી તે જ સ્વરૂપે પૂજાય છે. એ સમયે આકાશવાણી પણ થઈ કે, ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડમાં જણાવ્યા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી.
ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાનાં ભક્તો પાસે જાય છે. આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો વાદ્યયંત્રોની સાથે વિશાળ રથોને દોરીથી ખેંચે છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રથયાત્રાનો આરંભ રથની સામે સોનાના ઝાડુ હલાવીને અને સાથે જ વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે કરાય છે.
માન્યતા છે કે રથયાત્રાને એકબીજાના સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. રથયાત્રામાં ત્રણ રથ હોય છે. બલરામજીના રથને ’તાલધ્વજ’ કહેવામાં આવે છે, જેનો રંગ લાલ અને લીલો હોય છે. બહેન દેવી સુભદ્રાના રથને ’દર્પદલન’ અથવા ’પદ્મ રથ’ કહેવામાં આવે છે, જે કાળો અથવા વાદળી અને લાલ રંગનો છે, જ્યારે ભગવાન જગન્નાથના રથને ’નંદીઘોષ’ અથવા ’ગરુધ્વજ’ કહેવામાં આવે છે.
તેનો રંગ લાલ અને પીળો છે. રથયાત્રામાં બલરામજીનો રથ આગળ, પછી દેવી સુભદ્રાનો રથ મધ્યમાં અને ભગવાન જગન્નાથ શ્રીકૃષ્ણનો રથ પાછળ હોય છે. નંદીઘોષ રથ 45.6 ફૂટ ઊંચો, તાલધ્વજ રથ 45 ફૂટ ઊંચો અને દર્પદલન રથ 44.6 ફૂટ ઊંચો હોય છે. લોકો તેને શ્રદ્ધા સાથે યાત્રા દરમિયાન આગળ વધારે છે. જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કરતબો આકર્ષણનું કેન્દ્ર બને છે. આજના દિવસે ભક્તોને જાંબુ અને મગનો ખાસ પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy