રાજકોટ,તા.10
એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક પૂર્ણિમા પછી અને બીજી અમાવાસ્યા પછી. મહાભારત કાળમાં ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકીનાથ! મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જલા એકાદશીની કથા સાંભળી છે, હવે કૃપા કરીને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો અને તેનું મહત્વ કહો. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજા, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહે છે.
આ એકાદશીથી વ્યક્તિના તમામ પાપોનો અંત આવે છે. આ એકાદશી વ્યક્તિને જીવનમાં તમામ સુખ આપે છે તેમજ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ આપે છે. પ્રાચીન સમયમાં કુબેરની અલકાપુરીમાં હેમમાલી નામનો એક યક્ષ રહેતો હતો. તેનું કાર્ય દરરોજ ભગવાન શિવની પૂજા માટે માનસરોવરમાંથી પુષ્પો લાવવાનું હતું પરંતુ હેમમાલી પોતાની સુંદર પત્ની વિશાલાક્ષીના પ્રેમમાં એટલો મગ્ન રહેતો કે એક દિવસ તે સમયસર ફૂલો લાવવાનું ભૂલી ગયો.
પરિણામે ભગવાન શિવની પૂજા વિલંબથી થઈ. આ જાણીને કુબેર અત્યંત ક્રોધિત થયા અને હેમમાલીને શાપ આપ્યો કે તે પૃથ્વી પર કોઢરોગથી પીડિત થઈ દુ:ખી જીવન જીવે. શાપગ્રસ્ત હેમમાલી જંગલોમાં ભટકતો ભટકતો અંતે માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો.
તેણે પોતાના દુ:ખનું કારણ જણાવ્યું. દયાળુ ઋષિએ તેને અષાઢ કૃષ્ણ એકાદશીનું યોગિની એકાદશી વ્રત કરવાની સલાહ આપી. હેમમાલીએ સંપૂર્ણ શ્રદ્ધાથી યોગિની એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પુણ્યપ્રભાવથી તેનો કોઢ રોગ દૂર થયો, શાપમાંથી મુક્તિ મળી અને તે ફરી પોતાના દિવ્ય સ્વરૂપમાં આવી પત્ની સાથે કુબેરની સેવામાં જોડાયો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy