રક્ષાબંધન : કાલે આખો દિવસ ભદ્રાના દુષણ વગરનો હોવાથી રાખડી બાંધવામાં કોઇ બાધા નથી

Dharmik | 27 August, 2026 | 03:27 PM
સાંજ સમાચાર

રક્ષાબંધન શબ્દ બે ભાગોથી બનેલો છે - રક્ષા અને બંધન, જેનો અર્થ છે સુરક્ષાનું બંધન આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, તિલક લગાવે છે, મોઢું મીઠું કરાવે છે અને તેમને લાંબા આયુષ્ય અને સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે. ભાઈ તેમને ભેટ આપે છે.

વચન આપે છે કે તેઓ ગમે તે પરિસ્થિતિમાં હોય, જીવનભર તેમનું રક્ષણ કરશે. રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે. દેવી-દેવતાઓના યજ્ઞોમાં પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવતું હતું. ગુરૂ પણ પોતાનાં શિષ્યોને રક્ષાસૂત્ર બાંધે છે.

આ તહેવાર દર વર્ષે ભાઈ-બહેનના સંબંધોને ફરીથી જોડવાનો અને સંકલ્પ લેવાનો અવસર છે. ઉપરાંત, આ તહેવાર કૌટુંબિક એકતા, ભાઈ-બહેનનાં સ્નેહ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપે છે. આ પર્વ માત્ર રેશમના દોરા સુધી સિમિત નથી પરંતુ તે વચન, પ્રેમ અને વિશ્વાસનો તહેવાર છે. 

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા કાળમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે, પરંતુ આ વર્ષે બહેનો માટે રાહતના સમાચાર એ છે કે 28 ઓગસ્ટે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં. ભદ્રા 27 ઓગસ્ટના રોજ સવારે 9ઃ09 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 9ઃ25 વાગ્યે પૂર્ણ થઈ જશે. આમ, 28 ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રાના દૂષણ વગરનો હોવાથી રાખડી બાંધવામાં ભદ્રાની કોઈ બાધા નડશે નહીં.

ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું ખૂબ જ શુભ મનાય છે. રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તે રીતે બેસાડવા શુભ માનવામાં આવે છે. સૌથી પહેલાં બહેને ભાઈના કપાળ પર કંકુ અને ચોખાનો ચાંદલો કરવો. ત્યારબાદ તેની આરતી ઉતારી, જમણા હાથના કાંડા પર રાખડી બાંધવી અને તેનું મોં મીઠું કરાવવું.

આ સમયે ભાઈના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરવી જોઈએ. ભાઈએ પણ પોતાની બહેનની રક્ષા અને સન્માન કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

રાખડી બાંધતી વખતે બોલવાનો મંત્ર
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્ર મહાબલાહ,તેન ત્વામપિ બધ્નામિ રક્ષે મા ચલ મા ચલ.
અર્થઃ જે રક્ષા દોરાથી દાનવોના શક્તિશાળી રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, તે જ રક્ષા દોરાથી હું તને બાંધું છું. હે રક્ષા દોરા! તું તારા સંકલ્પથી વિચલિત ન થતો અને હંમેશા મારા ભાઈનું રક્ષણ કરજે.

રક્ષાબંધનનો પુરાણોમાં ઉલ્લેખ
વામન અવતાર : જ્યારે ભગવાન વિષ્ણુ રાજા બલીને વચન આપીને પાતાળમાં ચાલ્યા ગયા, ત્યારે લક્ષ્મીજીએ બલીને રાખડી બાંધી અને રક્ષણનું વચન લઈને વિષ્ણુને પરત લાવ્યા.
દ્રૌપદી-કૃષ્ણ : દ્રૌપદીએ કૃષ્ણને રાખડી બાંધી અને કૃષ્ણએ ભરી સભામાં ચીરહરણ સમયે તેમનું સન્માન બચાવ્યું.
દેવોના રાજા ઇન્દ્ર : ઇન્દ્રાણીએ દેવોના રાજા ઇન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું, જેના પ્રતાપે તેમણે અસુરોને હરાવ્યા હતા.
ઇતિહાસમાં ઉદાહરણ : ચિત્તોડની રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલીને મદદ માંગી હતી અને તેણે રક્ષાનો ધર્મ નિભાવ્યો હતો.
પર્વ વિશેષ
સ્વામી સદાનંદજી
ગાદીપતિ
શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠ
રાજકોટ

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj