પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, જેમાં દરેક દિવસ શિવ આરાધના માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શિવ પર માત્ર એક લોટો જળ અર્પિત કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.
પોતાનાં ભક્તો પર શીઘ્ર પ્રસન્ન થવાનાં કારણે તેમને 'ભોલેનાથ' પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર જળ અર્પિત કરવાનાં પાંચ ચોક્કસ નિયમો અને રીતો દર્શાવવામાં આવી છે, જેનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.
1. સીધું (પ્રત્યક્ષ) જળ અર્પણ કરવું
શિવજીનો અભિષેક કરવાની સૌથી પહેલી રીત એ છે કે લોટામાં જળ લાવીને સીધું શિવલિંગ પર અર્પિત કરી દેવું. આ રીતે જળાભિષેક કરવાથી શિવજીની કૃપા મળે છે, કષ્ટ દૂર થાય છે અને ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.
2. દક્ષિણ દિશામાં બેસીને ઉત્તર તરફ જળ અર્પિત કરવું
બીજો નિયમ એ છે કે જળાધારીમાંથી પાણી જે ઉત્તર દિશા તરફ વહીને જાય છે, તેની બિલકુલ સામે એટલે કે દક્ષિણ દિશામાં ઊભા રહીને કે બેસીને, ઉત્તર દિશા તરફ મુખ રાખીને જળ ચઢાવવું. આ પદ્ધતિથી અભિષેક કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે અને શારીરિક પીડાઓ પર વિજય પ્રાપ્ત થાય છે.
3. માતા અશોક સુંદરીના સ્થાનથી શિવલિંગ સુધી જળ ચઢાવવું
જળની ધારાને જળાધારી પર સ્થિત માતા અશોક સુંદરીના સ્થાનથી શરૂ કરીને ધીમે-ધીમે શિવલિંગ સુધી લઈ જઈને અર્પિત કરવી એ ત્રીજો નિયમ છે. શિવલિંગમાં માતા અશોક સુંદરીનું સ્થાન જળાધારીની બિલકુલ વચ્ચે હોય છે, જ્યાંથી અભિષેકનું જળ બહાર વહીને નીકળે છે. આમ કરવાથી અટકેલા કાર્યો સિદ્ધ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
4. પાંચ નિશ્ચિત સ્થાનો પર ક્રમબદ્ધ જળ અર્પિત કરવું
ચોથો નિયમ એ છે કે એક જ લોટામાંથી ક્રમ અનુસાર 5 સ્થાનો પર જળ અર્પણ કરવું. સૌથી પહેલા ગણેશજી, પછી કાર્તિકેયજી, ત્યારબાદ માતા અશોક સુંદરી, પછી મુખ્ય જળાધારી અને અંતે શિવલિંગ પર જળ અર્પિત કરવું જોઈએ.
5. ઉપર લટકતી જળાધારી દ્વારા જળ ચઢાવવું
પાંચમી રીત એ છે કે શિવલિંગની ઉપર લટકાવેલી જળાધારી, જેમાંથી ટીંપે-ટીંપે પાણી ટપકે છે, તેમાં સૌથી પહેલાં જળ ઉમેરવું. ત્યારબાદ વધેલું જળ માતા અશોક સુંદરી પર અને અંતે શિવલિંગ પર અર્પિત કરવું. શાસ્ત્રોમાં કોઈ વિશેષ કાર્યની સફળતા કે મનોકામના પૂર્તિ માટે આ રીત ઉત્તમ બતાવવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy