શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ અને બિલિપત્ર અર્પણ કરવું એ સનાતન પરંપરાનો એક ભાગ છે. ત્રણ પાંદડાં ધરાવતું બિલિપત્ર ઊંડો આધ્યાત્મિક અર્થ ધરાવે છે. તેનાં ત્રણ પાંદડાં સત્વ, રજ અને તમ-એ ત્રણ ગુણોની સાથે સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. શિવજીને બિલિપત્ર અર્પણ કરવું એ માત્ર પૂજાની પરંપરા નથી, પરંતુ જીવનમાં સંતુલન અને શુદ્ધતા લાવવાનો સંકલ્પ પણ છે.
ત્રણ પાંદડાં, જીવનનાં ત્રણ ગુણ
બિલિપત્રના ત્રણ દળ (પાંદડાં) મનુષ્યનાં સ્વભાવ અને જીવનને પ્રભાવિત કરતાં ત્રણ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. સત્વ-જ્ઞાન, શાંતિ અને પવિત્રતા; રજ-કર્મ અને સક્રિયતા; જ્યારે તમ-જડતા અને અજ્ઞાનનું પ્રતીક છે. બિલિપત્ર અર્પણ કરવાનો ભાવ વ્યક્તિને પોતાની અંદરનાં અસંતુલનને ઓળખીને ચેતનાને શાંત, શુદ્ધ અને સંયમિત બનાવવાની પ્રેરણા આપે છે.
ત્રિદેવનું પણ પ્રતીક
બિલિપત્રના ત્રણ દળને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે પણ જોડવામાં આવે છે. બ્રહ્મા સર્જન, વિષ્ણુ સંરક્ષણ અને શિવ પરિવર્તનના પ્રતીક છે. જીવનમાં જન્મ, પાલન અને પરિવર્તનની નિરંતર પ્રક્રિયાનો સ્વીકાર કરવો એ પણ આનો આધ્યાત્મિક સંદેશ માનવામાં આવે છે.
બિલિપત્રને ભગવાન શિવનાં ત્રિનેત્ર સાથે પણ જોડવામાં આવે છે અને તેને ત્રણ જન્મોના પાપોના નાશનું પ્રતીક માનવામાં આવ્યું છે. આનો અર્થ અહંકાર, અજ્ઞાન, ક્રોધ, લોભ અને નકારાત્મક પ્રવૃત્તિઓમાંથી મુક્ત થવાની પ્રેરણા આપવાનો છે.
બિલિપત્ર અર્પણ કરતી વખતે ભક્ત પોતાનાં દોષોનો ત્યાગ કરવાનો અને વધુ સારા જીવન તરફ આગળ વધવાનો સંકલ્પ લઈ શકે છે. શ્રાવણ એ પ્રકૃતિનાં નવજીવનનો સમય છે. વરસાદ પછી ધરતી હરિયાળીથી ખીલી ઊઠે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy