યુવતીની જાણ બહાર રાજકોટના પ્રેમીએ ખોટું નીકાહનામુ તૈયાર કરાવી લગ્ન નોંધણી કરાવી નાખી

Crime | Rajkot | 12 September, 2026 | 03:53 PM
મિત્રની મંગેતરને ઇન્સ્ટાગ્રામમાં ફસાવી : તું સાજીદ સાથે સગાઇ ન કર તે સારો માણસ નથી કહી મિત્રતા કેળવી, ઉંમરના પુરાવા માંગી ડોકયુમેન્ટ મેળવી બર્થ ડે પર નીકાહનામાની ગિફટ આપી : પોલીસે ભગવતીપરામાં રહેતાં પરવેઝ સામે ગુનો દાખલ કર્યો
સાંજ સમાચાર

રાજકોટ. તા.12
ખંભાળિયામાં રહેતી યુવતીના ડોકયુમેન્ટ રાજકોટ રહેતાં પ્રેમીએ મેળવી લઇ તેની જાણ બહાર ખોટી સહી કરી નીકાહનામુ બનાવી લગ્ન નોંધણી પણ કરાવી નાખી હતી.જે અંગે યુવતીએ ભગવતીપરામાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે ખંભાળિયામાં રહેતી નમીરાબેન અજીતભાઈ સંઘાર (19) નામની યુવતીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના ભગવતીપરામાં રહેતા પરવેઝ ઈબ્રાહીમ બુકેરા(ઉ.વ.25) નું નામ આપી જણાવ્યું હતું કે, તેની સગાઈ રાજકોટના સાજીદ જુણેજા સાથે થઈ હતી. સગાઈ દરમિયાન યુવતીના ઈન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા શખ્સે મેસેજ કરતા યુવતીએ તેની સાથે વાત કરી હતી. 

મેસેજ કરનારે પોતાનું નામ પરવેઝ બુકેરા (રહે. ભગવતીપરા, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે, હું સાજીદનો મિત્ર છું અને સાજીદે તમારી ઈન્સ્ટાગ્રામ આઈડી આપી છે. વાતચીત બાદ પરવેઝે કહ્યું હતું કે, સાજીદ સારો છોકરો નથી, તેની સાથે લગ્ન ન કરજો. યુવતીએ આ બાબતે પુરાવા માંગતા પરવેઝે પાંચથી છ દિવસ બાદ તેના અને સાજીદ વચ્ચે થયેલી ઈન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ વાતચીતના સ્ક્રીનશોટ મોકલ્યા હતા, જેમાં સાજીદે યુવતી વિશે ખરાબ લખ્યું હતું.

જેથી યુવતીએ પોતાના મંગેતર સાજીદને આ બાબતે પૂછતા તેણે આવા કોઈ મેસેજ કર્યા નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ યુવતી પરવેઝ સાથે વાતચીત કરવા લાગી હતી અને બંને વચ્ચે મિત્રતા બાદમાં પ્રેમસંબંધ થયો હતો.

જાન્યુઆરી 2026માં પરવેઝે યુવતી પાસે તેની ઉંમરના પુરાવા માંગતા યુવતીએ આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, જન્મ પ્રમાણપત્રનો દાખલો, માતા-પિતાના આધાર કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડ તથા રેશનકાર્ડ વોટ્સએપ મારફતે મોકલ્યા હતા. બાદમાં યુવતી ખંભાળિયાથી મોટી પાનેલી ગામે બહેનની ડિલેવરી હોવાથી ત્યાં ગઈ હતી. અહીં રોકાયા બાદ પરત ફરતી વેળાએ તેણે પરવેઝને લોકેશન મોકલતા તે ત્યાં આવ્યો હતો.

બાદમાં બંને બસમાં સાથે જતા હતા. ત્યારે પરવેઝે સેલ્ફી ફોટો પાડ્યો હતો અને ત્યારબાદ યુવતીની જાણ બહાર તેના મોબાઈલનું વોટ્સએપ પોતાના ફોનમાં લિંક ડિવાઇસથી કનેક્ટ કરી લીધું હતું.

ગઈ તા. 12-2-2026ના રોજ યુવતીનો જન્મદિવસ હતો. તે દિવસે પરવેઝે તેને વોટ્સએપ મારફતે બંનેનું નિકાહનામું અને લગ્ન અંગેનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મોકલ્યું હતું. તે જોતા સર્ટિફિકેટ ગોંડલ ખાતે તૈયાર થયું હોવાનું અને નિકાહનામામાં યુવતીની ખોટી સહી હોવાનું જણાયું હતું. જેથી તેણે પરવેઝને આ બાબતે પૂછતા પરવેઝે કહ્યું હતું કે, આપણા લગ્ન અંગેના કાગળો મારા મિત્રએ બનાવી આપ્યા છે.

ત્યારબાદ પણ યુવતીએ ઘરે લગ્ન અંગેની વાત કરી ન હતી. પરિવારજનોએ તુરંત જ યુવતી જે જૂનાગઢ ખાતે નાનીના ઘરે રોકાવા ગઈ હતી ત્યાંથી પરત બોલાવી લીધી હતી અને ઠપકો આપ્યો હતો. તે સમયે યુવતીએ પોતાના મોબાઈલની ડિસ્પ્લે જાતે જ તોડી નાખી હતી. બાદમાં યુવતીના ધર્મના ભાઈ ખુશાલે તેની પાસેથી ફોન લઈ લીધો હતો. ત્યારબાદ ડેટા રિકવર કરતા પરવેઝ અને યુવતી વચ્ચે થયેલી વાતચીતના મેસેજના સ્ક્રીનશોટ તેમજ નિકાહનામું અને લગ્ન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટના ફોટા મળી આવ્યા હતા. આ અંગે તેણે પરિવારજનોને જાણ કરી હતી.

ત્યારબાદ યુવતીએ જણાવ્યું હતું કે, મેં પરવેઝને માત્ર મારી ઉંમરના પુરાવા માટે કાગળો આપ્યા હતા, પરંતુ તેણે યેનકેન રીતે મારી ખોટી સહી કરી અથવા કરાવી ગોંડલ ખાતે એડવોકેટ એચ.ડી.શેખ મારફતે તારીખ 19-1-2026ના રોજ લગ્ન અંગેનું ખોટું નિકાહનામું તૈયાર કરાવી ગોંડલ સેવા સદનમાં રજૂ કરી લગ્ન નોંધણી કરાવી નાખી હતી. આ મામલે યુવતીએ ભગવતીપરાના પરવેઝ ઈબ્રાહીમ બુકેરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

યુવતીનુ વોટસએપ લિંક કરી મંગેતરને મેસેજ કર્યા: ’તું મારો મોટો ભાઇ છો, હું તારી બહેન’
આરોપી પરવેઝે યુવતીનો મોબાઈલ લિંક ડિવાઇસથી કનેક્ટ કર્યો હોવાથી યુવતીના વોટ્સએપમાંથી જ તેના મંગેતર સાજીદને મેસેજ કરી કહ્યું હતું કે, તું મારો મોટો ભાઈ છે અને હું તારી નાની બહેન છું અને મારે તારી સાથે સગાઈ નથી રાખવી. આવા મેસેજ કરતા સાજીદે આ વાત ઘરમાં કરી હતી અને સગાઈ તોડી નાખી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj