◘ એરપોર્ટ પોલીસે રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ આદરી
રાજકોટ. તા.12
વાંકાનેરના વસુંધરા-જાલસિકા ગામના સરપંચના વાહનને ટક્કર મારી 12 થી વધુ શખ્સોની ટોળકીએ ધોકા-પાઇપ વડે બેફામ માર માર્યો હતો. ખનીજ ચોરી સહીતના મામલે વારંવાર અરજી કર્યાનો ખાર રાખી સરપંચ પર હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે એરપોર્ટ પોલીસ મથકે રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, સરપંચ પર હુમલા બાદ તેના પરિજનોએ વસુંધરા ગામે ધસી જઈ હુમલો કરી માલધારી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાનો ગુનો વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઈ ચુક્યો છે.
બનાવ અંગે મૂળ વાંકાનેરના જાલસિકા ગામના વતની અને હાલ મોરબી રોડ પર ખોડિયાર પાર્ક શેરી નં.-1 માં રહેતા 65 વર્ષીય વૃદ્ધ ધીરૂભાઈ કરશનભાઈ ડાંગરે આરોપી તરીકે પ્રવીણ જેહા સરૈયા, અનિલ રેવા સરૈયા, વિપુલ જેહા સરૈયા, શૈલેશ રેવા સરૈયા, વિક્રમ રેવા સરૈયા, જગદીશ સામત સરૈયા તેમજ છ થી સાત અજાણ્યા શખ્સોનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે.
તેઓ છેલ્લાં પાંચ વર્ષથી જાલસીકા-વસુંધરા ગામ જુથ પંચાયતના સરપંચ તરીકે સેવા આપે છે. ત્રણથી ચાર વર્ષ પહેલા વસુંધરા ગામમાં ગેરકાયદેસર ખનન તથા ભરડીયા ચાલતા હોય જે બાબતે અમે મામલતદાર, કલેકટર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને ખાણ ખનીજ વિભાગ - મોરબીમાં પંચાયતના લેટર પેડ પર લખાણ કરી રજૂઆત કરેલ હતી.
જે બાદ મામલતદારએ વસુંધરાની સીમતળ વિસ્તારમાં પથ્થરની ખાણો ઉપર દરોડો પાડ્યો હતો. વસુંધરા ગામમાં માલધારીની વસ્તી હોય જેમાં અલગ-અલગ ચારથી પાંચ સહકારી ડેરી ચાલુ હોય જેમાં રેવા સરૈયાના દીકરા હરેશની પત્ની ગનુબેને સહકારી મંડળી ચાલુ કરેલ હતી.
જેમાં ગ્રામ પંચાયતના ખોટા લેટર પેડ બનાવી મારી તથા મંત્રીના ખોટા સીક્કાઓ બનાવી સહીઓ કરી બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપાયોગ કરી સક્ષમ કચેરીમાં રજૂ કરેલ હતી. જેની જાણ થતાં આ બાબતે અમે અવાર-નવાર જીલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં કાયદેસર કાર્યવાહી કરવા લેખીત તેમજ મૌખીક રજૂઆતો કરેલ હતી. થોડા સમય પહેલા બોગસ પ્રમાણપત્રો બનાવી તેને ખરા તરીકે રજૂ કરી રેવાભાઈના દિકરા નવઘણભાઈએ એસ.ટી. ઉમેદવાર તરીકે નોકરી મેળવેલ હતી. જેની જાણ થતાં યુવરાજસિંહ જાડેજાએ આ પ્રકરણ જાહેર કરેલ હોય તેની તપાસ ચાલુ છે.
જેથી રેવાભાઈના દીકરા સુરેશ રેવાભાઈ તથા તેના સમાજના આગેવાનો અમને મળેલ હતા. તેઓ ગેરકાયદેસર ધંધા કરતાં હોય તેમાં અમને આડું નહીં આવવા તેમજ જો આડા આવશો તો અમારા કુટુંબમાં ઘણા છોકરાઓ છે, જો અમારા ખનીજચોરી કે ખોટા દુધ મંડળીઓ કે નોકરી કે અન્ય કોઈ ગેરકાયદેસર ધંધામાં તમે જો સરપંચ તરીકે અટકાવવાની કોષીશ કરશો તો તમને ગમે ત્યારે મારી નાખશું તેવી ધમકી આપેલ હતી.
રેવા ભરવાડએ બંસલ પેટ્રોલ પંપ પાસે વસુંધરા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરી કનૈયા હોટલ બનાવેલ હોય જ્યાં ઘણા સમયથી આવારા તત્વો તેમજ ખનીજ ચોરી કરતાં માણસો અધીકારીની વોચ રાખી ખનીજ ચોરી કરતાં હોય જેથી આ બાબતે અમે રાજકોટ કલેક્ટર, મામલતદારને રજૂઆતો કરતાં રાજકોટ મામલતદારે હોટેલનું દબાણ ખસેડવા હુકમ કરેલ હતો. જે બાબત સામત સરૈયા, રેવાભાઈ અને હોટલવાળા રેવાભાઈ જેહાભાઈ તથા લાલાભાઈ સામતભાઈને ગમી ન હતી. જેથી તેના કુટુંબના છોકરાઓ પાસે તેઓ અમારી રેકી કરાવતા હતા.
ગઈ તા.09 ના રોજ તેઓ રાજકોટથી વસુંધરા ગામે સ્કુલના કમ્પાઉન્ડનું કામ ચાલુ હોય જેની વિઝીટ કરવા ગયેલ હતો. બાદ વસુંધરાથી રાજકોટ આવવા માટે સાંજના એક્ટીવા લઈને નીકળ્યો હતો. જીવાપર ગામથી આગળ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાસે પહોંચતા એરપોર્ટ ત્રણ રસ્તા તરફથી એક ઇકો કાર ધસી આવી હતી અને એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી તેઓ નીચે પડી ગયેલ હતો.
ઇકો પાછળ બીજી ગાડી પણ આવી ગયેલ જે રોડ ઉપર ઊભી રાખી તે બંને ગાડીમાંથી આશરે દસથી બાર શખ્સો ધોકા-પાઇપ સાથે ઊતરેલ હતા. તમામ શખ્સોએ મારી ઉપર ધોકા - પાઇપ વડે હુમલો કરેલ હતો. આ આપણા કુટુંબીજનો વિરૂધ્ધ ફરિયાદ - અરજીઓ કરે છે અને ખોટા ધંધા કરવા દેતા નથી તેમ કહી તમામ શખ્સોએ મને ધોકા-પાઇપ વડે આડેધડ માર માર્યો હતો.
જેથી હું નીચે પડી ગયો હતો. આજે તો તું બચી ગયેલ છે પણ હવે મોકો મળે ત્યારે તને જાનથી મારી નાખવો છે કહી ધમકી આપી નાસી છૂટ્યા હતા. બાદમાં રાહદારીઓ એકત્રિત થઇ જતાં તેમણે મારા પરિજનોને જાણ કરી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેઓને બંને પગમાં પણ ફ્રેક્ચર થયાનું તબીબે જણાવ્યું હતું.
બનાવને પગલે સરપંચે ફરિયાદ આપતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરપંચ પર હુમલાની ઘટના બાદ ફરિયાદી પક્ષએ વસુંધરા ગામે ધસી જઈ હુમલો કરી 37 વર્ષીય યુવાન વિરમભાઈ સામતભાઈ સરૈયાને મોતને ઘાટ ઉતારી દીધાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે અગાઉ નોંધાઈ ચુક્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy