ભજનાનંદી મહાપુરૂષની વિદાયથી સમગ્ર ગુજરાતનું કલા જગત શોકમય બન્યું

હમ યાદો કે ફુલ ચઢાયે : સૌરાષ્ટ્રની પ્રાચીન સંતવાણીના આરાધક વિષ્ણુપ્રસાદ દવે (શ્રી પ્રસાદજી)

Saurashtra | Rajkot | 25 June, 2026 | 04:04 PM
◘ સૌરાષ્ટ્રની અસલ પ્રાચીન ભજન પરંપરાને જાળવનારા ભજનિકોમાં 'શ્રી પ્રસાદજી'નું નામ
સાંજ સમાચાર

◘ સંત હરિરામબાપાના આશિર્વાદને લીધે પ્રસાદજીની વાણીમાં ભજન સાથે સત્સંગની ધારા ઉતરી હતી

◘ એંશીના દાયકામાં તેમણે રેડિયો પરથી રજૂ કરેલું ભજન ‘મારું રે પિયરીયું માધવપુરમાં’ જેનાથી પ્રસાદજીને ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી

◘ 2007ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સાંઇરામ દવે તથા વિષ્ણુ પ્રસાદ દવેને સંયુક્ત ગૌરવ પુરસ્કારથી નવાજ્યા હતા

રાજકોટ, તા.25
શ્રી વિષ્ણુ પ્રસાદ કેશવલાલ દવે જેમણે છેલ્લા પચાસ વર્ષથી પ્રાચીન સંતવાણીની પરંપરાને એક ભજનીક તરીકે જાળવી રાખી. તા.23 જુનના સાંજે પાંચ કલાકે સંતવાણીના આ ભજન પુરુષે વિદાય લીધી. પ્રસાદજીના હુલામણા નામથી પોતાના ભજન સત્સંગનો બહોળો ચાહક વર્ગ ધરાવતા વિષ્ણુ પ્રસાદજીને હેમુભાઇ ગઢવીએ આકાશવાણી રાજકોટ પર ઇ.સ. 1976માં ભજનીક તરીકે પસંદ કરેલા હતા.

જીવનના ઉતરાર્ધમાં તેમણે આકાશવાણીના એ-ગ્રેડના ભજનિક તરીકે માન્યતા મેળવી હતી. 2007ની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાંઇરામ દવે અને વિષ્ણુ પ્રસાદ દવેને સંયુક્ત ગૌરવ પુરસ્કારથી નવાજ્યા હતા. આ બાપ દિકરાએ જુગલબંધીના ઘણા કાર્યક્રમો સાથે કર્યા હતા. પિતા-પુત્રનો મિત્રતા ભર્યો વ્યવહાર હવે માત્ર એક યાદ બનીને રહી ગયો.

જીવનમાં કડક શિસ્તના અને અનુશાસનના આગ્રહી પ્રસાદજીએ સૌરાષ્ટ્રની ભજન પરંપરાના અંતિમ દિવડામાના એક હતા. તેમણે લખેલા-શોધેલા તથા કંપોઝ કરેલા ઘણા ભધા બજનો આજે લોકજીભે રમે છે. જેમાં જપ લે હરિ કા નામ, કાના નાના છાના માના, સદ્ગુરુ કે શરણો મેં જાકે, પવન પાવડી વિગેરે ભજનો આજે વરસોથી સંતવાણીમાં સંભળાય છે. રેડિયો સ્ટેશન પર હજુ પણ પ્રાંત: કાળે રજુ થતાં અર્ચના સંતવાણી કાર્યક્રમમાં પ્રસાદજીએ આશરે સો જેટલા પ્રાચિન ભજનો રજુ કર્યા છે. સૌરાષ્ટ્રની અસલ્લ પ્રાચિન ભજન પરંપરાને જાળવનારા ભજનિકોમાં તેમનું નામ મોખરે હતું.

એંશીના દાયકામાં તેમણે રેડિયો પરથી રજૂ કરેલું ભજન ‘મારું રે પિયરીયું માધવપુરમાં...!’ જેનાથી પ્રસાદજીને ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી. શ્રી પ્રસાદજીએ પોતાના વતન અમરનગરથી પોતાની શૈક્ષણિક કારકિર્દી શરુ કરી હતી. જેઓ મોંઘીબા ગર્લ્સ હાઇસ્કૂલ ગોંડલમાંથી શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા. પૂ. હરિરામબાપુ (ધુનેશ્ર્વર) તેમનો ગુરુદ્વારો હતો. જેમના માટે પ્રસાદજીનું સમગ્ર જીવન સમર્પિત હતું.

સત્ હરિરામબાપાના આર્શિવાદને લીધે પ્રસાદજીની વાણીમાં ભજન સાથે સત્સંગની ધારા ઉતરી હતી. પ્રસાદજીના પણ અનેક શિષ્યોમાં તેમના અવસાનથી શોકનું મોજુ ફરી વળ્યું છે. રવિ-ભાણ સદ્ગુરુ પરંપરાના ભજનોમાં પ્રસાદજીની નિપૂણતા હતી. હાસ્ય કલાકાર સાંઇરામ દવે પોતાની સફળતાનો તમામ શ્રેય પોતાના પિતાજીને આપે છે. આમ વિષ્ણુપ્રસાદ દવેના દેહાવસાન સાથે સૌરાષ્ટ્રે એક બિન વિવાદિત અને સમર્થ ભજનાનંદી પુરુષ ગુમાવ્યો છે.

ગુજરાતના અનેક સંતો સાથે તેમને પારિવારિક નાતો હતો. નિખાલસ સ્વભાવ અને ર્નિવ્યસની જીવન સાથે પ્રસાદજી તેમના ચાહકો-પરિવારજનો પર ઉંડી છાપ છોડી ગયા છે. કલા જગતમાં પિતાના નકશે કદમ પર ચાલનારા સુરને બહોળો ચાહક વર્ગ ધરાવતા સાંઇરામ દવે તથા લઘુબંધુ કિશન અને અમિતે પિતાની છત્રછાયા ગુમાવી છે. છેલ્લા એકાદ વરસથી અન્નનળીના કેન્સરથી પ્રસાદજી પીડાતા હતા. એક ભજનાનંદી પુરુષની વિદાયથી સમગ્ર ગુજરાતનું કલાજગત શોકગ્રસ્ત થયું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj