રાજકોટ, તા.2
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મ વધામણાનો થનગનાટ વ્યાપેલો છે. આજે રાંધણ છઠ્ઠ છે, કાલે શીતળા સાતમ તથા શુક્રવારના સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ કામણગારા કાનુડાના જન્મ વધામણામાં ઓતપ્રોત થશે.
આજ સાંજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકમેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. લોકો રવિવાર સુધી લોકમેળાનો આનંદ માણશે, શનિવારના પારણા ઉત્સવ ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણ ભકિતના રંગે સમગ્ર સૌરાષ્ટ-કચ્છ રંગાશે.
શુક્રવારે ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજનો થયા છે. શહેરોમાં ફલોટ સુશોભન થયા છે જેનું ઉદઘાટન આજે સાંજથી થશે.
રાજકોટ
રાજકોટમાં રેસકોર્સ મેદાન પર વિરાસતથી વિકાસ ભવ્ય લોકમેળાનો પ્રારંભ આજ સાંજથી થશે. રવિવાર સુધી ચાલનારા આ મેળાનો આનંદ લૂંટવા લાખો લોકો ઉમટી પડશે. પોલીસનો સખત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
શુક્રવારના વિહિપ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ભવ્યાતિત 41મી જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફલોટ સુશોભન કરવામાં આવેલ છે.
દ્વારકા
દ્વારકા જગત મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરજીનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. દર વર્ષની જેમ લાખો લોકો શ્રીકૃષ્ણના જન્મ વધામણામાં પધારશે. દ્વારકામાં શોભયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. વિવિધ વિસ્તારોમાં સુશોભન અને રોશનીના શણગાર કરાયા છે. જગત મંદિરને રોશનીના શણગાર કરાયા છે.
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરીજનો માટે જવાહર મેદાન ખાતે `જન્માષ્ટમી લોકમેળો - 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લોકોત્સવ તા. 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી યોજાશે, જેનો શુભારંભ તા. 2 સપ્ટેમ્બરે સાંજે 6 કલાકે થશે.
મેળામાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકસાહિત્યની રમઝટ બોલશે, જેમાં બિરજુ બારોટ, ઉર્વશીબેન રાદડિયા, ભાવેશ સાંભળા અને અપેક્ષા પંડ્યા જેવા નામી કલાકારો પોતાના સૂર-તાલથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત, સ્વચ્છતા અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી રંગારંગ કૃતિઓ રજૂ કરવામાં આવશે.
યુવાનો અને બાળકો માટે આકાશને આંબતી ચકરડીઓ અને રોમાંચક રાઇડ્સ વિશેષ આકર્ષણ જમાવશે. મનપા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના અંદાજે 30,000 જેટલા ભૂલકાંઓને તા. 2 થી 7 સપ્ટેમ્બર દરમિયાન મેળામાં એક રાઇડ તદ્દન મફત કરાવવાનું ખાસ આયોજન કરાયું છે
મેળામાં કુલ 24 જેટલા સ્ટોલ્સ ઊભા કરાશે, જેમાં સ્વાદિષ્ટ વાનગીઓ માટે ફૂડ કોર્ટ, આર્ટ-ક્રાફ્ટના કલાત્મક સ્ટોલ્સ તેમજ 'લોકલ ફોર વોકલ'ને પ્રોત્સાહન આપવા સખી મંડળની બહેનોના ગૃહઉદ્યોગ અને હસ્તકળાના સ્ટોલ્સનો સમાવેશ થાય છે. આ સાથે મનપાના વિકાસકાર્યોની પ્રદર્શની અને મેડિકલ કેમ્પ પણ યોજાશે.
પૂરતી પાર્કિંગ વ્યવસ્થા અને કડક સુરક્ષા વચ્ચે મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશન મહેતા અને ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના પદાધિકારીઓએ તમામ શહેરીજનોને પરિવાર સાથે આ મેળો માણવા ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે. ભાવનગરના આજથી જવાહર મેદાન ખાતે તા. ર થી 4 જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે.
કાલાવડ
ભારતીય સંસ્કૃતી અને હિંદુ ધર્મના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે અને સમાજની એકાત્મા હેતુ સમસ્ત નગર સાથે મળી ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની ઉજવણી કરે તે માટે પૂજ્ય સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદની પ્રેરણાથી હિન્દુ ઉત્સવ સમિતિ-કાલાવડ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રાનો તા.04/09/2026 શુક્રવારના રોજ સવારે 8 કલાકે શ્રી રામજી મંદિર-ગ્રેઇન માર્કેટ રોડથી પ્રારંભ થશે.
જે ધોરાજી રોડ પર આગળ જઈ ઓકટ્રોય નાકા પાસેથી સિનેમા રોડ પર પસાર થઇ મુળીલા નાકાથી શહેરની મેઈન બજારમાં પ્રવેશ કરશે અને લીમડા ચોક,મ્યુ.હાઈસ્કુલ,બસ સ્ટેશન રોડ,સરદાર પટેલ ચોક થઇ કુંભનાથ પરા નવદુર્ગા ગરબી ચોક પહોચશે જ્યાં શોભાયાત્રાની પુર્ણાહુતી થશે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા માટે વિવિધ મંડળો અને ગ્રુપ દ્વારા ઉત્સાહભેર તૈયારી થઇ રહી છે. બજારોમાં રંગબેરંગી શણગાર કરવામાં આવી રહ્યા છે તેમજ આકર્ષક ફલોટસ બનાવવામાં આવી રહ્યા છે, તેમજ આ મંગલ પર્વ નિમિતે સમસ્ત શહેર,બજાર,શેરીઓ અને ધર્મસ્થાનો શણગારવામાં આવે તેમજ દુકાનો અને ઘરો પર ધર્મ ધજા ફરકાવવા તથા જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ જુદાજુદા વિસ્તારોમાં આયોજીત કાર્યક્રમો અને શોભાયાત્રામાં જોડાવા હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ધ્રોલ
ધ્રોલ શહેરમાં આગામી જન્માષ્ટમી પર પર્વની ભવ્ય ઉજવણી શ્રી મચ્છો મિત્ર મંડળ દ્વારા તા. 4/9/2026ના રોજ અત્રેના ગાંધી ચોક ખાતે યોજવામાં આવેલ છે. શ્રી મચ્છો મિત્ર મંડળ દ્વારા આ 21મી જન્માષ્ટમી પ્રસંગે અમરનાથ મહાદેવની આરતી, ડીજે રાસ, મટકી ફોડ, કેક તેમજ ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ ધાર્મિક પ્રસંગે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ધ્રોલ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
ખંભાળીયા
ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર્વ એવા જન્માષ્ટમીની ખંભાળિયાવાસીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે ખંભાળિયામાં આગામી શુક્રવાર તા. 4 ના રોજ ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શુક્રવારે સવારે 8ઃ30 વાગ્યે અહીંની શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારીને આ શોભાયાત્રા પ્રસ્થાન કરશે. જે અહીંના પાંચ હાટડી ચોક, ગૂગળી ચકલો, રંગ મહોલ સ્કૂલ, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, ગાંધી ચોક, રાજડા રોડ, સતવારા વાડ, રામ મંદિર, નગર ગેઈટ, શારદા સિનેમા રોડ થઈને શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થશે.
માર્ગમાં આ શોભાયાત્રાનું વિવિધ મંડળો તેમજ એસોસિયેશન દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવશે. આ સાથે શોભાયાત્રામાં 7 થી 11 વર્ષ સુધીના બાળકો માટે રાધાકૃષ્ણની વેશભૂષાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે રાત્રે 12 વાગ્યે અહીંના નગર ગેઈટ ચોકમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવના ધામધૂમપૂર્વક વધામણા કરવામાં આવશે.
આ સમગ્ર આયોજન માટે હિન્દુ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
વેરાવળ
વેરાવળ તાલુકાના આદ્રિ ગામે આગામી જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે તા.3 અને 4 સાતમ, આઠમ બે દિવસીય બાબા અમરનાથની બરફીલી ગુફા સાથે સાંસ્કૃતિક લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ ગ્રામજનો તથા આસપાસના વિસ્તારની ભાવિકોને ઉપસ્થિત રહી દર્શન અને મેળાનો લાભ લેવા આદ્રી ગામ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પ્રસંગે આદ્રી ગામ ના પનોતા પુત્ર તથા સોમનાથના પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવા એ જણાવ્યું હતું કે, આદ્રી ગામ માં બાબા અમરનાથની બરફીલી ગુફાની પ્રતિકૃતિ સાથે ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે. આશરે 250 ફૂટ લંબાઈ ધરાવતી બાબા અમરનાથની બરફીલી ગુફામાં બરફ ઉપર ચાલવા ઉપરાંત વિવિધ આકર્ષક પ્રદર્શન પોઈન્ટમાં ગામડું, ગૌશાળા, તળાવ, પહાડ, ઝુલતો પુલ, કૃષ્ણનો ઝૂલો સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વની વિશેષ ઝલક
આ વર્ષે સોમનાથ સ્વાભિમાન પર્વને અનુલક્ષીને કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે સોમનાથ મંદિર કલાકૃતિ પ્રદર્શન તથા બાર જ્યોતિર્લિંગ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સોમનાથ મંદિરની ભવ્યતા, કલા-કોતરણી તથા ભારતના પવિત્ર બાર જ્યોતિર્લિંગ ની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્તા વિશે લોકોને જાણકારી મળી રહેશે.
સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત છે, ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ભાવનાને લોકમેળા સાથે જોડીને નવી પેઢી સુધી આપણી ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ, કલા અને ગૌરવશાળી વારસો પહોંચાડવાનો આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત બે દિવસ દરમિયાન સાંસ્કૃતિક લોકમેળા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહી આ ધાર્મિક-સાંસ્કૃતિક મહોત્સવ નો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.
જેતપુર
જેતપુરમાં આજે સાંજે લોકમેળો ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે ઉદઘાટન કરી ખુલો મુકાશે. ગહી કાલે સાંજે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ લોકમેળાનો. મેદાન. રાઈટ્સ સહિત નું નિરીક્ષણ કરી સંચાલકો ને જરૂરી સુચના આપી. જેથી લોકો ખુબજ સારી રીતે લોકમેળો માણી શકે.
જીલ્લા પોલીસ વડા નું ટેક્ષટાઇલ એશોશિએશન ના પ્રમુખ જયંતીભાઈ રામોલીયા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના પ્રમુખ મનીષભાઈ પંડયા દ્વારા સન્માન કર્યું હતું. આજે સાંજે લોકમેળાનો શુભારંભ સમયે સંતો મહંતો. આગેવાનો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. દર વર્ષે ની જેમ આ વર્ષે પણ જેતપુર સીટી કાઉન્સિલ જેતપુર દ્વારા જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે જીમખાના મેદાન ખાતે લોકમેળાનો આયોજન કરવામાં આવેલ છે.
આ લોકમેળા છ દિવસ સુધી લોકમેળાનો આયોજન કરવામાં આવેલ છે જેમાં અલગ અલગ દરરોજ સાસ્કૃતિક કાર્યક્રમો નો આયોજન કરવામાં આવેલ છે. સંચાલકો દ્વારા ખુબજ સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે અને વ્યવસ્થા સારી રીતે કરવામાં આવેલ છે
. લોકો સારી રીતે લોકમેળો માણી શકે અને જરૂરી સુવિધાઓ સાથે ગહી કાલે સાંજે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા નિરીક્ષણ કર્યું હતું અને સુંદર સુવિધા અંગે પ્રભાવિત થયા હતા તેમજ જરૂરી સુચનાઓ આપી હતી જેથી આ લોકમેળો લોકો ખુબજ સારી રીતે માણી શકે. ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ના હસ્તે આજે સાંજે લોકમેળો નો ઉદધાટન કરી ખુલો મુકાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy