ગીર સોમનાથ, તા. 31
એશિયાઈ સિંહોનાં એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગીર નેશનલ પાર્કની મુલાકાતે જતાં પ્રવાસીઓ માટે આગામી પ્રવાસન સીઝનથી સફારી મોંઘી બની શકે છે. ગુજરાત વન વિભાગ દ્વારા છેલ્લાં 11 વર્ષથી સફારી ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સતત વધી રહેલી પ્રવાસીઓની સંખ્યા અને સંચાલન ખર્ચને ધ્યાનમાં રાખીને વન વિભાગ હવે ફીનું માળખું સુધારવાની તૈયારી કરી રહ્યું છે. આ દરખાસ્તને આખરી ઓપ આપતાં પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં અન્ય રાજ્યોનાં નેશનલ પાર્કની ફી સિસ્ટમનો પણ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
મંજૂરી માટે તૈયાર કરવામાં આવી રહેલી નવી દરખાસ્ત અનુસાર, સામાન્ય 6-સીટર જીપ્સી સફારી માટેની ઓનલાઈન પરમિટ ફી વર્તમાન 800 થી વધારીને આશરે 1,800 સુધી કરવામાં આવી શકે છે.
વિદેશી પ્રવાસીઓ માટે પરમિટ ફી $80 ડોલર (આશરે 7,600) થી વધારીને $125 ડોલર (આશરે 11,800) કરવાનું પ્રસ્તાવિત છે. નોંધનીય છે કે આ ફી માત્ર વન વિભાગની પરમિટ માટેની છે. આ સિવાય પ્રવાસીઓએ ગાઈડ ફીના 400 અને સફારી વાહનના આશરે 6,200 નો ખર્ચ અલગથી ચૂકવવો પડે છે, એટલે કે સમગ્ર સફારીનું કુલ બજેટ નોંધપાત્ર રીતે વધી જશે.
વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે શેરિંગ મોડેલ પર 8-સીટર વાહનો ચલાવવાનો પણ પ્રયોગાત્મક વિચાર થઈ રહ્યો છે. આ વ્યવસ્થા હેઠળ બે કે ત્રણ અલગ-અલગ નાના ગ્રુપ એક જ વાહનમાં સાથે મુસાફરી કરી શકશે, જેની પરમિટ ફી 2,000 થી વધુ રાખવામાં આવી શકે છે.
આ સિવાય, છેલ્લી ઘડીએ પ્લાનિંગ કરતાં પ્રવાસીઓ માટે તત્કાલ અને પ્રીમિયમ પરમિટની વ્યવસ્થા પણ થશે, જેની કિંમત 20,000 થી શરૂ થાય તેવી શક્યતા છે. આ 8-સીટર સિસ્ટમ આગળ ચાલું રહેશે કે નહીં તેનો આધાર પ્રવાસીઓનાં પ્રતિસાદ પર રહેશે.
પ્રકૃતિ અને વન્યજીવોને વધુ નજીકથી અનુભવવા માંગતાં લોકો માટે વિભાગ દ્વારા પ્રથમ વખત 6 કલાકનું ખાસ મોર્નિંગ સફારી પેકેજ પ્રસ્તાવિત કરાયું છે. આ પેકેજમાં જંગલ સફારી સાથે પક્ષી દર્શન (બર્ડવોચિંગ) નો સમાવેશ થશે, જેની ફી 50,000 થી વધુ રાખવાની દરખાસ્ત છે.
આ જ રીતે, દેવળિયા સફારી પાર્ક ખાતે પણ AC બસ રાઈડ, ટ્રેકિંગ અને પક્ષી દર્શનને આવરી લેતું એક નવું પેકેજ શરૂ કરવાની યોજના છે, જેનો પ્રતિ વ્યક્તિ અંદાજિત ખર્ચ 1,500 રહેશે.
સામાન્ય પ્રવાસીઓ માટે એક રાહતના સમાચાર એ છે કે અંગત કેમેરા માટે લેવાતો 200 નો અલગ ચાર્જ નાબૂદ કરવાની ભલામણ કરાઈ છે. અધિકારીઓનાં જણાવ્યાં મુજબ, મોટાભાગનાં પ્રવાસીઓ હવે પ્રોફેશનલ કેમેરાના બદલે સ્માર્ટફોનનો જ ઉપયોગ કરતાં હોવાથી આ નિર્ણય લેવાયો છે.
જોકે, વ્યાવસાયિક શૂટિંગ જેમ કે વાઇલ્ડલાઇફ ડોક્યુમેન્ટરી, ફીચર ફિલ્મો અને ટીવી સીરિયલ્સના શૂટિંગ માટેનાં ચાર્જમાં 40 ટકા સુધીનો મોટો વધારો ઝીંકાય તેવી પૂરી શક્યતા છે.
દર વર્ષની જેમ ચોમાસાની ઋતુ દરમિયાન સિંહોના સંવર્ધન અને જંગલનાં રસ્તાઓની રિપેરીંગ કામગીરી માટે ગીર સફારી 15 જૂનથી બંધ કરવામાં આવી છે. ચોમાસાનો આ વિરામ પૂર્ણ થયા બાદ 16 ઓક્ટોબરથી ગીર સફારી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લી મૂકવામાં આવશે, જ્યાં પ્રવાસીઓને નવા દર અને નવા વિકલ્પો જોવા મળી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy