જામખંભાળીયા, તા.31
ખંભાળિયા ખાતે ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત શનિવારથી શરૂ થયેલા અચોક્કસ મુદતના ધરણા આંદોલન આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું છે. જેને મોટી સંખ્યામાં ધરતીપુત્રોનો સહયોગ સાંપળ્યો છે.
આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિતની જુદી જુદી માંગ સાથે ખંભાળિયામાં શરૂ કરવામાં આવેલા આંદોલનના બીજા દિવસે રવિવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના ભારે વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાંથી સેંકડો અને હજારોની સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ રીતે આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે.
સત્યાગ્રહના પ્રથમ દિવસે જ સરકાર દ્વારા જળાશયોમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો, જેને તેમણે ખેડૂતોની એકતા અને આંદોલનની આંશિક જીત ગણાવી હતી. જોકે, ભૂતકાળમાં સરકારની જાહેરાતો કાગળ પર રહી ગઈ હોવાના અનુભવોને ધ્યાને રાખીને, પાણી ખરેખર ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં તેની ચકાસણી માટે આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ ટીમો મોકલવામાં આવશે.
તેમણે ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે આ માત્ર ઈસુદાન ગઢવીની લડાઈ નથી, પરંતુ દરેક ખેડૂત અને તેમની આવનારી પેઢીના ભવિષ્યનો અવાજ છે, જેમાં સૌએ સક્રિય રીતે જોડાવું જરૂરી છે.
’આપ’ નેતા ઈસુદાન ગઢવીએ શાસકો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓની હજારો કરોડો રૂપિયાની લોન આંદોલન વગર પણ માફ કરી દે છે, તેમજ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લા દસ વર્ષમાં પાંચ વખત ખેડૂતોના દેવા માફ થયા છે, જ્યારે અહીં ખેડૂતો સંપૂર્ણ લોન માફી પણ નથી માંગી રહ્યાં. ખેડૂતોની પ્રાથમિક માંગણી માત્ર એટલી જ છે કે વરસાદના અભાવે બરબાદ થયેલા વિસ્તારોને તુરંત દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહતના નાણાં સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે.
આ સત્યાગ્રહ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત પુત્રીઓ, માતાઓ અને બહેનોએ ઈસુદાન ગઢવી તેમજ અન્ય નેતાઓને રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા, જેનાથી ભાવુક થઈને તેમણે ખેડૂત અને માલધારીનો દીકરો હોવાના નાતે છેવટ સુધી લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો ખેડૂતો એક થઈને પહેલું ડગલું ભરશે અને પોતાના હકની દુષ્કાળ સહાય મેળવશે, તો ભવિષ્યમાં જમીનના યોગ્ય ભાવ, લોન માફી અને ખેડૂત વિરોધી કાયદાઓ સામે પણ મજબૂત લડાઈ લડી શકાશે.
તહેવારો નિષ્ફળ
ખંભાળિયામાં ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ અંતર્ગત શનિવારથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અનિશ્ચિતકાળના ધરણા પર બેઠા છે. જેને આ વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતોનો સહયોગ સાંપળ્યો છે.
‘દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત ચાર અઠવાડિયાથી વરસાદ થયો નથી. તો સવાલ એ છે કે સરકાર દુષ્કાળની જાહેરાત કરે અને ખેડૂતોને પાણી તથા સિંચાઈની વ્યવસ્થા કરી આપે. પરંતુ ખબર નહીં, આ સરકારે હજુ સુધી એ જાહેરાત કરી નથી. દ્વારકા જિલ્લામાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ સહિત જે ખેડૂત આગેવાનો છે, એ બધાએ નક્કી કર્યું કે ખેડૂતો માટે આપણે સત્યાગ્રહ કરવો જોઈએ. મોટી સંખ્યામાં સ્વયંભૂ ખેડૂતો અહીં હાજર છે.
આજે ખેડૂતની સ્થિતિનો વિચાર કરો, અનાજ-કરિયાણાની દુકાનોમાં પણ તેમને ઉધાર સામાન મળતો બંધ થઈ ગયો છે, કારણ કે વેપારીઓને પણ ખબર પડી ગઈ છે કે વરસાદ થયો નથી અને મોસમ નિષ્ફળ ગઈ છે. જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું હતું તેમાંથી માંડ 25 ટકા ઉગ્યું છે અને તેના માટે પણ પાણીની જરૂરિયાત છે, બાકી બધું નિષ્ફળ ગયું છે. ખેડૂતો લાઈટ બિલ પણ ભરી શકે એવી સ્થિતિમાં નથી."
સરકાર સમક્ષ તેઓએ માંગ કરી છે કે તુરંત તેઓ આ માંગણીઓ સ્વીકારે. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે હું જામનગર, દ્વારકા, પોરબંદર જિલ્લાના આસપાસના તમામ ગામડાંના લોકોને વિનંતી કરું છું કે આ આપણી સૌની લડાઈ છે, કોઈ એકલાની નથી. આ આપણી હકની લડાઈ છે, આપણા અધિકાર અને ભાવિ પેઢીની લડાઈ છે, અને જો એક થઈને લડીશું તો ચોક્કસ જીતીશું. સરકારે ઝૂકવું જ પડશે. જો આપણે એક થઈને લડીશું તો પોલીસથી ડરાવશે કે અન્ય રીતે અટકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ યાદ રાખજો, જો આજે આપણે એક નહીં થઈએ તો કાયમી ધોરણે આ સરકારો આપણું શોષણ કરશે."
દુષ્કાળની જાહેરાત કરવામાં આવે, ગૌશાળાઓને પૂરતી સહાય આપવામાં આવે, સૌની યોજના હેઠળના જે ડેમો છે તેમાંથી પાણી છોડવામાં આવે જેથી કરીને 25 ટકા જે પાક બાકી છે તેને સિંચાઈનું પાણી મળી રહે, અને આ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોના લાઈટ બિલ માફ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે અને સરકાર તુરંત તેનો સ્વીકાર કરે એવી માંગ ઉપસ્થિત ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.
(તસ્વીર : કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy