(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.1
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ની અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સ્વાભિમાન પર્વ દરમિયાન શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશભરમાંથી પધારેલા હજારો ભાવિક ભક્તોએ મહાદેવના દર્શન અને વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
દર્શન અને ભક્તોની ભીડ
આજના આ વિશેષ અવસરે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, સાંજે 7:00 વાગ્યા સુધીમાં જ 71,000 થી વધુ શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.
પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનોની વિગત
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ભક્તો દ્વારા અનેકવિધ ધાર્મિક પૂજાઓ નોંધાવવામાં આવી હતી. જેમાં ધ્વજાપૂજા: 75, સોમેશ્વર મહાપૂજા: 65,રૂદ્રાભિષેક: 572, પાઠાત્મક લઘુરુદ્ર: 14 વગેરે મહામૃત્યુંજય યજ્ઞ: મંદિરમાં આયોજિત મહામૃત્યુંજય યજ્ઞમાં ભક્તો દ્વારા 44,000 થી વધુ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.
વિશેષ શૃંગાર અને દિવ્ય નજારો
સોમનાથ સ્વાભિમાન પર્વને અનુલક્ષીને શ્રી સોમનાથ મહાદેવને ’વિશેષ સોમનાથ સુવર્ણ અને અમૃત વર્ષા શૃંગાર’ કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
સંધ્યાકાળે આરતી સમયે એક અદભુત અને અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ગર્ભગૃહની તમામ ઇલેક્ટ્રિક લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને સોમનાથ મહાદેવને માત્ર દીવાના પવિત્ર પ્રકાશથી શોભાયમાન કરવામાં આવ્યા હતા. દીવડાઓના ઝળહળતા પ્રકાશમાં મહાદેવનું સ્વરૂપ અત્યંત દિવ્ય લાગી રહ્યું હતું, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
સુર્યદર્શન શ્રૃંગાર
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને વિશેષ ’સૂર્ય દર્શન શૃંગાર’ અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્રાચીન શાસ્ત્રો અનુસાર, પ્રભાસ તીર્થ એ દિવ્ય ક્ષેત્ર છે જ્યાં પ્રાચીન કાળમાં ‘દ્વાદશ આદિત્ય’ એટલે કે 12 સૂર્યમંદિરોનો ઐતિહાસિક અને તેજસ્વી વૈભવ દૈદીપ્યમાન હતો. આ ક્ષેત્ર સૂર્ય ઉપાસના અને વૈજ્ઞાનિક ચેતનાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આ જ કારણે આ પાવન ભૂમિને શાસ્ત્રોમાં ‘પ્રભાસ’ નામ અપાયું છે-અર્થાત જ્યાં દિવ્ય પ્રકાશ સતત ઝળહળે છે.
આજના પાવન અવસરે, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તેમજ વિવિધ પુષ્પો વડે સૂર્યની ભવ્ય પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ અલૌકિક શૃંગાર માટે 100 કિલોથી વધુ ગુલાબ, ગલગોટા તેમજ અન્ય પવિત્ર સુગંધી પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ શૃંગાર માત્ર નયનરમ્ય જ નહીં, પરંતુ ગહન શાસ્ત્રીય મહત્વ પણ ધરાવે છે. અથર્વવેદ અને સૂર્યોપનિષદ અનુસાર સૂર્ય સાક્ષાત્ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને તેમનું તેજ સમસ્ત સૃષ્ટિને પ્રાણશક્તિ પ્રદાન કરે છે. આ સમસ્ત તેજનો મૂળ સ્ત્રોત અને આધાર દેવાધિદેવ મહાદેવ છે.
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ શિવત્વ વિના જીવનનું સ્પંદન કે ચેતનાનો ઉદય શક્ય નથી. જે રીતે સૂર્ય બાહ્ય અંધકારને દૂર કરે છે, તે જ રીતે ભગવાન શિવ અંતરના અજ્ઞાન, અહંકાર અને માયાનો નાશ કરે છે. આ શૃંગાર શિવ અને સૂર્ય વચ્ચેના શાશ્વત તત્ત્વનું પ્રતીક બની રહ્યો, જેણે પ્રભાસ ક્ષેત્રમાં દર્શનાર્થે પધારેલા હજારો ભાવિકોને દિવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવી.
શિવ સાથે એકાકાર થવાની દિવ્યતા ધરાવતું વિશિષ્ટ સ્થળ
સોમનાથમાં સદાશિવના જોડીયા શિવલિંગો : 12 ફુટ ઉંચા ઓટલા ઉપર બિરાજમાન છે આ બે શિવલિંગો
.jpg)
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.1
સોમનાથ શિવાલય તીર્થમાં શેરીએ-શેરીએ આસપાસનાં વિસ્તારોમાં અનેક નાના -મોટા શિવાલયો આવેલા છે. સોમનાથ મંદિરનાં પાર્કિંગ મધ્યમાં આવેલ સદાશિવનાં બે શિવલિંગો દર્શનીય અને જપ તપ માટેની તીર્થોત્તમ જગ્યા છે. બાર ફૂટ ઊંચા ઓટલા ઉપર બિરાજમાન આ બે શિવલિંગમાં એક અઢી ફૂટ ઊંચુ છે તો બીજુ પાંચ ફૂટ ઊંચુ શિવ જળાધારી ઉપર બિરાજમાન આ બે શિવલિંગો માત્ર થોડા અંતરે જ આસપાસ છે તેમની સન્મુખ નંદી અને કાચબો આરસનાં ગોઠવાયેલા છે. જળાધારી દક્ષિણામુખ છે અને તેમાં કરાતો જળાભિષેક સ્વયં વટવૃક્ષ સુધી પહોંચે તેવી વ્યવસ્થા છે.
જગ્યા સંપૂર્ણ એકાંત છે અને પ્રાચીન છે અને માનવ
અવર-જવર નહિવત છે પરંતુ સ્થળની દિવ્યતા ભકિતની ચરમસીમા સુધી પહોંચાડે તેવી શક્યતા છે. આ બાબતે સોમનાથ ના વિદ્વાન તિરપુરોહિતો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ શિવલિંગો પ્રાચીન કાળથી છે અને યમરાજાએ તેની માતાએ આપેલા શ્રાપની મૂકિત માટે આ સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ભાઈબીજનાં દિવસે તેના દર્શન પૂજન પૂણ્યમય બનાવે છે અને જેનું નામ વ્યોમેશ્વર અને અમરેશ્વર છે.
પ્રભાસના લોકો તેની તળપદી ભાષામાં જપેશ્વર તપેશ્વર પણ કહે છે. મંદિર પગથી પાસે વર્ષો જૂનો ઘટાદાર ઘેઘૂર ઋષી મુનિઓની જટાને યાદ આપતો જમીન સાથે જોડાયેલો પ્રકૃતિ પ્રસાદી સમો વડલો અને એ પણ તે જ સ્થળે ત્રણ સ્થળે જમીનથી જોડાયેલો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy