જન્માષ્ટમી તહેવારોમાં ડોમેસ્ટિક - ઇન્ટરનેશનલ ટુર પેકેજનાં બુકીંગમાં તેજી : ગોવા હોટ ફેવરીટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ દેશ - વિદેશમાં ફરવા જવા આતુર બન્યા : એરફેર બમણા થતાં ઇન્ટરનેશનલ ટુર વધુ મોંઘી

Gujarat, Saurashtra | Rajkot | 27 August, 2026 | 04:55 PM
ઉજજૈન, અયોધ્યા, બનારસ, કેરળ સહિત દક્ષિણ ભારત ટુરમાં ઉત્સાહ : સિંગાપુર, બાલી, વિયેટનામ, થાઇલેન્ડ, મલેશિયાનો પણ ભારે ક્રેઝ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 27
આગામી જન્માષ્ટમી તહેવારોની રજાઓમાં ફરવા જવા માટે રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ ટુર પેકેજ બુક કરાવવા ટુર સંચાલકોનો સંપર્ક સાધતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટુર બુકીંગ સારા હોવાનું ટુર સંચાલકોએ જણાવ્યું છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં ઉત્સુક પ્રવાસીઓ ટુર ઓપરેટરો પાસે પોત-પોતાના મનપસંદ સ્થળોએ જવા પસંદગી ઉતારતા વિવિધ પેકેજ ટુરના બુકીંગોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. 

આ વર્ષે ડોમેસ્ટીક સ્થળોનાં બુકીંગમાં ગોવા, કેરળ, દક્ષિણ ભારત, ઉતરાખંડ, અયોધ્યા, વારાણસી, જયપુર, ઉદેપુર, આગ્રા, દિલ્હી, મુંબઇ તરફ જવા મોટી સંખ્યામાં ટુર બુકીંગની ડિમાન્ડ છે. જયારે ઇન્ટરનેશનલ બુકીંગોમાં સીંગાપુર, વિયેટનામ, બાલી, થાઇલેન્ડ, મલેશિયા હોટ ફેવરીટ રહ્યા છે. યુધ્ધની પરિસ્થિતિના પગલે આ વર્ષે દુબઇ જવા ઇન્કવાયરી પણ નથી.

સમગ્ર સૌરાષ્ટ્રમાં રંગીલા રાજકોટવાસીઓ સાતમ-આઠમ  જન્માષ્ટમી તહેવારોની રજાઓમાં પોતાના ધંધા-રોજગાર બંધ રાખી દેશ-વિદેશનાં યાત્રાપ્રવાસે જવા ઉમટતા હોય છે. આ વર્ષે પણ રાજકોટીયનો ટુર ઓપરેટરો પાસે ટુર પેકેજના બુકીંગ કરાવવા પહોંચતા ટુક સંચાલકોની ઇન્કવાયરીમાં વધારા સાથે ડોમેસ્ટીક-ઇન્ટરનેશનલ  બુકીંગ સારા હોવાનું ટુર ઓપરેટરો જણાવી રહ્યા છે. 

મીડલઇસ્ટ યુધ્ધના પગલે ફયુઅલમાં વધારો થતા  આ વર્ષે  ઇન્ટરનેશનલ ટુર પેકેજમાં એરફેર ડબલગણા થતા વિદેશ  પ્રવાસ મોંઘો બન્યો છે. સિંગાપુર, બાલી, થાઇલેન્ટ સહિતના એરફેર અત્યારથી બમણા થતા આ વર્ષે વિદેશ ટુર વધુ મોંઘીદાટ બની હોવાનું માનવામાં આવે છે. 

અનેક પરિવારો, મિત્ર મંડળો, ગ્રુપ મંડળો, સંસ્થાઓના ગ્રુપ બુકીંગો પણ સારા હોવાથી આ વર્ષે પ્રવાસ- પર્યટન ક્ષેત્રે નવા રેકોર્ડ પ્રસ્થાપિત થાય તેવી ધારણા છે. 
ગોવા આ વર્ષે પણ હોટ ફેવરીટ છે. સિકકીમ, ભૂતાન, નેપાળ પશુપતિનાથના બુકીંગ ઉપરાંત ઉતરાખંડ જવા ક્રેઝ વધ્યો છે. પડોશી દેશ નેપાળ જેવા પાસપોર્ટની જરૂર નહીં હોવાથી નેપાળની રાજધાની કાઠમંડુ પશુપતિનાથ મહાદેવ, પોખરા, જનકપુર રીટર્ન પટના, ગયાજી, બનારસ, અયોધ્યા, કાશીના બુકીંગમાં તેજી જોવા મળી રહી છે. 

રાજકોટના પ્રતિષ્ઠિત જાણીતા ટુર સંચાલકનાં જણાવ્યા પ્રમાણે આગામી જન્માષ્ટમી તહેવારોની રજાઓમાં ઇન્ટરનેશનલ-ડોમેસ્ટીક ટુર પેકેજનાં બુકીંગ સારા છે. એડવાન્સ હોટલ બુકીંગોમાં કોઇ ખાસ વધારો નથી. એરલાઇન્સ કંપનીઓએ ટ્રાફિકને ધ્યાને લઇ એરફેરમાં પ0 ટકાનો વધારો કરતા ઇન્ટરનેશનલ ટુરમાં એરફેર બમણા થયા છે. જેના પગલે ઇન્ટરનેશનલ ટુર થોડી મોંઘી બની છે. 

જન્માષ્ટમી તહેવારોમાં સૌરાષ્ટ્રનાં યાત્રાધામો સોમનાથ, દ્વારકા,  જુનાગઢ, ગિરનાર, પોરબંદર કીર્તિમંદિર, સાસણ ગીર, સતાધાર, વિરપુર  જેવા સ્થળોએ દુર દુરથી પ્રવાસીઓનું પણ આગમન થતાં ગુજરાત-સૌરાષ્ટ્રના દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળશે.

જન્માષ્ટમી તહેવારોનાં ટ્રાફિકને ધ્યાને લઇ રેલ્વેમાં અત્યારથી લાંબા રૂટોની ટ્રેનોમાં વેઇટીંગ જોવા મળી રહ્યું છે. અનેક ખાનગી વાહનો પણ બુક થઇ રહ્યા છે. જન્માષ્ટમી તહેવારોની રજાઓનો આનંદ માણવા રંગીલા રાજકોટીયન સાથે સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ સહેલગાહે જવા આગોતરી તૈયારી કરી  રહ્યા છે. સરસામાન માટે બેગ, કપડા, કોસ્મેટીક વસ્તુઓ બુટ-ચંપલ, સ્પ્રે સહિતની ખરીદી આરંભી છે. 

રાજકોટ-ગોવા વચ્ચે એક પણ સીધી ફલાઇટ નહીં સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓને અમદાવાદ જવું ફરજીયાત બન્યુ
રાજકોટ, તા.25
જન્માષ્ટમી તહેવારોની રજાઓમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી પ્રવાસીઓની પહેલી પસંદ પર્યટન સ્થળ ગોવા રહ્યું છે. ત્યારે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ગોવા જવા એક પણ સીધી ફલાઇટ નહીં હોવાથી પ્રવાસીઓની  મુશ્કેલીમાં વધારો થયો છે.

હવાઇ માર્ગે ગોવા પહોંચવા માટે અમદાવાદ, મુંબઇ, દિલ્હી જેવા એરપોર્ટથી ફલાઇટ મળતી હોવાથી ત્યાં પહોંચવું ફરજીયાત બન્યુ છે. ઉપરાંત તહેવારોના ટ્રાફિકને ધ્યાને લઇ એરલાઇન્સ કંપનીઓએ એરફેર બમણા કરી  નાખતા આ વર્ષે ગોવાનો પ્રવાસ વધુ મોંઘો બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં એક પણ ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં હોવાથી માત્ર નામ પુરતું જ ઇન્ટરનેશનલ એરપોર્ટ રહ્યું છે.

મધ્યમ અને સામાન્ય પરિવારો માટે સોમનાથ, દ્વારકા, આબુ-અંબાજીનાં બુકીંગ

◘ બે-ત્રણ દિવસના ટુંકાગાળાના પ્રવાસોમાં પણ હોટલોમાં એડવાન્સ બુકીંગો નોંધાયા
રાજકોટ, તા.25
જન્માષ્ટમીના તહેવારોના શ્રીમંત, ગર્ભશ્રીમંતો ઉચ્ચ અધિકારીઓ, રાજકીય નેતાઓ દેશ-વિદેશોમાં ફરવા જવા ટુર બુકીંગ કરાવી રહ્યા છે. ત્યારે નાના અને મધ્યમ વર્ગના પરિવારો સૌરાષ્ટ્ર-ગુજરાતના યાત્રાધામો પર્યટન સ્થળોએ હરવા ફરવા ટુર ઓપરેટરો પાસે બુકીંગ કરાવી રહ્યા છે. 

જન્માષ્ટમી તહેવારોની રજાઓનો આનંદ માણવા મધ્યમ અને નાના વર્ગના અનેક પરિવારો સૌરાષ્ટ્ર-ગુજરાતના યાત્રાધામ સોમનાથ, દ્વારકા, જુનાગઢ, ગિરનાર, અંબાજી અને પડોશી સરહદી આબુની પસંદગી કરી રહ્યા છે.

બે ત્રણ દિવસની નાની ટુર માટે પણ હોટલોમાં એડવાન્સ બુકીંગ સાથે ગ્રુપ ટુરમાં જોડાવવા ઉત્સુક બન્યા છે. અનેક પરિવારો અને પરિચીતો પોતપોતાની રીતે ખાનગી પરિવહન અને રેલ્વે, બસ મારફત નિયત સ્થળે રજાઓ ગાળવા માટે ઉત્સુક બન્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj