અમરેલી લેટરકાંડ: પાયલબેન ગોટીના માનવ અધિકારોના ઉલ્લંઘન બદલ ગુજરાત સરકારને સાડા સાત લાખ રૂપિયા વળતર ચૂકવવાનો NHRCનો આદેશ

Gujarat, Saurashtra | Ahmedabad | 02 September, 2026 | 06:14 PM
સાંજ સમાચાર

ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનનું કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગ યોજાયું હતું. આ સુનાવણી દરમિયાન અમરેલી લેટરકાંડમાં પાયલબેન ગોટીની ખોટી રીતે કરવામાં આવેલી ધરપકડ અને તેમનો વરઘોડો કાઢી માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાના ગંભીર કેસમાં મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. ગત તારીખ 29 ડિસેમ્બર 2024ના રોજ અમરેલી પોલીસ દ્વારા આરોપીઓ સાથે પાયલબેન ગોટીનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને કાયદાની સ્થાપિત પ્રક્રિયા વિરુદ્ધ જઈ તેમની ધરપકડ કરાઈ હતી.

આ મામલે એડવોકેટ બ્રિજ શેઠ દ્વારા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજના ઓપન હિયરિંગમાં માનવ અધિકાર આયોગની ત્રણ જજની બેન્ચ સમક્ષ પાયલબેનની ઉપસ્થિતિમાં એડવોકેટ બ્રિજ શેઠે જોરદાર રજૂઆતો કરી હતી. તેમણે કમિશનને જણાવ્યું હતું કે અડધી રાત્રે કોઈપણ પ્રકારની સમન્સ કે નોટિસ આપ્યા વગર એક મહિલાની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે અને જાહેરમાં વરઘોડો કાઢી તેમના માનવ અધિકારોનું સીધું હનન કરવામાં આવ્યું છે, જેથી તેમને યોગ્ય ન્યાય અને આર્થિક વળતર મળવું અનિવાર્ય છે.

આ સુનાવણીમાં પોલીસ તરફથી અમરેલીના એસપી પણ હાજર રહ્યા હતા અને તેમણે પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે આ કેસમાં જે પણ જવાબદાર અધિકારીઓ હતા તેમની સામે યોગ્ય ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે તેમજ જરૂર જણાતા સંબંધિત અધિકારીઓને બરતરફ કરવાની સાથે બદલી પણ કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, ભોગ બનનાર પાયલબેનનું નિવેદન ધ્યાને લઈને અને એડવોકેટ બ્રિજ શેઠ દ્વારા રજૂ કરાયેલા લેખિત પુરાવાઓને આધારે માનવ અધિકાર આયોગે સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે કાનૂની જોગવાઈઓનું યોગ્ય પાલન કર્યા વિના જ પાયલબેનની ધરપકડ કરાઈ હતી, જે સ્પષ્ટપણે માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આથી, કમિશને આદેશ કર્યો છે કે ગુજરાત સરકારે પીડિત પાયલબેન ગોટીને વળતર પેટે સાડા સાત લાખ રૂપિયા ચૂકવવા પડશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj