(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.27
લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદહસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં જળસંચય અને જળસંરક્ષણની કામગીરીને વેગ આપવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવેલા આ સરોવરના લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર દુધાળા ખાતે લેન્ડિંગ થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દુધાળા પધાર્યા હતા. આ પ્રસંગે ઊર્જામંત્રી કૌશિક વેકરિયા, કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ ઉપસ્થિત મહાનુભાવોને આવકારી તેમનું સ્વાગત કર્યું હતું.
ગુજરાત ગૌરવ સરોવર આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાં અંદાજે 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. રૂ.4 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ સરોવરથી દુધાળા સહિત આસપાસના વિસ્તારોમાં જળસંચયને મોટો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
લોકાર્પણ પ્રસંગે જળસંચયના મહત્વ પર ભાર મૂકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવાયું હતું કે, વર્ષ 2001 બાદ ગુજરાતમાં જળસંચયની કામગીરીને સતત વેગ મળ્યો છે. ગામે ગામ ચેકડેમ, તળાવો અને કૂવા સહિતના માધ્યમોથી વરસાદી પાણીના સંગ્રહની કામગીરી કરવામાં આવી રહી છે. તેના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાત ગૌરવ સરોવર બન્યા બાદ આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થયો હોવાનું જણાવાયું હતું. સરોવરના કારણે આશરે 500 ફૂટ સુધીના વિસ્તારમાં પાણીના સ્તરમાં વધારો થતાં ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સુધરી છે અને ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. જળસંચયના પરિણામે ખેતી વધુ સમૃદ્ધ બનવા સાથે ખેડૂતોની આર્થિક સ્થિતિને પણ વેગ મળ્યો હોવાનું જણાવાયું હતું.
પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં જળસંચયના ક્ષેત્રે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આશરે 208 જેટલાં સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. જળસંચય અને સમાજસેવાના ક્ષેત્રે તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દુધાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જળસંચયના ક્ષેત્રે ગુજરાત ગૌરવ સરોવર એક મહત્વપૂર્ણ પહેલ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
લોકો જન્માષ્ટમી ધામધૂમથી ઉજવી શકે તે માટે અમીત શાહે પોતાનો કાર્યક્રમ રદ કર્યો
અમદાવાદ તા.28
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તા.4ના જન્માષ્ટમીના દિવસે ગાંધીનગર ટાઉનહોલમાં યોજવામાં આવેલો તેમનો કાર્યક્રમ રદ કર્યો છે. જન્માષ્ટમી નિમિતે આ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા યોજાય છે અને ગૃહમંત્રીના કાર્યક્રમના આસપાસ જ શોભાયાત્રા પસાર થવાની હોય.
અહી સામાન્ય લોકોને કોઈ અસુવિધા ન પહોંચે તે માટે પોતાનો કાર્યક્રમ રદ કરીને લોકો ધામધૂમથી જન્માષ્ટમી ઉજવી શકે તે નિશ્ચિત કર્યુ છે. ઈસ્કોન દ્વારા આ અંગે શ્રી શાહને પત્ર લખ્યો હતો અને તુર્તજ શ્રી અમીત શાહે પોતાનો કાર્યક્રમ રદ કરતા જ કૃષ્ણભકતોમાં ઉલ્લાસ વ્યાપી ગયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy