(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.25
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે વહેલી સવારથી જ શિવભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શન માટે અત્યંત સુંદર અને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વહેલી સવારથી પ્રવેશ અને સુરક્ષા: ભક્તોની ભારે ભીડને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાવિકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુથી વહેલી સવારે 3:15 વાગ્યાથી જ કતારમાં પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
ધ્વજા અને સોમેશ્ર્વર પૂજા: બીજા સોમવારની આરતી સુધીમાં જ ભક્તો દ્વારા અંદાજિત 45 જેટલી ધ્વજા પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સોમેશ્વર પૂજાના 7 વાગ્યા સુધીના તમામ સ્લોટ સંપૂર્ણપણે બુક થઈ ગયા છે અને ભક્તો શ્રદ્ધાપૂર્વક આ પૂજાનો લાભ લઈ રહ્યા છે.
માત્ર રૂા.51માં વિશેષ યજ્ઞ પૂજા: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વખતે એક સરાહનીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સામાન્ય ભક્તો માત્ર 51 રૂપિયાના નજીવા દરે યજ્ઞ પૂજામાં જોડાઈ શકે છે. આ દિવ્ય આયોજનમાં લોકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
સ્વાભિમાન પર્વ અને ’શૌર્ય શણગાર’: આજ રોજ ઉજવાઈ રહેલા ’સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દેવાધિદેવ ભગવાન સોમનાથજીને વિશેષ ’શૌર્ય શણગાર’ અર્પણ કરવામાં આવનાર છે.
જે ભક્તો રૂબરૂ દર્શનાર્થે પહોંચી શક્યા નથી, તેમના માટે ટ્રસ્ટ દ્વારા ડિજિટલ માધ્યમો થકી દર્શનની સગવડ ઉપલબ્ધ છે. દેશ-વિદેશમાં વસતા તમામ ભક્તો ઘરે બેઠા જ ભગવાન સોમનાથજીના આજના દિવ્ય શૌર્ય શણગારના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી શકશે. શ્રાવણના દ્વિતીય સોમવારે સવારે મંદિર ખુલ્યે થી સાયં આરતી સુધીમાં 1.36 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવ ના દર્શન કરી ધન્ય બન્યા હતા.
દ્વારકા
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે દ્વારકાના સમુદ્ર વચ્ચે બિરાજમાન પૌરાણિક શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે ભક્તિનો માહોલ છવાયો હતો. આ નિમિત્તે દેવાધિદેવ મહાદેવને મહાકાલ સ્વરૂપમાં શણગારવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના પુષ્પોથી કરવામાં આવેલા દિવ્ય શૃંગારના મનોરથના સાંજના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા.
શ્રાવણના સોમવાર નિમિત્તે ભડકેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવના મહાકાલ સ્વરૂપને આકર્ષક પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. સાંજે યોજાયેલા આ વિશેષ મનોરથના દર્શન કરી સ્થાનિક શિવભક્તો ઉપરાંત દ્વારકા બહારથી આવેલા ભાવિકોએ પણ ધન્યતા અનુભવી હતી.
સમુદ્રની જળરાશિ વચ્ચે આવેલા ભડકેશ્વર મહાદેવના મંદિર ખાતે દિવ્ય શૃંગારના દર્શન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
વિશેષ મનોરથના આયોજનને સફળ બનાવવા મંદિરના પૂજારી અમિતગીરી ગોસ્વામી તથા જય ભડકેશ્વર ગ્રુપના સ્વયંસેવકોએ વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મોટી સંખ્યામાં આવતા ભાવિકોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે સ્વયંસેવકોએ જરૂરી વ્યવસ્થાઓ સંભાળી હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહપરિવાર સાથે મહાદેવને શીશ ઝુકાવ્યું
(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણ, તા.25
નીતિનભાઈએ સારા વરસાદ માટે મહાદેવ ને પ્રાર્થના કરી અને દારૂબંધી મુદ્દે નીતિન પટેલનું સૂચક નિવેદન આપ્યું કે દારૂબંધી હટાવવાથી ગુજરાત સરકારને હજારો કરોડની આવક થાય. પરંતુ ગુજરાત માં કાયદો વ્યવસ્થા દારૂબંધી ને કારણે જ મજબૂત છે.મોટા ભાગના ગુજરાતી ઓ દારૂબંધી ના સમર્થન માં છે. શંકરસિંહ વાઘેલા ના દારૂબંધી મુક્તિ ના નિવેદન ને વ્યક્તિગત ગણાવ્યું..
ઝેન જી આંદોલન મુદ્દે નીતિન પટેલનું નિવેદન આંદોલન તો આઝાદી વખતે પણ થતાં હતાં..અને આઝાદી પછી પણ થયા છે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન સમયે હું પણ યુવા અવસ્થામાં આંદોલન માં જોડાઈ ચુક્યો છું.ઝેન જી આ તો શબ્દ નવો આવ્યો છે. પરંતુ યુવાનો હમેશાં જ્યારે કોઈ વિચાર આવે પ્રેરણા મળે કે પ્રોત્સાહન મળે ત્યારે પોત પોતાની રીતે આંદોલન કરતા હોય છે.
સમાં પક્ષે જે કોઈ સરકાર હોય કે નેતાગીરી હોય એમને પણ યુવાનોને પ્રેમથી સમજાવી યુવાનો નું આંદોલન સમેટવું જોઈએ. દિલ્હી જંતર મંતર ખાતે પણ સરકારે સમજદારી પૂર્વક આંદોલનનું સુખદ ઉકેલ લાવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy