રાજકોટ, તા.26
શેરબજારમાં આજે મંદીનો ઝોક રહ્યો હતો. સોના-ચાંદી તથા ક્રૂડના ભાવો પણ દબાયા હતા. શેરબજારમાં આજે શરુઆતથી જ માનસ નિરસ બની રહ્યું હતું. બેતરફી ટુંકી વધઘટ હતી. કોઇ નવા કારણોની ગેરહાજરીથી મોટી મુવમેન્ટ નહતી. અમેરિકા-ઇરાન વચ્ચેનો તણાવ ઘટતો નથી ઉપરાંત અમેરિકા, કેનેડા, ચીન વગેરે દેશો વચ્ચે નવા ટ્રેડવોરથી ભારત પણ પ્રભાવિત થાય તેમ હોવાથી સાવચેતી હતી.
દેશી-વિદેશી નાણાં સંસ્થાઓ સતત ખરીદી કરતી હોવા છતાં માર્કેટને મોટો ટેકો મળી શક્યો નહતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અનિશ્ચિતતાનો માહોલ દુર ન થાય ત્યાં સુધી એક તરફી ચાલ મુશ્કેલ છે. વરસાદ ખેંચાતા અનેક રાજ્યોમાં કૃષિપાક પર જોખમ અને મોંઘવારીથી ફુગાવો વધવાની ભીતિથી પણ સાવધાની રાખવામાં આવતી હતી.
શેરબજારમાં આજે હિન્દુસ્તાન ઝીંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેઇલ, બીએસઇ, ડીવીઝ લેબ, કરૂર વૈશ્ય, એડવીટ જ્વેલ, મિલ્કી મીસ્ટ, ટાટા કેપીટલ વગેરેમાં ઉછાળો હતો. પ્રીમીયર એનર્જી, વરૂણ બ્રુવરીઝ, ડી-માર્ટ, વિશાલ મેગા માર્ટ, વોડાફોન, યસ બેંક, સનટીવી, પતંજલીમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 32 પોઇન્ટના ઘટાડાથી 77627 હતો તે ઉંચામાં 77986 તથા નીચામાં 77545 હતો. નિફટી 56 પોઇન્ટના ઘટાડાથી 24277 હતો. તે ઉંચામાં 24378 તથા નીચામાં 24253 હતો. સેન્સેક્સ-નિફટીના આ `રમત' જેવી વધઘટને પગલે ફરી એક વખત ઇન્વેસ્ટરો ગુંચવાયા હતા.
બીજી તરફ સોના-ચાંદીમાં વધુ ઘટાડો હતો. વિશ્વબજારમાં સોનુ 4622 ડોલર હતું. હાજરમાં 400 ઘટીને 166300 તથા વાયદામાં 700 ઘટીને 162155 હતું. હાજર ચાંદી 2.51 લાખ હતી. વાયદામાં 775 ઘટીને 243350 હતી.
ક્રૂડતેલમાં ઘટાડો હતો. ડબલ્યૂટીઆઇ ક્રૂડ 79.81 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 85.68 ડોલર હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy