ડોલર સામે રૂપિયો 31 પૈસા ગગડ્યો

શેરબજાર 500 પોઇન્ટ તૂટી 76000ની નીચે

India, Business | 08 September, 2026 | 03:53 PM
અછતનો ભય, યુધ્ધ - ક્રૂડની તેજીથી ગભરાટભરી વેચવાલી : સોના - ચાંદીમાં પણ ઉછાળે દબાણ
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
મધ્ય પૂર્વમાં યુધ્ધના ટેન્શનને કારણે ક્રૂડતેલમાં ભાવો સળગતા શેરબજાર ગભરાટભરી વેચવાલીથી ગબડ્યું હતું. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટીને 76000ની નીચે સરકી ગયો હતો. ડોલર સામે રૂપિયો પણ ગગડ્યો હતો.

શેરબજારમાં આજે માનસ મંદીનું હતું. શરૂઆત જ નબળા ટોને થયા બાદ ગભરાટભરી વેચવાલીનો મારો ચાલુ રહેવાથી મોટા ભાગના શેરો વધુને વધુ નીચે સરક્તા રહ્યા હતા. અમેરિકા-ઇરાન વચ્ચેનો મામલો વધુને વધુ ખરાબ થઇ રહ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં પેટ્રોલીયમ અવરજવર ફરી ધીમી પડી જવાને પગલે સપ્લાયની ચિંતા વ્યક્ત થવા લાગી હતી અને તેને પગલે ભાવ 100 ડોલરની નજીક પહોંચી ગયા હતા. કરન્સી માર્કેટમાં રૂપિયા પર દબાણ આવ્યું હતું.

વરસાદની ગેરહાજરીથી કૃષિ ક્ષેત્ર પર વધતા જોખમ અને અછતના ઓછાયાનો ફફડાટ હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધ ઉપરાંત દુષ્કાળના ભણકારાનું વધારાનું નેગેટીવ કારણ ઉમેરાયું છે. માર્કેટનો માહોલ અનિશ્ચિત છે અને હજુ તે સ્પષ્ટ થાય તેમ નથી.

શેરબજારમાં આજે હિન્દુસ્તાન એરોનોટીક્સ, કલ્યાણ જ્વેલર્સ, લોરસ લેબ, બંધન બેંક, યસ બેંક, ડીવીઝ લેબ જેવા શેરોમાં ઉછાળો હતો. ભારત પેટ્રોલીયમ, બ્યુસ્ટાર, હિટાચી એનર્જી, હિન્દ પેટ્રોલીયમ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, વોડાફોન, સ્વીગી, સુઝલોન, ફાઇઝર, વોલ્ટાસ, પતંજલી, ટાટા કેપીટલ જેવા શેરોમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 76000ની નીચે ઉતરી ગયો હતો. 503 પોઇન્ટ ગગડીને 76529 હતો તે ઉંચામાં 76012 તથા નીચામાં 75553 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 128 પોઇન્ટ તૂટીને 23650 હતો તે ઉંચામાં 23758 તથા નીચામાં 23623 હતો.

કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો 31 પૈસા તૂટીને 94.81 હતો. બૂલીયન માર્કેટમાં તોફાની વધઘટ હતી. વિશ્વ બજારમાં સોનુ 4391 ડોલર હતું. લોકલ વાયદામાં 125 ઘટીને 152695 હતું. ચાંદી વાયદામાં 720 ઘટીને 238295 હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj