નવી દિલ્હી, તા, 27
પ્રાથમિક શેરબજારમાં આ વર્ષે રિટેલ રોકાણકારોનો અભિગમ ખૂબ પસંદગીયુક્ત અને સાવચેતીભર્યો જોવા મળી રહ્યો છે. ડેટા અનુસાર, 2026માં અત્યાર સુધી આવેલા 42 મુખ્યબોર્ડ આઈપીઓમાંથી લગભગ ત્રીજા ભાગના ઇશ્યૂમાં રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલો ક્વોટા પૂરેપૂરો ભરાયો પણ નથી. માત્ર 30 આઈપીઓમાં જ રિટેલ પોર્શન પૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થયો છે.
અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે રિટેલ ભાગીદારીમાં ભારે ઘટાડો નોંધાયો છે. 2026ના 42 આઈપીઓમાંથી માત્ર 16 એટલે કે 38 ટકામાં જ રિટેલ સબ્સ્ક્રિપ્શન 5 ગણાથી વધુ રહ્યું છે.
આ સરખામણીમાં 2025માં 63 ટકા અને 2024માં 68 ટકા આઈપીઓમાં રિટેલ ક્વોટા 5 ગણાથી વધુ ભરાયો હતો. 2024ના તમામ 50 આઈપીઓમાં રિટેલ ક્વોટા ફુલ થયો હતો, જ્યારે 2025માં 90 ટકા (49માંથી 44) ઇશ્યૂ પૂરા ભરાયા હતા.
મિડ-ઓગસ્ટ સુધીના આંકડા મુજબ, આ વર્ષે રિટેલ બિડ્સનું સરેરાશ પ્રમાણ ઘટીને ક્વોટાના માત્ર 2.32 ગણું જ રહી ગયું છે. જ્યારે 2024માં આ આંકડો 17.59 ગણો અને 2025માં 8.35 ગણો હતો. માર્કેટ નિષ્ણાતોના મતે, રિટેલ રોકાણકારોનું આ રીતે સમજી-વિચારીને રોકાણ કરવું એ ભારતીય શેરબજારની પરિપક્વતાની દર્શાવે છે.
નિષ્ણાતો જણાવે છે કે, રોકાણકારો હવે માત્ર કંપનીની ગુણવત્તા જ નહીં, પરંતુ યોગ્ય વેલ્યુએશન અને લિસ્ટિંગ વખતે મળતાં લાભને પણ પ્રાધાન્ય આપી રહ્યાં છે. ભૂતકાળમાં કેટલાક આઈપીઓમાં નબળું અથવા નકારાત્મક લિસ્ટિંગ રિટર્ન મળ્યા બાદ, રોકાણકારો જોખમ લેતાં પહેલાં પૂરતા "લિસ્ટિંગ આલ્ફા" ની અપેક્ષા રાખી રહ્યાં છે. બજારમાં વિકલ્પો વધારે હોવાથી તેઓ માત્ર મજબૂત બિઝનેસ અને વાજબી ભાવ ધરાવતી કંપનીઓ જ પસંદ કરે છે.
રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે મોટા આઈપીઓ કરતાં નાના કદના ઈશ્યૂમાં રિટેલ રોકાણકારોનો વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, 290 કરોડનો એમવી ઈલેક્ટ્રોસિસ્ટમ્સનો આઈપીઓ 210.59 ગણો, 165 કરોડનો અદવિત જ્વેલ્સ 92.98 ગણો અને 110 કરોડનો શ્રી રામ ટિવેસ્ટેક્સનો ઈશ્યૂ 72.84 ગણો ભરાયો હતો. આ ઉપરાંત ભારત કોકિંગ કોલ, આરડી ઈન્ડસ્ટ્રીઝ અને કેલિબર માઈનિંગમાં પણ રિટેલ સબ્સ્ક્રિપ્શન 40 ગણાથી વધુ રહ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy