નવી દિલ્હી તા, 29
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ સેવા શાખા જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને તેનો આઈપીઓ લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપની આ આઈપીઓ દ્વારા અંદાજે 4 અબજ ડોલર (લગભગ રૂા.37,700 કરોડ) એકઠાં કરવાની આશા રાખી રહી છે.
જે ભારતીય શેરબજારના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો જાહેર આઈપીઓ બની શકે છે. જિયો પ્લેટફોર્મ્સે જૂન મહિનામાં સેબી પાસે ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા હતા, જે અંતર્ગત કંપની 27 કરોડ સુધીનાં નવા ઇક્વિટી શેર બહાર પાડશે. આ આઈપીઓ બાદ ઈશ્યૂ થયેલાં શેર કંપનીની કુલ ઇક્વિટીના અંદાજે 2.9 ટકા જેટલા હશે.
ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ જિયો ચાઇના મોબાઇલ પછી વિશ્વની બીજી સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની છે. આઈપીઓમાંથી મળનારી રકમનો મુખ્ય ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ ઉપરાંત જિયો પ્લેટફોર્મ્સની મુખ્ય સબસિડિયરી કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના જૂના દેવાની સંપૂર્ણ કે આંશિક ચુકવણી માટે કરવામાં આવશે. ટેલિકોમ સેવાઓ ઉપરાંત કંપનીએ ક્લાઉડ, AI અને એન્ટરપ્રાઇઝ નેટવર્ક જેવા ક્ષેત્રોમાં પણ ઝડપથી વિસ્તાર કર્યો છે.
હાલમાં જિયો પ્લેટફોર્મ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 66.43 ટકા હિસ્સેદારી ધરાવે છે, જ્યારે ગ્લોબલ ટેક જાયન્ટ્સ મેટા (9.99 ટકા) અને ગૂગલ (7.73 ટકા) મળીને 17.71 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2020માં મેટા તરફથી રૂા.43,574 કરોડ અને ગૂગલ તરફથી રૂા.33,737 કરોડનું રોકાણ આવ્યું હતું.
આ સિવાય સિલ્વર લેક, કેકેઆર, મુબાડાલા અને ઇન્ટેલ કેપિટલ જેવા વૈશ્વિક રોકાણકારો પાસેથી કંપનીએ રૂા.74,745 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું, જે તેના મજબૂત બિઝનેસ મોડલની સાબિતી આપે છે.
સેબીએ જિયો પ્લેટફોર્મ્સ ઉપરાંત અન્ય ચાર કંપનીઓ-ભારત પેટ લિમિટેડ, સદ્ભાવ ફ્યુચરટેક લિમિટેડ, પારસ હેલ્થકેર લિમિટેડ અને એમકે સંસ ફાઇન જ્વેલ્સ લિમિટેડને પણ આઈપીઓ લાવવાની મંજૂરી આપી દીધી છે.
માર્ચથી જૂન વચ્ચે અરજી કરનારી આ કંપનીઓને 24 થી 28 ઓગસ્ટ દરમિયાન સેબીની અંતિમ મંજૂરી મળી હતી. ભારતમાં અગાઉ આવેલા મોટા આઈપીઓમાં હ્યુન્ડાઈ મોટર (રૂા.27,858 કરોડ), એલઆઈસી (રૂા.20,557 કરોડ) અને પેટીએમ (રૂા.18,300 કરોડ) સામેલ છે, જેને જિયોનો આ નવો ઇશ્યૂ પાછળ છોડી દેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy