ઓગસ્ટમાં 23માંથી 10 આઇપીઓ 100 ગણાથી વધુ છલકાયા

IPO ક્રેઝ : જંગી રોકાણ ઠલવાતા 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

India, Business | 03 September, 2026 | 11:10 AM
સેકન્ડરી માર્કેટમાં અનિશ્ચિતતા વચ્ચે ઇન્વેસ્ટરોનું આઇપીઓમાં વધતુ રોકાણઃ હવે આવનારા દિવસોના મોટા ઇસ્યુઓ પર હવે નજર
સાંજ સમાચાર

મુંબઇ, તા.3
શેરબજાર અનિશ્ચિતતામાં હોવા છતાં પ્રાયમરી માર્કેટ ધમધમી રહ્યું છે અને નવા આઇપીઓમાં ચિક્કાર નાણા ઠલવાય રહ્યા છે. ઓગસ્ટ મહિનાના 23માંથી 10 આઇપીઓમાં 100 ગણા કરતા વધુ ભરણુ થયાનું બહાર આવ્યું છે.

2006 પછી પ્રથમ વખત આટલા જંગી માત્રામાં આઇપીઓમાં ક્રેઝ જોવા મળ્યો છે.બીએસઇ તથા એનએસઇનો આંકડાકીય રીપોર્ટ એવું સુચવે છે કે એક જ મહિનામાં આઇપીઓમાં નાણાંની ટંકશાળ પડવાનો બે દાયકાનો રેકોર્ડ તૂટ્યો છે.

ઓગસ્ટમાં આવેલા 23 પૈકીના હાઇટેક એન્જીનીયર્સનો આઇપીઓ સૌથી વધુ 244.41 ગણો છલકાયો હતો. બીજા ક્રમે ટેમ્પસન ઇન્સ્ટ્રુમેન્ટનો આઇપીઓ 183.53 ગણો ભરાયો હતો. ઇએચડીએસ સોફટવેર સોલ્યુશન્સનો આઇપીઓ 135.88 ગણો ભરાયો હતો.

આ સિવાય આરડી ઇન્ડસ્ટ્રીઝ, લ્યુમીનો ઇન્ડસ્ટ્રીઝ, ઓગમોન્ટ એન્ટરપ્રાઇઝ, બિહારીલાલ એન્જીનીયરીંગ, સનશાઇન પિકચર્સ, શીપરોકેટ, પ્રાયોરીટી જવેલના આઇપીઓ 100 ગણાથી વધુ ભરાયા હતા.

આ ઘટનાક્રમે પ્રાયમરી માર્કેટના અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ પૂર્વે સપ્ટેમ્બર-2024માં સાત આઇપીઓ 100 ગણાથી વધુ છલકાયા હતા. જાન્યુઆરી-2025માં આ સંખ્યા પાંચમી હતી.

ઓગસ્ટ-2026માં આઇપીઓ ક્રેઝ જોવા મળ્યો હતો. 2026ના ચાલુ વર્ષમાં અભ્યાર સુધીમાં 15 આઇપીઓ 100 ગણાથી વધુ ભરાયા છે. જે વાર્ષિક ધોરણે ત્રીજો નંબર આવે છે. ઓગસ્ટ પૂર્વે જુલાઇમાં 3 આઇપીઓ 100 ગણા કે વધુ છલકાયા હતા. જુનમાં આ સંખ્યા બેની હતી. જાન્યુઆરીમાં એક માત્ર ભારત કુકિંગ કોલનો આઇપીઓ 100 ગણાન વધુ છલકાયો હતો.

આઇપીઓ માર્કેટમાં અત્યાર જેવો ટ્રેન્ડ આ પૂર્વે 2024માં જોવા મળ્યો હતો. જ્યારે 91માંથી 23 આઇપીઓ 100 ગણા કે તેથી વધુ છલકાયા હતા. 2021માં 63માંથી 17 અને 2025માં 103માંથી 15 આઇપીઓ 100 ગણાથી વધુ ભરાયા હતા.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 62 આઇપીઓ, મૂડી બજારમાં દાખલ થયા છે. તેમાંથી 10માં ભરણુ 100 ગણાથી વધુ હતું. 9મા 50થી 100 ગણુ, 8માં 10 થી 50 ગણુ અને 30માં 10 ગણા કરતા ઓછાનું ભરણુ થયું હતું.

શેરબાજરમાં છેલ્લા એકાદ મહિનાથી સેકન્ડરી માર્કેટમાં અનિશ્ચિત માહોલ છે. મધ્યપૂર્વના યુધ્ધ, ક્રૂડતેલના ભાવમાં મોટી મુવમેન્ટ સહિતના કારણોથી તેજી-મંદીની અફડાતફડી જોવા મળી રહી છે.

સેન્સેક્સ 77000 તથા નિફટી 24000ની સપાટી કુદાવીને પાછા પડી રહ્યા છે તેવા સમયે પ્રાયમરી માર્કેટમાં આઇપીઓની સુનામી છે. ઇન્વેસ્ટરો સેકન્ડરી માર્કેટમાં અનિશ્ચિતતાના માહોલમાં રોકાણ કરવાના બદલે પ્રાયમરી માર્કેટમાં નાણાં ઠાલવી રહ્યાની છાપ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj