શેરબજારમાં નવી ’CAS’ સિસ્ટમમાં ગેરરીતિનો પ્રથમ કેસ : બે કંપની પર પ્રતિબંધ

India, Business | 20 August, 2026 | 11:25 AM
સેબીનું આકરૂ પગલુ: કારોબાર પર પ્રતિબંધ ઉપરાંત 3.67 કરોડ જપ્ત
સાંજ સમાચાર

નવી દિલ્હી તા, 20 
શેરબજારના નિયામક સેબીએ તાજેતરમાં 3 ઓગસ્ટથી જ લાગું કરાયેલી નવી ’ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) સિસ્ટમ હેઠળ પ્રથમ મોટી અને કડક કાર્યવાહી કરી છે. આ નવી સિસ્ટમમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવા બદલ વિદેશી ફંડ ’કોપથાલ મોરિશિયસ ઇન્વેસ્ટમેન્ટ’ અને ’માનસી શેર એન્ડ સ્ટોક બ્રોકિંગ’ સામે પગલાં લઈને બંનેને બજારમાંથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત, આ બંને સંસ્થાઓ દ્વારા મેળવવામાં આવેલો કુલ રૂ.3.67 કરોડથી વધુનો ગેરકાયદેસર નફો જપ્ત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સેબીની પ્રાથમિક તપાસ મુજબ, આ ગેરરીતિ 13 ઓગસ્ટના રોજ સેન્સેક્સ એક્સપાયરીના દિવસે આચરવામાં આવી હતી. કોપથાલ મોરિશિયસે સેન્સેક્સના શેરોમાં અચાનક મોટી ખરીદીના ઓર્ડર મૂકીને ઇન્ડેક્સના ભાવ કૃત્રિમ રીતે ઊંચા લઈ જઈ રૂ.2.96 કરોડનો ગેરકાયદે લાભ મેળવ્યો હતો. બીજી તરફ, માનસી શેરે પણ અગ્રેસિવ વેચાણના બોગસ ઓર્ડર મૂકી પાછળથી તે રદ કરીને રૂ.71.65 લાખનો અયોગ્ય ફાયદો ઉઠાવ્યો હતો.

આ આદેશ બહાર પાડતાં પહેલાં સેબીના અધ્યક્ષ તુહિન કાંત પાંડેએ બજારનાં તમામ ખેલાડીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી સીએએસ (CAS) સિસ્ટમમાં ગેરરીતિ અને ગોલમાલ પકડવાની સેબીની ક્ષમતા જૂની સિસ્ટમ કરતાં ઘણી વધુ આધુનિક અને મજબૂત છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા નવી સિસ્ટમમાં ચાલાકી કરીને બજારને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે સેબી દ્વારા કોઈપણ વિલંબ વગર તાત્કાલિક અને અત્યંત કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારમાં અગાઉની પદ્ધતિને બદલે શેરોના સાચા બંધ ભાવ (ઈહજ્ઞતશક્ષલ ઙશિભય) નક્કી કરવા માટે 3 ઓગસ્ટથી જ વિશ્વસ્તરે માન્ય એવી નવી ’ક્લોઝિંગ ઓક્શન સેશન’ (CAS) સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ લાગું થયા પછીનાં ટૂંક જ સમયમાં સેબીએ કરેલી આ પહેલી અને સૌથી મોટી કાર્યવાહી છે. સેબીએ આ બંને ગેરરીતિ કરનાર સંસ્થાઓને 21 દિવસની અંદર તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj