માત્ર કસરત પૂરતી નથી, કલાકો સુધી બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

India, Health | 10 July, 2026 | 10:56 AM
નોકરી 8 થી 10 કલાક સુધી ખુરશી પર બેસી રહેવાની હોય, તો સવારનું વર્કઆઉટ કે યોગ પણ શરીર માટે અપૂરતા સાબિત થઈ શકે
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.10
ઘણાં લોકો રોજ સવારે નિયમિત રીતે જીમમાં જતાં હોય છે, ઝડપથી ચાલવા જતાં હોય છે અથવા યોગ કરતાં હોય છે. પરંતુ જો તમારી નોકરી કે કામ એવું હોય જેમાં તમારે સતત 8 થી 10 કલાક સુધી ખુરશી પર જ બેસી રહેવું પડતું હોય, તો માત્ર સવારની એ કસરત તમારા શરીરને રોગોથી બચાવવા માટે પૂરતી નથી.

'પીએલઓએસ મેડિસિન' મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં નવા અભ્યાસ અનુસાર, જે લોકો દરરોજ પૂરતી કસરત કરે છે તેઓ પણ જો દિવસ દરમિયાન લાંબો સમય બેસી રહેતાં હોય, તો તેમનામાં કેન્સર થવાનું અને તેનાથી મૃત્યુ થવાનું જોખમ ઘણું વધી જાય છે.

આ સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ 12 વર્ષ કરતાં વધુ સમય સુધી 91,000 થી વધારે લોકોની દિનચર્યા પર નજર રાખી હતી. સંશોધકોએ શોધી કાઢ્યું કે 30 મિનિટથી વધુ સમય માટે સતત બેસી રહેવાનાં કિસ્સામાં, દરેક વધારાનો 1 કલાક કેન્સરથી થતાં મૃત્યુના જોખમને આશરે 10 ટકા જેટલું વધારી દે છે.

આનાથી વિપરીત, જે લોકોએ બેસી રહેવાનાં સમયને ઘટાડીને તેની જગ્યાએ ચાલવા કે હલનચલન જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરી, તેમનામાં આ જોખમ ઘણું ઓછું જોવા મળ્યું હતું.

દિલ્હી એઈમ્સ હોસ્પિટલનાં કેન્સર વિભાગનાં પ્રોફેસર ડો. અભિષેક શંકરે આ અંગે જણાવ્યું છે કે, "રોજ નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ તેની સાથે-સાથે આખા દિવસ દરમિયાન વચ્ચે-વચ્ચે થોડું ચાલતાં રહેવું પણ એટલું જ અનિવાર્ય છે. કોઈપણ વિરામ વિના લાંબા સમય સુધી એકધારા બેસી રહેવાથી કેન્સર થવાનું જોખમ સીધી રીતે વધી જાય છે."

ડોક્ટરોના જણાવ્યાં મુજબ, લાંબો સમય બેસી રહેવાથી શરીરનાં સ્નાયુઓ કામ કરતાં બંધ થઈ જાય છે, ખોરાક પચવાની ક્રિયા નબળી પડે છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું સંતુલન બગડવું, ઈન્ફ્લામેશન, વજન વધવું તેમજ હોર્મોન્સમાં ફેરફાર થવા જેવી સમસ્યાઓ થાય છે.

આ બધી ખરાબ અસરોના કારણે આંતરડાનું કેન્સર, બે્રસ્ટ કેન્સર અને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ વધી શકે છે. સંશોધકોએ ઉમેર્યું કે સ્માર્ટ વોચ જેવા ફિટનેસ ડિવાઇસના ડેટાના આધારે આ વાત સાબિત થઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj