શેરબજારમાં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

India, Business | 01 September, 2026 | 10:52 AM
પ્રમોટર્સ અને પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટરોએ ઊંચા મૂલ્યાંકનનો લાભ લઈને હિસ્સો વેચ્યો ; મ્યુચ્યુઅલ ફંડ્સ અને વિદેશી સંસ્થાઓએ મોટા પાયે ખરીદી કરી
સાંજ સમાચાર

નવી દિલ્હી તા, 1
ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારમાં મોટા પાયે 'બ્લોક અને બલ્ક ડીલ્સ' જોવા મળી છે. ઓગસ્ટ દરમિયાન રૂા.80,000 કરોડથી વધુ મૂલ્યના શેરનું ખરીદ-વેચાણ થયું હતું, જે જૂન 2025 પછીનો સૌથી મોટો આંકડો છે.

મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં તાજેતરમાં આવેલા ઉછાળા અને મજબૂત વલણને કારણે પ્રમોટર્સ અને પ્રાઇવેટ ઇક્વિટી (PE) રોકાણકારો માટે પોતાનો હિસ્સો વેચીને નફો રળવાની ઉત્તમ તક ઊભી થઈ હતી.

આ મોટા સોદાઓ દ્વારા બજારમાં આવેલાં શેરના જંગી પુરવઠાને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, પેન્શન ફંડ્સ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ઝડપથી ખરીદી લેવામાં આવ્યો હતો.

સરખામણી કરીએ તો જૂલાઈ મહિનામાં આવા સોદાઓનું કુલ મૂલ્ય લગભગ રૂા.48,500 કરોડ હતું, જેની સામે ઓગસ્ટમાં આ પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ઓગસ્ટના મુખ્ય સોદાઓમાં સેન્ટેલા મોરિશિયસ હોલ્ડિંગ્સે એસ્ટર ડીએમ ક્વાલિટી કેરમાં રૂા. 4,451 કરોડમાં 6.67 ટકા હિસ્સો વેચ્યો હતો.

આ ઉપરાંત, પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માની કંપનીએ રૂા.2,949 કરોડમાં 3 ટકા હિસ્સો વેચ્યો છે. સોફ્ટબેન્કે લેન્સકાર્ટમાં રૂા.2,888 કરોડનાં શેર વેચ્યાં હતાં, જ્યારે એવન્યુ સુપરમાર્ટ્સ (DMart)માં પણ રૂા.2,537 કરોડનો હિસ્સો વેચાયો હતો.

મીશો, ફિઝિક્સવાલા અને રૂબિકોન રિસર્ચ જેવી અન્ય કંપનીઓમાં પણ મોટા સોદા થયા હતા. બજાર નિષ્ણાતોના જણાવ્યાં મુજબ, સ્મોલ-કેપ અને મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણકારોનો સતત નાણાપ્રવાહ આવી રહ્યો છે. ફંડ હાઉસીસ પાસે રહેલી આ જંગી મૂડીનો ઉપયોગ તેઓ બ્લોક ડીલ્સ દ્વારા પસંદગીના શેરો એકઠા કરવા માટે કરી રહ્યાં છે.

આનાથી ફંડ્સને સારા શેરો મળે છે અને સામે પક્ષે પ્રમોટર્સ કે ઙઊ રોકાણકારોને બહાર નીકળવાની સરળ તક મળે છે. વર્ષ 2026ના આંકડાઓ પર નજર કરીએ તો, મે થી ઓગસ્ટ વચ્ચે કુલ રૂા.2.51 લાખ કરોડનાં બ્લોક અને બલ્ક ડીલ્સ નોંધાયા છે, જે જાન્યુઆરી થી એપ્રિલ વચ્ચે થયેલાં રૂા.1.25 લાખ કરોડ કરતાં બમણાથી પણ વધુ છે.

ચાલું વર્ષે અત્યાર સુધીમાં કુલ રૂા.3.77 લાખ કરોડનાં 9,754 સોદા થઈ ચૂક્યાં છે. સામાન્ય રીતે જ્યારે બજારમાં લિક્વિડિટી મજબૂત હોય અને શેરોના ભાવ ઊંચા સ્તરે હોય ત્યારે શેરના ભાવમાં મોટો ઘટાડો લાવ્યા વિના આવા સોદા સરળતાથી પાર પડે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj