સુરતની શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ : 6ઠ્ઠો ફ્લોર ખાખ, કરોડોના નુકસાનની ભીતિ

Gujarat | Surat | 09 September, 2026 | 11:13 AM
♦ મધ્યરાત્રિએ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; ફાયર બ્રિગેડ દ્વારા `મેજર કોલ' જાહેર કરી 15થી વધુ ગાડીઓ દ્વારા સતત કામગીરી
સાંજ સમાચાર

♦ માર્કેટમાં પાવર સપ્લાય બંધ થતાં અને પાણી ખુટતા આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી

સુરત, 
સુરતના સરોલી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના પાંચમા અને છઠ્ઠા ફ્લોર પર લાગેલી આ આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આખેઆખો છઠ્ઠો ફ્લોર આગની ઝપેટમાં આવી ગયો હતો. 

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' તેમજ 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે માર્કેટમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. સદનસીબે આટલી મોટી દુર્ઘટના હોવા છતાં હાલ સુધી કોઈ જાનહાનિના વાવડ મળ્યા નથી, જે મોટી રાહતની વાત છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિએ આશરે 12ઃ52 વાગ્યે સાંઈ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગ્યાનો ઈમરજન્સી કોલ કંટ્રોલ રૂમને મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નજીકના 13 ફાયર સ્ટેશનોમાંથી 15થી વધુ ફાયર ફાઈટરો અને ટેન્ડરોનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચ્યા ત્યારે ઉપરના માળેથી ધુમાડાના ભારે ગોટા નીકળી રહ્યા હતા.  કાપડનો મોટો જથ્થો અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના લીધે આગ ખુબ ઝડપથી પ્રસરી રહી હતી.

7 કલાકની વિષમ કામગીરી અને પાણીની સમસ્યા
અંદાજે 7 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આગ સંપૂર્ણ કાબુમાં આવી નથી. મોડી રાત્રિથી જ સમગ્ર માર્કેટનો પાવર સપ્લાય સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો હોવાથી અંદર પાણીની વ્યવસ્થાનો અભાવ સર્જાયો હતો. આ પરિસિ્થતિને કારણે આગ ઓલવવાની કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો છે.

હાલમાં ફાયર વિભાગની ટીમો બહારથી વોટર ટેન્કરો અને બ્રાઉઝરોની મદદથી સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં અંદાજે 250થી પણ વધુ કાપડની દુકાનો આવેલી છે.

માર્કેટના ઉપરના ફ્લોર પર મોટા પ્રમાણમાં કાપડનો સ્ટોક હોવાથી તે આગમાં બળીને ખાખ થઈ ગયો છે. આ ભયાનક આગના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ટેક્સટાઈલ વેપારીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યા બાદ જ નુકસાનીનો સાચો આંકડો સામે આવી શકશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj