ફકત અસમાન વરસાદના આધારે દુષ્કાળ જાહેર કરી શકાય નહી

રાજયમાં દુષ્કાળ જાહેર કરવા અંગે ઓકટોબર બાદ નિર્ણય

Gujarat | Rajkot | 11 September, 2026 | 03:51 PM
કેન્દ્ર સરકારના દુષ્કાળ નિશ્ચિત કરવા અંગેના માપદંડના આધારે બે માસમાં વિચારણા થશે : રાજય સરકાર
સાંજ સમાચાર

રાજકોટ
ગુજરાતમાં આ વર્ષે અનિયમીત વરસાદ તથા દક્ષિણ ગુજરાત સિવાયના રાજયના વિસ્તારોમાં વરસાદની ઉંચી ખાધ સંદર્ભમાં રાજયમાં દુષ્કાળની સ્થિતિ જાહેર કરવામાં સરકારે ઓકટોબર માસ સુધી રાહ જોયા બાદ નિર્ણય લેવાશે તેવું જાહેર કર્યુ હતું.

આજે કોંગ્રેસના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીનો નિયમ 116 હેઠળની જાહેર અગત્યની બાબતોમાં આ મુદે સરકારને પુછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે કેન્દ્ર સરકારના ડ્રોટ મેનેજમેન્ટ મેન્યુઅલ 2016ની જોગવાઈઓ મુજબ માત્ર વરસાદની અસમાનતા કે વરસાદના વિચલનના આધારે જ સીધો દુષ્કાળ જાહેર કરી શકાય નહી.

વરસાદ વાવેતર વિસ્તાર, માટીનો ભેજ, ભુગર્ભ જળસ્તર જેવા સૂચક આંકો પુર્ણ થયા બાદ ખરીફ ઋતુના અંતે લણણી પહેલા (31 ઓકટોબર સુધીમાં) અસરગ્રસ્ત ગામોમાં જીપીએસ, સ્માર્ટફોન એપથી ભૌતિક ચકાસણી હાથ ધરવાની હોય છે.

જેમાં પાક નુકશાનીની માત્રાના આધારે દુષ્કાળ અંગેનો નિર્ણય લેવામાં આવે છે. આમ દુષ્કાળ જાહેર કરવાથી રાજય સરકાર દ્વારા હાથ ધરવાના થતા પગલાઓ જેમકે ઘાસચારાનું રાહતદરે વિતરણ, પીવા અને સિંચાઈના પાણીની સુવિધા, વિજળીની પુરતી ઉપલબ્ધતા જેવા મુદાઓની ચિંતા કરીને અગાઉથી જ કામગીરી કરવામાં આવી રહી છે છતાં પરીસ્થિતિને અનુરૂપ રાજયની જનતાના હીતમાં સરકાર નિર્ણય લેશે.

આ ઉપરાંત સરકારે વધુ માહિતીમાં જણાવ્યું કે રાજયમાં 3 સપ્ટેમ્બરની સ્થિતિએ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 75.43 ટકા નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 103.91 ટકા જેટલો વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદમાં અસમાનતા રહી છે.

દેવભૂમિ દ્વારકામાં 6.41 ટકા, પોરબંદરમાં 18.21 ટકા, જામનગરમાં 28.88 ટકા અને કચ્છમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે. આ જ રીતે રાજયમાં મોસમનું 94.24 ટકા વાવેતર થયું છે. મુખ્ય પાકોમાં મગફળીનું વાવેતર 107.99 ટકા, કઠોળનું 107.17 ટકા, સોયાબીનનું 104.04 ટકા, ડાંગરનું 101.45 ટકા અને કપાસનું 90.07 ટકા વાવેતર થયું છે.

જેમણે વધુમાં કહ્યું કે નર્મદા ડેમમાં 88.90 ટકા પાણી ઉપલબ્ધ છે. જયારે રાજયના અન્ય 206 જળાશયોમાં 66.07 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા બેસીનમાંથી પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને નર્મદા કમાન્ડ વિસ્તારના 17.38 લાખ હેકટરમાં ખરિફ પાક માટે સિંચાઈના પાણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સૌની યોજના તથા સુફલામ સુજલામ યોજના મારફત પીવાના અને સિંચાઈના પાણીનું વિતરણ ચાલુ છે. ઉભા પાકને બચાવવા જરૂરિયાત મુજબના જિલ્લાઓમાં આઠ ને બદલે 10 ટકા વિજળી પણ આપવામાં આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj