ગાંધીનગર, તા.11
ગુજરાત સરકારે દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ બજાવતા જવાનો અને તેમના પરિવારોના સન્માનમાં મહત્વનો અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે `ગુજરાત ગ્રામ અને નગર પંચાયતો કર અને ફી નિયમો, 1964'માં સુધારો કરીને ફરજ બજાવતા સંરક્ષણ દળોના વર્તમાન જવાનો, તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદ જવાનોની વિધવાઓના પોતાના રહેણાંક મકાનને `પંચાયત કર'માંથી મુક્તિ આપવાની જોગવાઈ કરી છે.
મુખ્યમંત્રીના નેતૃત્વ અને પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્ય કક્ષા મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા આ નિર્ણયથી ગુજરાત રાજ્યની હદમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં સંબંધિત લાભાર્થીની માલિકીની અથવા તેના દ્વારા ઉપયોગમાં લેવાતી માત્ર એક મિલકતને કરમુક્તિનો લાભ મળશે. આ જોગવાઈ ફરજ બજાવતા સંરક્ષણ દળોના કર્મચારીઓ તેમજ તેમના જીવનસાથી, ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોની વિધવાઓને લાગુ પડશે.
આ નિર્ણય જવાનો અને તેમના પરિવારોને સીધી આર્થિક રાહત આપવાની સાથે તેમના રાષ્ટ્રસેવા અને બલિદાન પ્રત્યે રાજ્ય સરકારના સન્માનની ભાવનાને પણ વ્યક્ત કરે છે. દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા જવાનોના પોતાના ઘર પર પંચાયત કરનો બોજ હળવો કરવો એ સૈનિક કલ્યાણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
ખાસ કરીને શહીદોની વિધવાઓ માટે કરવામાં આવેલી આ જોગવાઈ સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનના પરિવારને પોતાના રહેણાંક મકાન માટે કરમુક્તિ આપીને રાજ્ય સરકારે શહીદ પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy