નેપાળમાં હજુ 30 ગુજરાતી લાપતા : પરિવારોના DNA સેમ્પલ લેવાયા

Gujarat | Ahmedabad | 10 September, 2026 | 04:56 PM
ડી.એન.એ. પ્રોફાઇલ માટે ગુજરાતમાં 10 ફોેરેન્સીક લેબોરેટરીને જવાબદારી : ન્યુઝીલેન્ડ, યુ.એસ.એ., કેનેડા અને આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનો માટે પણ પ્રક્રિયા હાથ ધરાઇ
સાંજ સમાચાર

ગાંધીનગર, તા.10
નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં ગૂમ થયેલા ગુજરાતનાં વતનીઓ અને બિન-નિવાસી ગુજરાતીઓ (NRG)ને શોધવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલી ડીએનએ (DNA) સેમ્પલ એકત્રિત કરવાની કામગિરી પુરી થવા આવી છે. 

લેટેસ્ટ માહિતી પ્રમાણે, કુલ 30 લોકો નેપાળમાં પૂર પછી સંપર્ક વિહોણા છે. આ 30 લોકોમાંથી 29નાં પરિવારજનોના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારે પૂર્ણ કરી છે. બાકી રહેલા એક કેસમાં પણ પ્રક્રિયા ચાલી રહી છે.

એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અચાનક આવેલા વિનાશક પૂરમાં મૃત્યુ પામેલા લોકોના મળી આવેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરી શકાય. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ નેપાળ પૂરમાં ગુમ થયેલા ગુજરાતનાં વતનીઓ તેમજ વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની પડખે ઉભી છે અને તેમના પરિવારજનો અને સગાસંબંધીઓને જરૂરી તમામ સહાય અને સહકાર મળી રહે તે સુનિશ્ચિત કર્યું છે.

સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) દ્વારા DNA સેમ્પલ એકત્ર કરવાની સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ ગુમ થયેલા લોકોની ઓળખ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં પરિવારોને માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છે.

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, ગુમ થયેલા લોકોના નજીકનાં (પ્રથમ-સ્તરનાં) પરિવારજનોના DNA સેમ્પલ એકત્રિત કરવા અને DNA પ્રોફાઇલિંગ માટે દેશભરમાં નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરીઓની ઓળખ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ અનુસાર, આ હેતુ માટે દેશભરમાં નિયુક્ત કરવામાં આવેલી તમામ લેબોરેટરીઓ DNA પ્રોફાઇલિંગની સેવા નિ:શુલ્ક આપશે. ગુજરાતમાં આવી છ નિયુક્ત લેબોરેટરીઓ આવેલી હોવાથી રાજ્યના પરિવારોને અધિકૃત સુવિધાઓનો લાભ મળી રહ્યો છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર, વિદેશ મંત્રાલય (MEA) સાથે સંકલનમાં રહીને ભારતમાં એકત્ર કરવામાં આવેલા DNA સેમ્પલના પ્રોફાઇલિંગ તથા નેપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા સાથે તેના સંકલન અંગેની કામગીરી કરી રહી છે.

ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા તથા આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનોના કિસ્સામાં NRGF સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલ તથા ઓળખ પ્રક્રિયાની સ્થિતિ અંગે માહિતી મેળવી રહ્યું છે.

આવા અનેક કિસ્સાઓમાં વિદેશમાં રહેતા પરિવારજનોના DNA સેમ્પલ સંબંધિત દેશોના સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પહેલેથી જ એકત્રિત કરવામાં આવ્યા છે. NRGF પરિવારો સાથે સતત સંપર્કમાં રહીને નેપાળમાં ઓળખ પ્રક્રિયા માટે જરૂરી માહિતીના સંકલનની કામગીરી કરી રહ્યું છે.

એકત્રિત કરવામાં આવેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ ખાતે આવેલી નિયુક્ત લેબોરેટરીઓ મારફતે કરવામાં આવી રહ્યું છે. વિદેશમાં રહેતા પરિવારજનોના સેમ્પલ તેમના સંબંધિત દેશોના સત્તાવાળાઓના સંકલનથી એકત્રિત કરવામાં આવ્યા છે.

DNA  પ્રોફાઇલિંગના અહેવાલો સંબંધિત લેબોરેટરીઓ દ્વારા નેપાળ સરકાર દ્વારા આ હેતુ માટે જાહેર કરવામાં આવેલા સત્તાવાર ઇમેઇલ સરનામાં અને સંપર્ક નંબરો મારફતે સીધા નેપાળ સરકારને મોકલવામાં આવી રહ્યા છે.

પૂર બાદ ગુમ થયેલા અથવા સંપર્કવિહોણા થયેલા રાજ્યના લોકો તથા વિદેશમાં રહેતા ગુજરાતીઓને શોધવા માટે ગુજરાત સરકાર ભારત સરકાર અને નેપાળમાં કાર્યરત કોન્સ્યુલર સત્તાવાળાઓ સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj