શાળાઓનું ઓનલાઈન રિપોર્ટ કાર્ડ તૈયાર થશે

શ્રેષ્ઠ સ્કૂલની પસંદગી માટે એક ક્લિકે થશે સરખામણી, વિદ્યાર્થીઓની પ્રગતિ પર પણ રહેશે નજર

Gujarat | Ahmedabad | 24 August, 2026 | 11:13 AM
રાજ્યની 54 હજારથી વધુ શાળાઓનું એકસમાન માળખા હેઠળ મૂલ્યાંકન થશે; CISCE નો નવો ડિજિટલ પ્રોજેક્ટ બાળકોની ભણતરની ક્ષમતા સુધારશે
સાંજ સમાચાર

અમદાવાદ તા, 24  
ગુજરાતમાં પોતાનાં બાળકો માટે શ્રેષ્ઠ શાળા પસંદ કરવા માંગતાં વાલીઓ માટે હવે કામ ઘણું સરળ બનવા જઈ રહ્યું છે. શિક્ષણ વિભાગ ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં રાજ્યની 54,000થી વધુ શાળાઓનાં ઓનલાઈન રિપોર્ટ કાર્ડ જાહેર કરવા જઈ રહ્યું છે. આ વ્યવસ્થાથી વાલીઓ માત્ર એક ક્લિક કરીને વિવિધ શાળાઓનાં શિક્ષણનું સ્તર, સુવિધાઓ અને પ્રવૃત્તિઓની સીધી સરખામણી કરી શકશે. 

ચાલુ શૈક્ષણિક વર્ષથી તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટ-ઈન-એઈડ) અને ખાનગી શાળાઓનું મૂલ્યાંકન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ને અનુરૂપ `સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક' (SQAAF) હેઠળ કરવામાં આવી રહ્યું છે. આમાં ગુજરાત બોર્ડ, CBSE, ICSE, કેમ્બ્રિજ કે IB સહિત તમામ બોર્ડની શાળાઓ માટે એકસરખા નિયમો લાગુ પડશે અને કોઈ પણ શાળા આ મૂલ્યાંકન પ્રક્રિયામાંથી બહાર રહી શકશે નહીં.

આ સુધારાની સાથે જ `કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ' (CISCE) એ વિદ્યાર્થીઓની ભણવાની ક્ષમતા અને પ્રગતિ પર સતત નજર રાખવા માટે `SHINE 2026' (સ્ટુડન્ટ હોલિસ્ટિક ઇનસાઇટ એન્ડ નર્ચરિંગ ઇવેલ્યુએશન) નામનો નવો ડિજિટલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ નવી પહેલનો મુખ્ય હેતુ વર્ષના અંતે લેવાતી પરંપરાગત પરીક્ષાઓના બોજમાંથી બહાર નીકળીને બાળકો ભણતરમાં ક્યાં અટકે છે અને તેમને ક્યાં મદદની જરૂર છે તે ચોક્કસપણે સમજવાનો છે. માત્ર માર્ક્સ આપવાને બદલે બાળકનું ભણતર કેવી રીતે સુધારી શકાય તે દિશામાં આ સિસ્ટમ કાર્ય કરશે.

`SHINE 2026' હેઠળ હાલમાં ધોરણ 4, 6 અને 9 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અનુક્રમે ધોરણ 3, 5 અને 8 ની શીખવાની ક્ષમતાના આધારે કરવામાં આવશે. આ પ્રક્રિયાને રસપ્રદ બનાવવા માટે ધોરણ 4 ના બાળકો માટે રમતો પર આધારિત (ગેમ-બેઝ્ડ) એસેસમેન્ટ રાખવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ ડિજિટલ માધ્યમથી પરીક્ષણ આપશે.

આ અગાઉ હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટમાં 273 શાળાઓના લગભગ એક લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં બાળકોની વિષય સમજ, તાર્કિક ક્ષમતા અને સામાજિક-લાગણીશીલ વિકાસ ચકાસવામાં આવ્યો હતો.

મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ શાળા અને દરેક વિદ્યાર્થીના સ્તરે અલગથી વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે શિક્ષકોને ખબર પડી શકશે કે કયા ક્ષેત્રમાં બાળકની પકડ મજબૂત છે અને ક્યાં વધારાના માર્ગદર્શન કે વર્ગખંડમાં સુધારાની જરૂર છે.

CISCE ના ચીફ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી ડૉ. જોસેફ ઇમેન્યુઅલના જણાવ્યા મુજબ, આ પહેલનો હેતુ પરીક્ષા પદ્ધતિને વધુ અર્થપૂર્ણ અને ઉપયોગી બનાવવાનો છે. યોગ્ય સમયે સાચી માહિતી મળવાથી શિક્ષકો વધુ સારું આયોજન કરી શકશે અને વિદ્યાર્થીઓને સમયસર જરૂરી સહયોગ મળી રહેશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj