ત્રિપુરાસુર વધની કથા

10 September, 2026 12:04 PM

શિવ મહાપુરાણમાં ભગવાન શિવના અનેક પરાક્રમ અને ભક્તવત્સલ સ્વરૂપની કથાઓ આવે છે, તેમાં ત્રિપુરાસુરનો વધ અત્યંત પ્રસિદ્ધ છે. આ કથા અહંકાર, અધર્મ અને અસત્ય ઉપર ધર્મ તથા જ્ઞાનના વિજયનો સંદેશ આપે છે.

ત્રણ શક્તિશાળી અસુર ભાઈઓ હતા તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીએ ભગવાન બ્રહ્માજીની કઠોર તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવાનું કહ્યું. અસુરોએ એવી માંગણી કરી કે તેમના માટે ત્રણ અતિશય શક્તિશાળી નગરો બનાવવામાં આવે અને તેમને હરાવવું અત્યંત મુશ્કેલ બને. મયાસુરે તેમના માટે ત્રણ અદભુત નગરો બનાવ્યાં.

આ ત્રણ નગરોને કારણે તેઓ ત્રિપુરાસુર તરીકે પ્રસિદ્ધ થયા. ત્રણ નગરો અલગ-અલગ સ્થાનોમાં સ્થાપિત થયા હતા. તેઓ અતિશય શક્તિશાળી અને રક્ષણથી સજ્જ હતા. શરૂઆતમાં તેઓ તપસ્યા અને શક્તિનો ઉપયોગ કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકાર અને અધર્મ વધ્યો. તેમણે દેવો તથા ઋષિઓને પણ પરેશાન કરવાનું શરૂ કર્યું. દેવતાઓ ભગવાન શિવના શરણમાં ગયા. દેવોએ મહાદેવને વિનંતી કરી: હે મહાદેવ! ત્રિપુરાસુરના અત્યાચારથી સૃષ્ટિ વ્યથિત થઈ છે. આપ જ અમારું રક્ષણ કરો. ભગવાન શિવે દેવોને આશ્વાસન આપ્યું.

ત્રિપુરાસુરનો અંત કરવા માટે એક વિશાળ દિવ્ય રથની રચના કરવામાં આવી. કથાની પરંપરામાં પૃથ્વી રથ, સૂર્ય અને ચંદ્ર તેના ચક્ર, મેરૂ પર્વત ધનુષ અને વાસુકિ નાગ તેની પણછ બન્યા હોવાનું વર્ણન મળે છે. દેવતાઓ અને સમગ્ર દિવ્ય શક્તિઓએ ભગવાન શિવની સહાય કરી.

ત્રણેય નગરો વિશેષ સમય અને સ્થિતિમાં એક સીધી રેખામાં આવવાના હતા એ ક્ષણની રાહ જોવામાં આવી. યોગ્ય સમય આવ્યો. ભગવાન શિવે મેરુધનુષ પર દિવ્ય બાણ ચઢાવ્યું. જ્યારે ત્રણેય પુર એક જ રેખામાં આવ્યા, ત્યારે મહાદેવે એક જ બાણ છોડ્યું. દિવ્ય અગ્નિ પ્રગટ થઈ અને ત્રણે પુરનો વિનાશ થયો.

આથી ભગવાન શિવનું એક પ્રસિદ્ધ નામ થયું ’ત્રિપુરાંતક - ત્રિપુરનો અંત કરનાર.’ દેવતાઓએ મહાદેવની સ્તુતિ કરી અને સમગ્ર સૃષ્ટિમાં ફરી શાંતિ સ્થાપિત થઈ. ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો.  ભગવાન શિવનું ત્રિપુરાંતક સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન, ભક્તિ અને સદાચારથી આ આંતરિક અંધકારનો નાશ કરી શકાય છે. 
- સ્વામી સદાનંદ : ગાદીપતિ : 
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj