દેવતાઓ પર એક વખત ભયંકર સંકટ આવ્યું. તારકાસુર નામનો અસુર પોતાના તપોબળથી શક્તિશાળી બન્યો હતો. તેને વરદાન મળ્યું હતું કે તેનો વધ માત્ર ભગવાન શિવના પુત્ર દ્વારા જ થઈ શકે પરંતુ તે સમયે ભગવાન શિવ ગહન તપમાં લીન હતા. દેવતાઓએ વિચાર્યું કે શિવજી અને પાર્વતીજીનું મિલન થાય અને તેમના પુત્રનો જન્મ થાય તો જ તારકાસુરનો અંત શક્ય બનશે.
બીજી બાજુ હિમાલયની પુત્રી પાર્વતીજી ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે અત્યંત કઠોર તપ કરી રહ્યાં હતાં. પાર્વતીજીની ભક્તિ અડગ હતી પરંતુ ભગવાન શિવ ધ્યાનમાં સંપૂર્ણપણે લીન હતા.
દેવતાઓએ ભગવાન શિવનું ધ્યાન ભંગ કરાવવા માટે કામદેવને મોકલ્યા. કામદેવ પોતાના હાથમાં પુષ્પબાણવાળું ધનુષ લઈને શિવજી પાસે પહોંચ્યા. વસંત ઋતુનું સુંદર વાતાવરણ સર્જાયું. વૃક્ષો પર ફૂલો ખીલ્યાં, સુગંધિત પવન વહેવા લાગ્યો અને સમગ્ર વાતાવરણ મનોહર બની ગયું. કામદેવે યોગ્ય સમય જોઈને ભગવાન શિવ તરફ પોતાનું પુષ્પબાણ છોડ્યું.
ક્ષણભર માટે ભગવાન શિવનું ધ્યાન ભંગ થયું. તેમણે આંખો ખોલી અને સામે કામદેવને જોયા પરંતુ શિવજી સમજી ગયા કે તેમના ધ્યાનમાં વિક્ષેપ લાવવાનો પ્રયાસ થયો છે. પરિણામે ભગવાન શિવના મસ્તક પરનું ત્રીજું નેત્ર ખુલ્યું, તેમાંથી પ્રચંડ દિવ્ય અગ્નિ પ્રગટ થયો. આ અગ્નિના તેજથી કામદેવ દેહરહિત થઈ ગયા. આ પ્રસંગને કામદેવ દહન કહેવામાં આવે છે.
પછી દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને કામદેવની પત્ની રતિએ પણ પ્રાર્થના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો કે કામદેવ હવે અનંગ-દેહરહિત સ્વરૂપે જગતમાં કાર્ય કરશે. અહીં કામનું દહન એટલે ઇચ્છાઓનો સંપૂર્ણ નાશ નહીં, પરંતુ ઇચ્છાઓ પર વિવેક અને આત્મસંયમની સ્થાપના એવો આધ્યાત્મિક અર્થ પણ લેવામાં આવે છે.
- સ્વામી સદાનંદ : ગાદીપતિ :
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy