> 2027ની ઉત્તરપ્રદેશની ધારાસભા ચૂંટણી એ ર0ર9નો મુડ પણ નકકી કરશે એટલું જ નહીં લોકસભા ચૂંટણી પૂર્વે અનેક રાજયોની ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે અને તેથી જ ઉતરપ્રદેશમાં હેટ્રીક એ ભાજપ માટે સૌથી મહત્વનું બની ગયું છે અને તે સમયે જન્માષ્ટમીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કૃષ્ણ જન્મભૂમિ પરિસરને પણ કાશી અને અયોધ્યાની જેમ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વની સાથે આધ્યાત્મિક પર્યટનને મજબુત બનાવશે તેવી જાહેરાત કરીને સંકેત આપી દીધો છે કે ચૂંટણી હવે મથુરાની ભૂમિ પર લડાશે
> વિપક્ષ અને ખાસ કરીને સમાજવાદી પક્ષ માટે આ જબરો ફંદો તૈયાર થઇ ગયો છે, વિરોધ કરે તો પણ મુશ્કેલી અને સાથે આવે તો પણ મુશ્કેલી, વૃંદાવન અને વ્રજ ક્ષેત્ર એ સપાની રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે અને અહીં ધારાસભા ચૂંટણીમાં પણ તબકકાવાર તેની બેઠકો વધી છે લોકસભામાં પણ જબરો અપસેટ સજર્યો છે પણ યોગીએ બાજી પલ્ટવા માટે તૈયારી કરી લીધી છે, તા.6 ડિસેમ્બર પણ અયોધ્યાની જેમ મથુરામાં પણ મહત્વનો બની જશે અને આ રાજકારણ ઉત્તરપ્રદેશ જ નહીં પુરા દેશમાં સંદેશ આપશે
> ભારતમાં મોગલ શાસન દરમ્યાન મંદિરો તોડીને મસ્જિદો બનાવાઇ હતી અથવા તો મંદિરોની જમીન પર કબ્જો કરાયો હતો તેવા અનેક મંદિરો મોજુદ છે અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ તેમાં પુરાવા મેળવ્યા છે, અયોધ્યાનો વિવાદ પણ સુપ્રીમ કોર્ટે ફકત જમીનનો વિવાદ નથી પણ આસ્થાનો પ્રશ્ર્ન છે તેવું સ્ટેન્ડ લીધુ હતું અને મથુરામાં પણ તે જ ભૂમિ પર હવે સુપ્રીમથી લઇ અલ્હાબાદ હાઇકોર્ટમાં કાનુની મુકદમા ચાલે છે તે પૂર્વે રાજકીય ભૂમિ પર કૃષ્ણ જન્મભૂમિ આવી ગઇ છે
મથુરા પર જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઇન્તેજારી હતી અને તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી વર્ષે યોજાનાર રાજયની ધારાસભા ચૂંટણીમાં ખાસ કરીને પશ્ચિમી ઉતરપ્રદેશના રાજકારણમાં હવે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા મહત્વની હશે તે નિશ્ચિત કરી દીધુ છે તેઓએ વૃંદાવનના મંચ પરથી સનાતન અને મંદિરોની વાત કરી શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં આસ્થા અને સંસ્કૃતિક પુન: જાગરણનો સંદેશો આપ્યો અને હાલ ઉત્તરપ્રદેશમાં બહુચર્ચિત ચવન્ની પ્રસંગની સાથે તેમના ભાષણોમાં ર0ર7ની ચૂંટણીની સ્ક્રીપ્ટ પણ લખી નાંખી તે સંકેત મળી ગયો છે.
તા. 3ના રોજ મુખ્યમંત્રીએ વૃંદાવનમાં ગીતા શોધ સંસ્થાન અને રાસ લીલા એકેડેમીમાં અનેક યોજનાઓના લોકાર્પણ અને પુન: શિલાન્યાસ કર્યા પરંતુ તે સમયે તેઓએ જે વિધાનો કર્યા તે સૌથી મહત્વના બની ગયા છે અને તેનાથી આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં હવે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પુન: સ્થાપના સાથે ભાજપે જે રીતે પોતાનો એજન્ડા નિશ્ચિત કરી લીધો હતો તે જ હવે ઉતરપ્રદેશમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિનું રાજકારણ આગામી સમયમાં છવાઇ જશે તો આશ્ચર્ય થશે.
નહીં અને ખાસ કરીને સમાજવાદી પક્ષની આ રાજકીય ભૂમિમાં હવે અખિલેશ યાદવ માટે બોલે તો પણ ફસાઇ અને ચૂપ રહે તો પણ ફસાઇ તેવી પરિસ્થિતિ નિશ્ચિત કરી લીધી છે. અયોધ્યામાં રામ મંદિર બાદ મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદનો વિવાદ અત્યંત જુનો છે અને તેના માટે હવે આગામી તા.6 ડિસેમ્બરથી હિન્દુઓનું એક સંગઠન અયોધ્યાની જેમ કૃષ્ણ જન્મભૂમિની મુકિત માટે આંદોલન કરવા જઇ રહ્યું છે.
યોગી આદિત્યનાથે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લીધુ સાથોસાથ બાબર અને ઔરંગઝેબનો ઉલ્લેખ કર્યો અને વિપક્ષ પર તીવ્ર નિશાન ટાંકતા કહ્યૂં કે જેમની આસ્થા બાબર અને ઔરંગઝેબમાં હોય તો શું તમારી આસ્થાનું સન્માન કરશે. સંદેશ સાફ છે રામ પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ, અયોધ્યા બાદ મથુરા અને કોની આસ્થા કેટલી આ મુદ્દો આગામી સમયમાં ચગશે તે નિશ્ચિત છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ અદાલતમાં છે જે હવે રાજકીય મેદાનોમાં આવી રહ્યો છે, વિવાદ રામ જન્મભૂમિની માફક જ જમીનની માલિકીનો છે અહીં 13.37 એકરમાં 11 એકર જમીનમાં ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થાન અને ર.37 એકરમાં શાહી ઇદગાહ મસ્જિદ બની છે ભારતનું આઝાદી પૂર્વે અને ખાસ કરીને મોગલો શાસનનો એ બહુ જાણીતો ઇતિહાસ છે કે વિખ્યાત હિન્દુ મંદિરોનો ધ્વંસ કરીને અથવા તેની જમીનો પર મસ્જિદોનું નિર્માણ થયું છે આ પ્રકારે આર્કિયોલોજીલ સર્વે ઓફ ઇન્ડિયાએ અનેક એવા સ્થાનો ખાસ કરીને ઉતરપ્રદેશમાં શોધી કાઢયા છે કે જયાં હિન્દુ મંદિરો કે આસ્થાનું સ્થાન હોય તેના પુરાવા પણ મળ્યા છે. હિન્દુ પક્ષનો દાવો છે કે મથુરામાં જે ઇદગાહ મસ્જિદ બની છે તે મંદિરની જમીન છે.
બીજી તરફ મુસ્લિમ પક્ષ 1968ના સમજોતા અને પ્લેસેઝ ઓફ વર્સીપ એકટનો હવાલો છે અને અહીં વિવાદ કોર્ટમાં છે. વાસ્તવમાં 1670માં જ ઔરંગઝેબના આદેશથી મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મરાઠા સહિતના શાસનમાં અનેક મંદિરોનું પુન: નિર્માણ પણ થયું તે ઇતિહાસ ગવાહ છે. જયારે 181પમાં જે જમીનોનું અંગ્રેજોએ વેંચાણ કર્યુ તે કાશી નરેશે ખરીદી હતી. આ અયોધ્યા બાદ કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ ઉતરપ્રદેશની ચૂંટણીને ગજવશે તે પણ મહત્વનું છે.
પરંતુ અખિલેશ યાદવની ખરી મુશ્કેલી અહીંથી જ શરૂ થાય છે. મથુરા પર શ્રી કૃષ્ણ જન્મભૂમિ અંગે બોલશે તો શું બોલશે, શું તે અયોધ્યાની માફક વિવાદાસ્પદ ગણાવાય છે તે ભૂમિ હિન્દુ એટલે કે કૃષ્ણ જન્મભૂમિ માટે સ્થાન પરત કરી દેશે તેવું સ્ટેન્ડ લેશે કે મુસ્લિમ તરફી સ્ટેન્ડ લેશે. હવે આ મુદાઓ પર રાજકીય ગણીત ઘણુ ઉંડુ છે ર0ર7નું ચૂંટણી ગણિત અત્યારથી જ ચાલુ થઇ ગયું છે અહીં વ્રજ ક્ષેત્ર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના સાથે સંકળાયેલા 19 જિલ્લાઓની 6પ વિઘાનસભા બેઠકો છે, ર017માં ભાજપે તેમાંથી પ7 જીતી હતી.
ર0રરમાં પ3 જીતી પરંતુ ર0ર4ની લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારની પાંચ સંસદીય બેઠક જીતીને સમાજવાદી પક્ષે ચૂંટણી ગણીત તંગ બનાવી દીધુ છે. ર0ર4ની ચૂંટણીએ ઉતરપ્રદેશમાં ભાજપ માટે એક મોટો આંચકો હતો ભાજપ માટે મથુરા ફકત કૃષ્ણ જન્મભૂમિ નથી પરંતુ પુરા રાજયમાં એક અયોધ્યા જેવો જ નેરેટીવ સર્જવાની તૈયારી છે. અને તેથી જ આ ફકત મંદિર કે મસ્જિદની ચર્ચાની હોય પરંતુ તેની સાથે રાજકીય વિવાદ પણ જોડાઇ જશે તે ચોકકસ છે. આમ રાજયમાં જે રીતે ચૂંટણીની તૈયારી શરૂ થઇ ગઇ છે તેમાં હવે મથુરા ક્ષેત્ર એ મહત્વની ભૂમિકા ભજવશે.
યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે મથુરા વૃંદાવનમાં પણ અયોધ્યા અને કાશીની માફક એક ભવ્ય મંદિર પરિસર તૈયાર કરવામાં આવશે જે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વની સાથે આધ્યાત્મિક પર્યટનને મજબુત બનાવશે. આમ અયોધ્યા અને કાશી મોડેલ હવે મથુરામાં પણ લાગુ થશે તે નિશ્ચિત છે. હાલ આ સમગ્ર વિવાદ અલ્હાબાદ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના બંનેના વિચારમાં છે. અલ્હાબાદ હાઇકોર્ટમાં 18 સીવીલ મુકદમાઓ ટ્રાન્સફર થયા છે જેમાં હિન્દુ પક્ષ પોતાની 13.37 એકર જમીન પર પૂર્ણ હકક માંગે છે તથા ઇદગાહ મસ્જિદ દુર કરવાની માંગણી કરે છે.
સુપ્રીમ કોર્ટમાં આ અંગે સ્ટેની લડાઇ છે. અલ્હાબાદ હાઇકોર્ટે શાહી ઇદગાહ પરીસરનું પોર્ટ કમિશ્ર્નર દ્વારા સર્વેનો જે આદેશ આપ્યો હતો તેના પર સ્ટે સર્વોચ્ચ અદાલતે આપ્યો છે અને હવે ફરી એક વખત દળો અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ જાય તેવી શકયતા છે. આમ કાનુની વિવાદ ચાલતો રહેશે પરંતુ ભાજપે ર0ર7ની ચૂંટણી રણનીતિ તૈયાર કરી લીધી છે અને સૌથી મહત્વનું એ છે કે રાજયમાં આગામી સમયમાં અખિલેશ યાદવ જે રીતે પોતાની રાજકીય પરીક્ષા આપવા જઇ રહ્યા છે તે સમયે તેઓ કઇ રીતે આગળ વધશે તે મહત્વનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
sanjsamachar@gmail.com
Privacy-policy