અંધકાસુરની કથા

11 September, 2026 12:23 PM

અંધકાસુરની કથા હિન્દુ ધર્મગ્રંથો અને શિવ પુરાણમાં વર્ણવવામાં આવી છે, આ કથા ભગવાન શિવ, માતા પાર્વતી અને અંધક નામના અસુરના જન્મ અને તેના અંતની છે

એકવાર માતા પાર્વતીએ મજાકમાં ભગવાન શિવની પાછળથી આવીને તેમની બંને આંખો પોતાના હાથથી બંધ કરી દીધી હતી. ભગવાન શિવનાં બંને નેત્ર સૂર્ય અને ચંદ્ર સમાન તેજસ્વી માનવામાં આવે છે.

જ્યારે બંને નેત્ર ઢંકાયા ત્યારે સમગ્ર જગતમાં અંધકાર છવાઈ ગયો. શિવે પોતાની ત્રીજી આંખ ખોલી, જેનાથી ઉત્પન્ન થયેલી ગરમી અને પરસેવાના ટીપાંમાંથી એક ભયંકર બાળક પ્રગટ થયું. આ બાળક અંધકારમાં જન્મ્યો હતો અને અંધ હોવાથી તેનું નામ ’અંધક’ રાખવામાં આવ્યું. બાદમાં આ બાળક દૈત્યરાજ હિરણ્યાક્ષને સોંપવામાં આવ્યો, જેણે તેને ઉછેર્યો. મોટો થઈને તે અસુરનો રાજા બન્યો, જેને અંધકાસુર કહેવામાં આવ્યો.

અંધકાસુરે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે તેની મૃત્યુ ત્યારે જ થાય જ્યારે તે "કોઈપણ સ્ત્રીને પોતાની માતા સમાન ન ગણે અને તેની તરફ કુદ્રષ્ટિ કરે.‘  પોતાની અતુલ્ય શકિતથી અંધકાસુરે અનેક દેવો અને રાજાઓને પરાજિત કર્યા. પોતાની કોઈ જન્મદાત્રી માતા નથી તેવું માનીને તે અમર હોવાના મદમાં આવી ગયો અને ત્રણેય લોક પર વિજય મેળવ્યો.

અહંકારમાં મસ્ત થઈને અંધકાસુરે કૈલાસ ઉપર આક્રમણ કર્યું અને માતા પાર્વતીને મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે માતા પાર્વતીના આહ્વાનથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને ભયંકર યુદ્ધ થયું, જેમાં ભગવાન શિવે તેને પરાજીત કર્યો અને તેને સત્ય જ્ઞાન કરાવ્યું કે જેની પર તે કુદ્રષ્ટિ નાખી રહ્યો છે, તે જગતજનની અને તેની પોતાની જ વાસ્તવિક માતા પાર્વતી છે. આ સાથે જ બ્રહ્માજીનું વરદાન પૂરું થયું. ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી અંધકાસુરનો વધ કરીને તેનો અહંકાર તોડ્યો અને તેને મુક્તિ આપી.

આ રીતે અંધકાસુરની કથા આપણને શીખવે છે કે શક્તિ કરતાં વિનમ્રતા મોટી છે અને અહંકાર વ્યક્તિના પતનનું કારણ બની શકે છે. ભગવાન શિવની કથામાં અંધકાસુરનો અંત અધર્મ અને અહંકાર પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવ તો અપરાધીને પણ શરણ આપનાર કરુણામય મહાદેવ છે.

શિવ પ્રાર્થના 
કર્પૂરગૌરં કરૂણાવતારં
સંસારસારં ભુજગેન્દ્રહારમ્મ
સદાવસંતં હૃદયારવિંદે
ભવં ભવાનીસહિતં નમામિય
- સ્વામી સદાનંદ : ગાદીપતિ : 
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj