ફેમીલી ફોટો ઓકે, વાસ્તવિકતા કયારે !

14 September, 2026 12:29 PM
► ઇરાન યુધ્ધથી ટેરીફ : ભારતની ધરતી પરથી અમેરિકા ઉપર આક્રમણની ડર્ટી ગેમ ખેલાઇ ગઇ !

► જો તમે બ્રિકસ સંમેલનની તસ્વીરો જુઓ તો દુનિયાની જીડીપીના 40 ટકા હિસ્સો ધરાવતા દેશો એક મંચ પર આવે અને  જે કંઇ જિયોપોલીટીકસના દુષણો હાલ જોવાઇ રહ્યા છે તેને એકી અવાજે વખોડી કાઢે તો તે મહત્વનું ગણી શકાય પણ દરેક દેશોએ પોતાનું પોલીટીકસ રમ્યુ અને તેના માટે બ્રિકસના મંચનો ઉપયોગ થયો તે સૌથી મોટી વાસ્તવિકતા છે, ફકત ર4 કલાકની મુલાકાતમાં 400 સભ્યોનું પ્રતિનિધિમંડળ લઇ આવવાની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગની ડિપ્લોમસીમાં ઘણુ છુપાયેલું છે 

► બ્રિકસ ડેકરેશનમાં પહેલગાવનું નામ લઇને આંતકવાદી હુમલાને વખોડાયો જે કંઇ શબ્દનો ઉપયોગ થયો તે દરેક મંચ પર આતંકવાદ સામે થાય છે પણ એ ભુલવું ન જોઇએ કે પહેલગાવ હુમલા બાદ ઓપરેશન સિંદુર સમયે ચીનએ પાકિસ્તાનને મદદ કરી હતી એટલું જ નહીં તે પાક.ની મદદથી અરબી સમુદ્રમાં પહોંચી રહ્યું છે અને પાક. કબ્જાના કાશ્મીરમાં આર્થિક કોરીડોર બનાવીને ભારતને ભીંસમાં મુકવા પ્રયત્ન કરે છે, સૌથી મહત્વનું છે કે ચીને આર્થિક નાકાબંધી અને ટેરીફનો હથિયાર કરવાનો વિરોધ કર્યો પણ ખુદ ચીને ભારત ઔદ્યોગિક રાષ્ટ્ર ન બને તે માટે રેર અર્થ મીનરલથી લઇ ટેકનોલોજી અને ત્યાં સુધી કે ફોકસફોનના એન્જીનીયરોને પરત બોલાવી લે છે 

► રશિયા અને ઇરાને અમેરિકાને ઘણુ બધુ કહી દીધુ પણ યુક્રેન યુધ્ધે પણ દુનિયાને ઘણુ નુકસાન પહોંચાડયું છે તેના પર કોઇ બોલ્યુ નહીં ચીને ખુદે તાઇવાનને બંદુકના નાળચે રાખ્યું છે અને તે ઇરાનના સાર્વભૌમત્વની વકીલાત કરે છે ચોકકસપણે ફોટો શુટ એ મહત્વનો સંદેશ છે પરંતુ બ્રિકસના દેશોમાં  જે શબ્દોનો ઉપયોગ થયો તે સ્વદેશ પરત જતા બદલાય જાય છે તે વાસ્તવિકતા છે આથી સંમેલનની ઉપલબ્ધિ એ ડિપ્લોમસીની દ્રષ્ટિએ ભલે મહત્વની ગણાતી હોય પણ ભારતે ખુદની તાકાત જ પર મુસ્તાક થવું પડશે,  બ્રિકસ કે કોઇ સંગઠન કાયમ માટેની ભૂમિકા બનાવતા નથી, સમય મુજબ તે બદલાય છે 

બ્રિકસ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીન પુતિન અને ચીનના પ્રેસીડેન્ટ શી જિનપીંગ આ એક તસ્વીર અને તેમાં ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયનની હાજરી આ તસ્વીર દુનિયાભરમાં  ઘણુ કહી જાય છે અને મહત્વનું એ છે કે ભારત બાદ હવે બ્રિકસની નવી શીખર પરિષદ બીજીંગમાં યોજાવા જઇ રહી છે. હજુ થોડા દિવસ પહેલા જ સાંધાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક મળી ગઇ અને તેથી એક મહત્વની બાબત એ છે.

કે દુનિયામાં જે રીતે બહુ ઝડપથી જિયોપોલીટીકલ સમીકરણો બદલાઇ રહ્યા છે તેમાં ભારતની ભૂમિકા વધવા લાગી છે અને ખાસ કરીને બે બે યુધ્ધો ચાલી રહ્યા છે અને બ્રિકસ દેશોની શીખર પરીષદે કોઇ રાષ્ટ્રનું નામ લીધા વગર જ તે પણ રશિયા જેવા યુક્રેન યુધ્ધ શરૂ કરનાર રાષ્ટ્રના વડાની હાજરીમાં જે રીતે બ્રિકસના મંચ ઉપરથી અમેરિકાને ચેતવણી આપવામાં આવી ત્રણે દેશોના રાષ્ટ્રવડાઓ મનસ્વી ટેરીફના કારણે દુનિયાનો જે વ્યાપાર ખોરવાયો છે તે અંગે પણ ચિંતા દર્શાવી અને ખાસ કરીને પહેલગાવ હુમલાનો ત્રાસવાદ વિરોધી પ્રસ્તાવમાં ઉલ્લેખ એ પાકિસ્તાનને સંદેશ પણ છે.

તેની સાથે ચીન જેવા દેશોની બેવડી નીતિ પણ ખુલ્લી પાડી છે ભલે ગમે તેટલા કડક શબ્દોમાં દસકાઓથી ત્રાસવાદને વખોડતા હો તેની સામે આર્થિક નાકાબંધી કરવા અને ત્રાસવાદીને શરણ ન આપવા  એક પછી એક પ્રસ્તાવો વૈશ્વિક મંચ પરથી થતા હોય તેમ છતાં પણ એક યા બીજા સ્વરૂપે ત્રાસવાદ ચાલુ છે અને દુનિયા તેનો ભોગ બની રહી છે સૌથી મહત્વનું એ છે કે ત્રાસવાદ માટે જન્મભૂમિ ગણાતા પાકિસ્તાન એ દુનિયાના યુધ્ધમાં મધ્યસ્થી કરે છે અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસથી લઇ જિનપીંગના સત્તાવાર આવાસમાં તેમને પ્રવેશ મળે છે જે દર્શાવે છે.

કે આ પ્રકારના શિખર સંમેલનો જે લાંબા સમયથી થઇ રહ્યા છે ખાસ કરીને બ્રિકસ દેશોના રાષ્ટ્રવડાઓ જે પ્રવચનો કર્યા તે વાસ્તવિકતા બનશે તે પ્રશ્ન છે અને તેથી શબ્દોના સાથીયા અને વાસ્તવિકતા વચ્ચે જે ડિપ્લોમેટીક અથવા તો કહો કે રાજદ્વારી તફાવત છે તે કેટલો ભુસી શકાય છે તે પ્રશ્ન છે.

સૌથી મહત્વનું એ છે કે પાકિસ્તાન અને ચીનની દોસ્તી એ આયરન બ્રધરહુડ તરીકે જાણીતી છે અને બ્રિકસ સંમેલનમાં જે રીતે સંયુકત ઘોષણાપત્રમાં આડકતરા શબ્દોથી પણ પાકિસ્તાન પર નિશાન તાકવામાં આવ્યું અને ચીનની સંમતિ તેમાં નજર આવી તો શું ખરેખર ચીન તે શબ્દોની સાથે છે કે તેની નજર કોઇ અલગ જગ્યાએ છે એ ભુલવું ન જોઇએ કે પહેલાગાવ હુમલા પછી જે ઓપરેશન સિંદુર થયું તેમાં પાકિસ્તાનને સેટેલાઇટ સહિતની સેવાઓ આપવામાં ચીનની મુખ્ય ભુમિકા હતી અને વર્ષોથી તે કાશ્મીર સહિતના  પ્રશ્ન પાકિસ્તાનનું ડિપ્લોમેટીક સમર્થન રહ્યું છે.

એટલું જ નહીં પાક. કબ્જાના કાશ્મીરમાં ચીન જે જમીન પડાવી રહ્યું છે તે ભારત માટે પણ ખતરો છે અને ચીન  પાકિસ્તાનના ભરોસે અરબી સમુદ્ર સુધી પહોંચી રહ્યું છે તથા ચીન પાકિસ્તાન વચ્ચે આર્થિક કોરીડોર પણ તૈયાર થઇ રહ્યો છે. તે સમયે ચીનની ઉપર કેટલો ભરોસો કરવો તે પ્રશ્ન છે સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ અમેરિકાની ટેરીફ સહિતની દાદાગીરીને અને ટેકનોલોજીને જે રીતે પ્રતિબંધાત્મક આદેશો સુધી મુકી છે પણ ચીન  ભારત સાથે તે જ કરી રહ્યું છે અને કદાચ કહો કે અમેરિકા કરતા વધુ પ્રતિબંધાત્મક આદેશો ચીન લાગુ કરી  રહ્યું છે જેને ‘ચેકપોસ્ટ પોલીટીકસ’ તરીકે ઓળખાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનો ઉલ્લેખ કર્યો તે રેર અર્થ મટીરીયલમાં ચીનમાં પોતાનું જે વર્ચસ્વ છે તેની નિકાસ પર પ્રતિબંધ અથવા તો નિયંત્રણ એ ભારતલક્ષી વધુ છે તે પણ મહત્વનું છે અને એ પણ ભુલવું ન જોઇએ એપલના આઇફોનની ફેકટરીઓ ભારતમાં જયારે ફોકસફોન એક પછી એક રાજયોમાં ઉભી કરવા લાગ્યું છે તો ચીન ફોકસફોનમાં કામ કરતા ચાઇનીઝ એન્જીનીયરને પરત બોલાવી રહ્યું છે. આમ ટેકનોલોજીમાં પણ ચીન પોતાની જે મહત્વપૂર્ણ ટેકનોલોજી છે તે ભારત સાથે વિનમય કરવા ઇન્કાર કરે છે આમ સમગ્ર બ્રિકસમાં ચીનના રાષ્ટ્રવડાએ જે અમેરિકાને સંબોધીને પ્રશ્ન ઉભા કર્યા તેનો ખુદ ચીને જવાબ આપવાનો છે. 

બ્રિકસના ન્યુ દિલ્હી ડેકરેશનમાં લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાનુનની વિરોધ એક તરફી આર્થિક પ્રતિબંધોની આકરી ટીકા કરવામાં આવે છે પરંતુ અમેરિકાને ટાર્ગેટ કરતું ચીન ખુદ મેન્યુફેકરીંગ ઇકપીટમેન્ટ અને ક્રિટીકલ મીનરલનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી રહ્યું છે ભારતને ઉત્પાદન હબ બનવા ન દેવા ચીન તેની તમામ તાકાતનો ઉપયોગ કરે છે અને જે કંઇ ભારતીય ઇન્ડસ્ટ્રીઝ ચીનની મશીનરી અને ટુલીંગ પર નિર્ભર છે .

તેના પર ચાઇનાએ મોટા પ્રતિબંધ લાદી દીધા છે આમ બ્રિકસ ડેકરેશનમાં પશ્ર્ચિમી પ્રતિબંધો અને પ્રોકટેશનનિઝમ પર જ્ઞાન દેવું બેહદ આસાન છે પરંતુ તે ખુદ અપનાવીને પશ્ર્ચિમી દેશોને ફકત ટાર્ગેટ બનાવવા એ ભવિષ્યમાં બુમરેંગ થઇ શકે છે. સૌથી મહત્વનું છે કે  જે દ્વિપક્ષી બેઠકો થઇ તેમાં પુતિન અને પેજેશ્કિયન વચ્ચેની બેઠકમાં ઇરાન પરના આક્રમણને વખોડવામાં આવ્યું અને તેની સાથે શી જિનપીંગે અમેરિકાના ટેરીફ સામે સીધી ચેતવણી આપી આમ બીજા શબ્દોમાં કહીએ તો ભારતની ધરતીનો  ઉપયોગ અમેરિકા પર પ્રહાર કરવા માટે થયો અને બ્રિકસના મંચનો લાભ ઉઠાવાયો તે સૌથી મોટી ગંભીર બાબત છે.

ભારત એ વૈશ્વિક જિયોપોલીટીકસમાં સંતુલન સાથે આગળ વધી રહ્યું છે. ચીનના અમેરિકામાં જે હિતો છે તે અવગણીને વોશિંગ્ટન સામે મોરચો માંડે તો તેને જ નુકસાન થાય તેમ છે. પરંતુ ચીન પોતાની ઉત્પાદન તાકાત અને ટેકનોલોજીમાં જે માહિરતા હાંસલ કરી છે તેના આધારે અમેરિકા સામે મોરચો માંડે છે. ચીનને આ ઉપરાંત  દક્ષિણ ચીન સમુદ્રમાં પણ પોતાના લશ્કરી અને આર્થિક હિતો જાળવવાના છે.

ઇરાનમાં પણ તેના જબરા હિત છે  અને રશિયા સાથેના તેના સંબંધો જાણીતા છે તો બીજી તરફ ભારતને તે એ રીતે આગળ વધવા દેવું માંગતુ નથી જે ભવિષ્યમાં ઉત્પાદન સહિતના ક્ષેત્રે ચીનની સ્પર્ધા કરી શકે આમ અમેરિકાને જ્ઞાન દેવું એ ઓકે છે પરંતુ ભારતની  ધરતી પરથી દેવાયું છે અને તેના અસલી ખલનાયક ચીન છે. આમ બ્રિકસના બહાને ડર્ટી ગેમ ખેલાઇ ગઇ તે પણ નોંધ લેવી જોઇએ. 

મહત્વપૂર્ણ એ છે કે ચીનના રાષ્ટ્રપતિ ફકત ર4 કલાકની મુલાકાતમાં 400 સભ્યોનું મોટુમસ પ્રતિનિધિમંડળ લઇને આવ્યા હતા અને બ્રિકસથી સમાંતર જે બેઠકો થઇ તેમાં ચીન પોતાના આર્થિક હિતોને મહતમ રીતે ભારતમાં આગળ ધપાવવા માંગે છે અને પહેલાગાવ સહિતના મુદે ચીને ટેકો આપ્યો હોય તો કદાચ શકય છે કે બીજીંગ પહોંચતા જ ચીનના શબ્દો બદલાય જાય આમ સમગ્ર સંમેલન એ હાલ તો શબ્દોના સાથીયા જેવું બની ગયું છે. સંમેલનમાં જે કહેવાયું તે ધરતી પર ઉતરે તે સમયે તેની વાસ્તવિકતા સમજાય શકે છે. 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

sanjsamachar@gmail.com

Privacy-policy

Contact Us

Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj