www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

108 લો લેકચરરની ભરતી માટે ખાનગી એજન્સીને વર્કઓર્ડર : હાઇકોર્ટે ઝાટકણી કાઢતા પ્રક્રિયા રદ


27 ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી માટે એજન્સીને 13 કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયો હતો : હાઇકોર્ટના આકરા સવાલો બાદ સરકારની પીછેહઠ

સાંજ સમાચાર

અમદાવાદ, તા.12
ગુજરાતની 27 ગ્રાન્ટેડ કોલેજોમાં 108 લેકચરરોની ભરતી માટે 13 કરોડમાં ખાનગી એજન્સીને અપાયેલા વર્ક ઓર્ડર રાજ્ય સરકારે રદ કરી નાખ્યો છે. સમગ્ર ભરતી પ્રક્રિયાની કાયદેસરતા સામે ગુજરાત હાઇકોર્ટે સવાલ ઉઠવતા રાજ્ય સરકારે તાબડતોબ આ નિર્ણય લીધો હતો.

હાઇકોર્ટના જસ્ટીસ નિખિલ કેરીએલે સુનાવણી દરમિયાન એવો સવાલ કર્યો હતો કે લેકચરરની ભરતી ટેન્ડર પ્રક્રિયાથી કરીને ખાનગી એજન્સીને કેવી રીતે કામ સોંપી શકાય.

આ મામલે સરકારનો જવાબ માંગવા અથવા આ મામલે સંજ્ઞાન લેવાની ટકોર કરી હતી. હાઇકોર્ટના આકરા સવાલ પછી સરકારી વકીલે અદાલતમાં પેશ થઇને કહ્યું કે સરકારે વિવાદાસ્પદ વર્ક ઓર્ડર રદ કરી દીધો છે અને નવી ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા જ કરવામાં આવશે તેવી બાંહેધરી  આપી હતી.

રાજ્યના શિક્ષણ મંત્રાલયના પેટા વિભાગ નોલેજ સેન્સોર્ટીયમ ઓફ ગુજરાત દ્વારા ડી.જી. નાડકર્ણીને અપાયેલો વર્ક ઓર્ડર રદ કરતો પરિપત્ર પણ કોર્ટમાં રજુ કરાયો હતો. 20 મહિના માટે ફીક્સ પગારથી 108 લેકચરરની ભરતી માટેનો આ વર્કઓર્ડર 2 જાન્યુઆરી 2026ના રોજ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની બાહેંધરી તથા વર્કઓર્ડર રદ કરતા પરિપત્રના આધારે હાઇકોર્ટે સમગ્ર મામલો સમાપ્ત કર્યો હતો.

જસ્ટીએ એવી હળવી ટકોર કરી હતી કે, `આ ફાસ્ટ ટ્રેક ન્યાય છે છતાં તે સારો છે'
લો-કોલેજોમાં આઉટ સોર્સથી લેકચરરની ભરતી મામલે હાઇકોર્ટનો સવાલ એવો હતો કે પ્રોફેશનલ યોગ્ય ધરાવતી ભરતી પણ આવી રીતે થઇ શકે. કરાર આધારિત ભરતી કરવાની હોય તો ખૂદ સરકાર પણ કરી જ શકે છે અને તેમાં ટેન્ડર પ્રક્રિયાથી ત્રીજી પાર્ટીને કામ કેમ સોંપી શકાય? પ્રાથમિક દ્રષ્ટિએ પ્રક્રિયા જ ગેરકાયદે જણાતી હોવાનું તારણ દર્શાવ્યું હતું.

અદાલતે કાયદા લેકચરરની ભરતી કરનારી એજન્સીની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. લો-કોલેજમાં ભરતી કરનારી એજન્સીની લાયકાત શું છે? લેકચરર કલાસ-4ના કર્મચારી છે જેની આઉટ સોર્સથી ભરતી થાય?

અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે કેટલી સંખ્યામાં લેકચરરોની ભરતી તે સવાલ નથી. પરંતુ ભારતીની પ્રક્રિયા વિશે ચિંતા છે. જીપીએસસી જેવી ભરતી પ્રક્રિયા સંભાળતી સંસ્થાઓનો આ ખાનગી એજન્સી અસરકારક વિકલ્પ બની શકે? તેવો ધારદાર સવાલ પણ ઉઠાવ્યો હતો.

Print