www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પર્વાધિરાજ પર્યુષણ પર્વ ભાદરવા મહિનામાં જ કેમ ?


સાંજ સમાચાર

 પર્યુષણ પર્વની આરાધના થકી આપણે સંસાર પરિભ્રમણનાં મૂળ એવા બે તત્વ રાગ-દ્વેષની તીવ્રતાને ઘટાડવાનો ખૂબ જ મજબૂત સંકલ્પ કરવા જેવો છે.
- પર્યુષણ પર્વ સંબંધી આ એક એવા ચિંતનનો વિષય છે કે જે આપણને સુંદર પ્રાચીન માર્ગદર્શન પ્રદાન કરી શકે છે.
- પર્યુષણ પર્વ એ જૈન ધર્મના સર્વ પર્વોમાં શિરોમણી છે પણ આ મહાન પર્વ ભાદરવા મહિનામાં જ કેમ ?
જવાબ : શાસ્ત્રીય દૃષ્ટિએ પર્યુષણ પર્વ ભાદરવા મહિનામાં જ છે જેનું પ્રમાણ - શાસ્ત્રીય દૃષ્ટિએ વદ પક્ષ પહેલાં આવે છે અને પૂર્ણિમાનાં દિવસે મહિનો પૂરો થાય છે એટલે શ્રાવણ વદ તે પ્રાચીન પંચાંગ વ્યવસ્થા અનુસાર તો ભાદરવા વદ છે માટે ભાદરવા વદના 4 દિવસ અને ભાદરવા સુદના 4 દિવસ એમ કુલ ભાદરવા મહિનાના 8 દિવસ થાય છે અને આ આઠ દિવસ જ્યોતિષની દૃષ્ટિએ પણ બહુ ઉત્તમ ગણાય છે.
- વિજય ક્ષેમસૂરી શિષ્ય જસવંત સાગર સૂરી શિષ્ય જિણંદ સાગર ગુરૂ મહારાજ જેવા મહાપુરૂષે પણ પર્યુષણ પર્વની થોયની રચના કરતા ફરમાવ્યું છે કે, વરસ દિવસમાં અષાઢ ચોમાસુ, તેહમાં વળી ભાદરવો માસ, આઠ દિવસ અતિ ખાસ...
- પાર્શ્વનાથ ભગવાનનાં જન્મ કલ્યાણકની આરાધનાના દિવસોને પણ જોઈએ તો ખ્યાલ આવશે કે, આપણે ઉજવીએ છીએ માગસર વદ 10 પણ  બોલાય છે પોષ દશમ.
- આજના સમયે પણ રાજસ્થાની જૈન પંચાંગને જોશો એટલે ખ્યાલ આવશે કે તેમાં પણ વદ પક્ષથી મહિનો પ્રારંભ થાય છે ને સુદ પૂનમનાં રોજ મહિનો પૂર્ણ થાય છે.
- પ્રભુ વીરનું નિર્વાણ કલ્યાણક આસો વદ અમાસના ઉજવીએ છીએ પરંતુ જ્ઞાનવિમલ સૂરી મ.સા.દ્વારા રચિત થોયમાં પણ ફરમાવ્યું છે કે, કાર્તિક વદિ અમાવાસ્યા નિર્મલી...
- આવા મહાન પર્વની આરાધના દરમ્યાન સંસારનું આકર્ષણ છોડવાનું છે, મનનું ઘર્ષણ મિટાવવાનું છે, પ્રભુનું શરણ સ્વીકારી લેવાનું છે,
સર્વસ્વ પ્રભુ ચરણે અર્પણ કરી દેવાનું છે.
- સંસાર પરિભ્રમણ કરાવનાર એક પણ તત્વને જીવનમાં સ્થાન આપવા જેવું નથી.
- આઠ દિવસ દરમ્યાન કરવામાં આવતા તપના નિમિત્તે સર્વ પ્રકારનાં આડંબર અને બાહ્ય વ્યવહારથી મુક્ત રહેવાનું છે,
- આઠ દિવસ દરમ્યાન કરવામાં આવતા દાનથી જરા પણ અભિમાન પ્રગટ થવા દેવાનું નથી, 
- આઠ દિવસ દરમ્યાન કરવામાં આવતી ક્રિયામાં ક્યાંય પણ કંટાળો લાવવા દેવાનો નથી કારણ કે જિનશાસનની પ્રત્યેક ક્રિયા આત્મ કલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રક્રિયા છે અને ક્રિયામાં બોલવામાં આવતા બે પ્રતિક્રમણ કે પંચ પ્રતિક્રમણના બોલવામાં આવતા પ્રત્યેક સૂત્ર આપણા માટે જીવન સૂત્ર તરીકે મહાન ઉપયોગી છે,
- આઠ દિવસ દરમ્યાન કરવામાં આવતી પરમાત્મ ભક્તિ ક્યાંય પણ અતિરેકમાં પરિવર્તિત ન થઈ જાય અને ક્યાંય આશાતનાનું કારણ ન બની જાય.
- આઠ દિવસ દરમ્યાન કરવામાં આવતી કોઈ પણ શુભ પ્રવૃત્તિ મનમાં જરા પણ રોષનું કારણ ન બને, કોઈના માટે જરા પણ રીષનું કારણ ન બની જાય, આપણા માટે જરા પણ અભિમાનનું નિમિત્ત ન બની જાય તેનો પૂર્ણ ખ્યાલ રાખવાનો છે.
- આ પર્વ સ્વભાવ બદલવાની વાત કરે છે, કોઈની ઉપર પ્રભાવ પાડવાની વાત નથી કરતું માટે સર્વ પ્રથમ આપણે આ પર્વના દિવસોની બધી જ આરાધના દ્વારા સ્વભાવથી ચાર કષાય (ક્રોધ, માન,માયા,લોભ) નો ત્યાગ કરીએ અને સાથે સાથે સ્વભાવની મુખ્ય બુરાઈ પે રહેલ આપસી ઈર્ષ્યા, દરેક વાતે કેન્દ્રમાં રહેલ સ્વાર્થ, ધર્મની દુનિયામાં લગભગ તમામ વ્યવસ્થાપકો/સંચાલકોમાં રહેલો તીવ્ર લોભ (માત્ર પૈસા બચાવવાની જ મનોવૃત્તિ),
નિંદા આદિ... આવા જે કાંઈ પણ દુર્ગુણો જાણતા-અજાણતા આપણા સ્વભાવમાં હોય તો તેને કમસેકમ આપણા જીવનમાંથી તો તિલાંજલી આપવાનો સંકલ્પ કરવાનું આ પર્વ આપણને શીખડાવે છે.
`મહાવીરના પંથે ચાલનાર માનવે મહાવીરના ગ્રંથને જીવનમાં અપનાવી  અહિંસા પરમો ધર્મ, ક્ષમા વીરસ્ય ભૂષણમ' મૈત્રી હી શ્રેષ્ઠ ધર્મ, સાધના હી પરમો ધર્મ, મૌન હી મેરા લક્ષ્ય આત્મ ધર્મ હી મેરા પરમ ધ્યેય'
આ વાતોને સતત આપણે આપણી નજર સામે રાખી જીવન જીવવાની કળા શીખી જઈશું તો જરૂર પર્યુષણ પર્વની સર્વ આરાધના શાનદાર સ્વરૂપે સફળ થશે જ.

 

Print