|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
ગાંધીનગર, તા.12
ગુજરાત વિધાનસભામાં આઝાદી બાદ પ્રથમવાર ટુકડા ધારા 1947માં મોટા-વ્યાપક સુધારા કરતું વિધેયક પસાર કરાયું હતું. જમીન મામલે 75 વર્ષથી પ્રવર્તતી જટિલતાનો અંત આવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
આ સુધારા વિધેયકમાં 1948 થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ -વિનિયમિત કરવામાં આવશે. આ વિધેયકમાં ઉમેરવામાં આવેલી નવી કલમ-5(4)નો ઉપયોગ કરી રાજ્ય સરકાર દ્વારા તમામ લોકલ એરીયામાં એક સમાન ક્ષેત્રફળ 10 ગુંઠા (1012 ચો.મી) નક્કી કરેલ છે.
આ સુધારાથી જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે. શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે અને સમગ્ર રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ મળશે તેમ વિધાનસભા ગૃહમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ વિધેયકથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારે ઉદારતા દાખવીને નિર્ણય કર્યો છે કે, વર્ષ 1948થી નવા કાયદાના અમલ સુધીમાં, જે કિસ્સાઓમાં જમીનના નિયમ કરતા નાના ટુકડા પડ્યા હોય અથવા કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તેવા તમામ જૂના ભંગને કોઈપણ પ્રકારનો દંડ વસૂલ્યા વગર નિયમબદ્ધ એટલે કે ‘રેગ્યુલાઈઝ’ કરવામાં આવશે.
વિધેયક લાવવા પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી જંત્રીના 10 ટકા પેનલ્ટી ભર્યા પછી પણ વ્યવહાર કાયદેસર થતા ન હતા અને ‘ફોક’ ગણાતા હતા, પરંતુ હવે આ ક્રાંતિકારી સુધારાથી હજારો ‘બોનાફાઇડ’ ખરીદદારોના જમીન ટાઇટલ ક્લિયર થશે અને રેવન્યુ કોર્ટમાં ચાલતા વર્ષો જૂના કેસોનો કાયમી નિકાલ માટે આ સુધારો લવાયો છે.