www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે અમરેલીમાં : સરોવરનું લોકાર્પણ કરશે


પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા 80 હજાર ચો.ફુટમાં સરોવરનું નિર્માણ પૂર્ણ : આગેવાનો - કાર્યકરોમાં સ્વાગત માટે ઉત્સાહ છવાયો

સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.26
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક હેતની હવેલી પાસે ગાગડીયો નદીના કાંઠે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું આવતી કાલ તા. 27 ઓગસ્ટના રોજ કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ભવ્ય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રસંગને લઈને દુધાળા સહિત લાઠી પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને કેન્દ્રીય ગૃહમંત્રીને આવકારવા સર્વ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડીયો નદી પર જળસંચય અને જળસંવર્ધનને કેન્દ્રમાં રાખીને ગુજરાત ગૌરવ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમાં અંદાજે 23 કરોડ લિટર જેટલા પાણીનો સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા ઊભી કરવામાં આવી છે. આશરે રૂપિયા 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ સરોવર આગામી સમયમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે જળસંચયનું મહત્વનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગાગડીયો નદી પર વર્ષ 2017માં શરૂ થયેલી જળ ક્રાંતિ આજે અનેક ગામો સુધી પહોંચી છે. તા. 30 માર્ચ, 2017ના રોજ ગાગડીયો નદી પર જળસંવર્ધનના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ધોળકિયા ફાઉન્ડેશનના પ્રયાસોથી ગાગડીયો નદી અને આસપાસના વિસ્તારમાં જુદાં જુદાં અંદાજે 40 જેટલાં સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે આસપાસના 100થી વધુ ગામોના લોકોને સીધો કે આડકતરો લાભ મળ્યો હોવાનું જણાવાયું છે.

જળસંચયના આ પ્રયાસોથી વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભજળના સ્તરમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા અર્ધશુષ્ક વિસ્તારમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને તેના યોગ્ય ઉપયોગ માટે આવા જળસંચયના પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુજરાત ગૌરવ સરોવર પણ આ જળસંવર્ધન અભિયાનની એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવ્યું છે.

ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેવાના હોવાથી સમગ્ર વિસ્તારનું તંત્ર અને આયોજકો તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. કાર્યક્રમ સ્થળે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આગેવાનો, કાર્યકરો અને સર્વ સમાજના લોકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

દુધાળા ગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને આવકારવા માટે સ્થાનિક સ્તરે પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રિજેશ ધોળકિયા, નીતિન સાવલિયા, કનક પટેલ, નરેશ માયાણી સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસને લઈને `નો-ફ્લાય ઝોન' જાહેર કરાયો
(મિલાપ રૂપારેલ) અમરેલી તા.26

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આવતી કાલ  તા.27 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા-હેતની હવેલી ખાતે તળાવના લોકાર્પણ કાર્યક્રમમાં પધારનાર છે. તેઓ  `Z+ CRPF' કક્ષાની ઉચ્ચ સુરક્ષા ધરાવતા હોઈ, કાયદો-વ્યવસ્થા તેમજ સુરક્ષા-સલામતીના ભાગરૂપે અમરેલીના જિલ્લા મેજીસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડીને સંબંધિત વિસ્તારને `નો-ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. 

આ હુકમ અન્વયે તા.27/8/26 ના રોજ લાઠી તાલુકાના દુધાળા હેતની હવેલી ખાતે આવેલ ફુલીબા ક્રિકેટ સ્ટેડીયમ હેલીપેડ, સભા સ્થળ, હેતની હવેલી, બાનું ઘર તથા ગુજરાત ગૌરવ સરોવર કાર્યક્રમ સ્થળની આસપાસના બે કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સત્તાવાર પરવાનગી વગર તમામ પ્રકારની ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે ટ્રેઈની પ્લેન (એરક્રાફ્ટ)ના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 

આ જાહેરનામાના નિયમોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Print