|
SANJ SAMACHAR | Date: 23-08-2026 Sunday | Rajkot |
|
|
ફોટા વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૩ ભાવનગરમાં ઝેરી દારૂના કારણે સર્જાયેલી હોનારતમાં આજે વધુ બે પીડિતોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ બે કરુણ મોત સાથે જ લઠ્ઠાકાંડનો કુલ મૃત્યુઆંક વધીને ૧૩ થયો છે. મળતી વિગતો મુજબ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં આઈસીયુ વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની મુકેશ ડામોર (ઉં.વ. ૩૫)નું આખરે મોત નિપજ્યું હતું. મૃતક મુકેશ ભાવનગરની ખાનગી કંપનીમાં હિટાચી મશીન ઓપરેટર તરીકે સેવા આપી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના અકાળ અવસાનથી છ મહિનાના માસૂમ પુત્ર અને બે વર્ષની પુત્રી પરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે. તેમણે ગત ૧૮ ઓગસ્ટના રોજ મિત્ર સાથે દારૂનું સેવન કર્યા બાદ તબિયત લથડી હતી. આ ઉપરાંત ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના સાગવાડીમાં રહેતા ભાર્ગવભાઇ ઉપાધ્યાય નામના અન્ય એક વ્યક્તિએ પણ સારવાર દરમિયાન જ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિલાપ કરતા પરિજનોએ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ઝેરી દારૂનું ખુલ્લેઆમ વેચાણ નીચલા સ્તરના અધિકારીઓની બેદરકારી દર્શાવે છે. પીડિત પરિવારોએ આ કેસમાં જવાબદાર તમામ તત્વો અને અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે.