|
SANJ SAMACHAR | Date: 19-08-2026 Wednesday | Rajkot |
|
|
આપણા સુપ્રસિધ્ધ તથા લોકપ્રિય મહાકાવ્ય રામચરિત માનસના રચયીતા સંત તુલસીદાસનો જન્મ પવિત્ર શ્રાવણ માસના શુકલપક્ષની સાતમના રોજ યુપીના બાંધા જીલ્લાના રાજાપુર ગામમાં થયો હતો. તેમનો જીવનકાળ ઈ.સ. 1532થી 1623 મનાય છે.
તુલસીદાસ અનન્ય રામભકત હતા. તેમના ગ્રંથ રામચરીત માનસને અદભૂત લોકપ્રિયતા મળેલી છે. તેમના પિતાનું નામ આત્મારામ દુબે તથા માતાનું નામ હુલસી હતું. નવાઈની વાત એ છે કે આ બાળકના જન્મ સમયે તેને 32 દાંત હતા. તેઓ જન્મ પછી તુરત જ ‘રામ’ બોલ્યા હતા. તેમની નાની વયમાં જ માતાનું અવસાન થતા દાસી ચુનીયાએ તેને ઉછેર્યા. ત્યારબાદ પિતાએ પણ બાળકને જાકારો આપ્યો અને તે અનાથ બન્યા.
તુલસીને બાલ્યાવસ્થામાં ભીખ માગતા જોઈ ગયેલા હરિહરાનંદજીએ સરયુ તટે યજ્ઞોપવિત અપાવ્યું અને પોતે જયાં જયાં જતા ત્યાં તેમને લઈ જતા. કથા વાંચન કરતા, કીર્તન કરતા. ત્યારબાદ કાશીમાં હરિહરાનંદજીએ તુલસીને શેષ સનાતન નામના મહાત્માને સોંપ્યા તેમણે તુલસીને વેદ પુરાણો, કાવ્યો ઈત્યાદિનો અભ્યાસ કરાવ્યો. તુલસીએ 15 વર્ષ તીર્થાટન કયુર્ં અને એક વખત પોતાની જન્મભૂમિ તરફ ગયા અને ત્યાં જ રોકાયા. પોતાના ઘરને સમારકામ કરાવ્યું અને ત્યાં જ રહીને રામ કથા કહેવા લાગ્યા.
તુલસીએ પ્રાકૃતિક લોક બોલીમાં એક મહાકાવ્યની રચના કરી. સં.1631ના ચૈત્ર સુદ 9થી શરૂ કરેલ ગ્રંથ માગર માસની પુનમે પૂર્ણ કર્યો. તુલસીદાસે કવિતા વકત વિનયપત્રિકા, ગીતાવલી તથા અન્ય પુસ્તકો વ્રજ ભાષામાં લખ્યા. પ્રભુશ્રી રામના જીવન તથા લીલાનું મહાકાવ્ય રામચરિત માનસ સાત અધ્યાયોમાં લખ્યું જે ખુબજ પ્રખ્યાતિ પામ્યું.
પોતાના આરાધ્ય દેવ પ્રભુશ્રી રામ પ્રત્યે અનન્ય તથા અખુટ ભકિત ધરાવતા તુલસીને અકબરના દરબારમાં સુબે તરીકે રહેવાનું આમંત્રણ મળેલુ પરંતુ તેનો તેમણે અસ્વીકાર કરેલો. તુલસીદાસની ખ્યાતિ વધતી જોઈ કાશીના બ્રાહ્મણોને ઈર્ષ્યા થવા લાગી અને તેમણે સ્વામી મધુસુદન સરસ્વતીને ફરીયાદ કરી પંડીતો વીફર્યા અને શિવ મંદિરમાં બધા જ શાસ્ત્રો-પુરાણોનો કડકલો કર્યો અને સૌથી છેલ્લે માનસનો ગ્રંથ રાખ્યો અને ઠરાવ્યું કે સવારના મંદિર ખોલતા જે ગ્રંથ સૌથી ઉપર હશે તેને સર્વોપરી માનવો. સવારે મંદિર ખોલતા સહુથી ઉપર માનસનો ગ્રંથ જોઈ સહુ બ્રાહ્મણો તથા વિરોધીઓ ભોંઠા પડયા અને તુલસીદાસને ચરણે પડીને તેમની ક્ષમા માગી.
તુલસીદાસ આર્ષદ્દષ્ટા હતા. તેઓ લોક કલ્યાણના હિમાયતી હતા. તેમણે લોકોને લોકમર્યાદાનો રાહ ચીંધ્યો તુલસીદાસ યુગદ્દષ્ટા કવિ મનાય છે. તેઓએ અનેક કષ્ટો ઝેલ્યા છે. અપમાનો પણ સહન કર્યા છે. મહાત્મા ગાંધીજીએ પણ તુલસીના અનેક આદર્શોમાંથી પ્રેરણા લીધી હતી.
તુલસીએ મુસ્લીમ શાસન કાળમાં જ્ઞાન અને ભકિતનો પ્રચાર કર્યો રામનામનો મહિમા વધાર્યો. રામનામના આ ગાયકે 127 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. સં.1680ના શ્રાવણ વદ બીજના દિવસે તેમણે દેહત્યાગ કર્યો. રામનામને ગાજતુ તથા ગુંજતુ કરનાર આ મહાન સંતને ભાવભરી શ્રધ્ધાંજલી.